એક રેગ્યુલર, તો બીજો ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ કોર્ષ હશે: એક જ ફેકલ્ટીમાં પણ બે ડિગ્રી લઈ શકાશે: યુજીસી આગામી દિવસોમાં ગાઈડલાઈન બહાર પાડશે
જે વિદ્યાર્થીઓ હવે બે ડીગ્રી કોર્ષ એકસાથે કરવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા પણ આ માટે મંજુરીની મહોર આપવા માટે વિચારણા ચાલી રહી છે. જો કે આ બંને ડિગ્રીઓ વિદ્યાર્થીઓએ અલગ અલગ માધ્યમ દ્વારા લેવાની રહેશે. જેમાં એક રેગ્યુલર માધ્યમ અને બીજું ડિસ્ટન્સ લર્નિંગ મારફતે ડીગ્રી મેળવી શકાશે.
આ અંગે યુજીસીના સચિવ રજનીશ જૈને જણાવ્યું હતું કે, તાજેતરમાં જ આયોગની મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં આ પ્રસ્તાવને મુકવામાં આવ્યો હતો. ભારતમાં વિદ્યાર્થીઓને એકસાથે ૨ ડીગ્રી મેળવવાનો માર્ગ મોકળો બન્યો છે. વિદ્યાર્થીઓ એક જ સમયે ૨ ડીગ્રી એક જ સમયે બે ડીગ્રી એક જ ફેકલ્ટીમાં અથવા અલગ અલગ ફેકલ્ટીમાં કરવાની સુવિધા મળશે. આ બને ડિગ્રીઓમાં એક કોર્ષ રેગ્યુલર તરીકે અને
બીજો કોર્ષ ઓનલાઇન ડિસ્ટન્સ લર્નિંગ માધ્યમથી પૂર્ણ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, યુજીસીએ ગત વર્ષે ઉપાધ્યક્ષ ભૂષણ પટવર્ધનના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી હતી. જેણે એક જ યુનિવર્સિટી અથવા અલગ અલગ યુનિવર્સિટી દ્વારા ડિસ્ટન્સ લર્નિંગ ઓનલાઈન માધ્યમથી ૨ ડિગ્રીઓ એકસાથે પ્રાપ્ત કરવાના પ્રસ્તાવ પર વિચાર કરવાનો હતો.
યુજીસીએ અગાઉ વર્ષ-૨૦૧૨માં પણ એક સમિતિની રચના કરીને તેને આ વિષય પર વિચાર કરવા માટે જણાવ્યું હતું.એ સમિતિએ આ વિષય પર વ્યાપક વાટાઘાટો કરી હતી. પરંતુ પ્રસ્તાવ આગળ વધ્યો ન હતો.
એટલે કે, હવે દેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી કોર્ષ કરી શકશે. આનો મતલબ એમ કે દિલ્હી યુનિવર્સિટીમાં મેથેમેટીકસનો અભ્યાસ કરતો વિદ્યાર્થી હવે ઈગ્નુ કે અન્ય શૈક્ષણિક સંસ્થામાં ડિસ્ટન્સ લર્નીંગ ઓનલાઈન એજ્યુકેશન સાથે કોર્ષ કરી શકશે. વિદ્યાર્થીઓ તેમની કેરીયર સુધારવા માટે એક જ સમયે બે ડિગ્રી કોર્ષ કરી શકે તે માટેની દરખાસ્તને યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન (યુજીસી) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
એક ડિગ્રી કોર્ષ રેગ્યુલર સીસ્ટમ મુજબ કરી શકાશે જ્યારે બીજો ડિગ્રી કોર્ષ ઓપન યુનિવર્સિટીમાંથી કે ડિસ્ટન્સ લર્નીંગ સંસ્થાઓ દ્વારા કે ઓનલાઈન કરી શકાશે. વિદ્યાર્થી જુદી જુદી સંસ્થામાં અને જુદા જુદા પ્રવાહમાં ૨ ડિગ્રી કોર્ષ કરી શકશે. જો કોઈ સંસ્થા એક કરતા વધુ અભ્યાસક્રમ શિક્ષણ ઓફર કરતી હોય તો તે એક જ સંસ્થામાં બે ડિગ્રી કોર્ષ કરી શકશે.
યુજીસી દ્વારા આ અંગેની ગાઈડ લાઈન બહાર પાડવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. યુજીસીના વાઈસ ચેરપર્સન ભુષણ પટવર્ધનના વડપણ હેઠળને સમીતી લોકો પાસેથી મળેલી ભલામણો અને સુચનોને આધારે ગાઈડ લાઈન ઘડાઈ રહી છે. સમીતીએ જણાવ્યું હતું કે, બે ડિગ્રી કોર્ષ કરતા વિદ્યાર્થી માટે રેગ્યુલર ડિગ્રી કોર્ષમાં લઘુતમ હાજરીનો માપદંડ નક્કી કરાશે. જ્યારે બીજો ડિગ્રી કોર્ષ ડિસ્ટન્સ લર્નીંગ કે ઓનલાઈન સીસ્ટમથી નક્કી કરવામાં આવશે.
વિદ્યાર્થી પીજી કોર્ષની સાથે ડિપ્લોમા પણ કરી શકે: ડો.નીતિન પેથાણી
આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુજીસી જો એક સાથે ૨ ડીગ્રી આપવાનો નિર્ણય કરે તો તે ખૂબ આવકારદાયક છે. અને સક્ષમ વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય ખૂબ જ સારો રહેશે અને આ સિસ્ટમ જો અમલી બનશે તો વિદ્યાર્થીઓને કેરિયર વર્ષમાં અને પ્રમોશનના વર્ષમાં માર્કિંગમાં વધારો થઈ શકે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી પીજી કોર્ષની સાથે સાથે ડિપ્લોમા ડીગ્રી પણ મેળવી ને ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે. આ કોર્ષથી વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા ફાયદો થશે. અને તેની જલ્દી અમલવારી થાય જેથી વિદ્યાર્થીઓ વહેલી તકે આ બે ડિગ્રી કોર્ષનો લાભ લઈ શકે.
વિદ્યાર્થીઓ ઓછા સમય વધુ જ્ઞાન મેળવી શકશે: ડો.વિજય દેસાણી
આ સમગ્ર મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન યુ-ટયુબ અને ચેનલ મારફતે અભ્યાસ મેળવી રહ્યા છે ત્યારે હવે આજના યુગ મુજબ શિક્ષણની માંગ વધી છે તો જો યુજીસી દ્વારા જો ૨ ડીગ્રી વિદ્યાર્થીઓ એકસાથે મેળવી શકે તો તે ખૂબ જ આવકારદાયક છે. અને જો આવું શક્ય બને તો વિદ્યાર્થીઓને આનો ખૂબ જ લાભ થશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરતા હોય તેવા વિદ્યાર્થીઓ એક કોર્ષ રેગ્યુલર બેઈઝમાં અને એક કોર્ષ ઓનલાઈન કરી શકશે. જેથી ભવિષ્યમાં તેઓને ચોક્કસથી ફાયદો થશે.
વિદ્યાર્થીઓ વ્યવસાયની સાથે ગમતા વિષયનું શિક્ષણ પણ મેળવી શકશે: ડો. નિદત બારોટ
આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડો.નિદત બારોટે ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય લેવાય તો વિદ્યાર્થીઓ વ્યવસાયની સાથે ગમતા વિષયનું પણ શિક્ષણ મેળવી શકશે અને એકસાથે ૨ ડીગ્રી મળવાથી એક્સેપ્સનલ વિદ્યાર્થીઓ કે જે ઝડપથી શીખી શકતા હોય તેનું વર્ષ બચે. આ નિર્ણય અમલી બને તો ચોક્કસ થી વિદ્યાર્થીઓને ફાયદો થશે અને જે વિદ્યાર્થીઓ ટેક્નિકલ અભ્યાસ કરે છે અને હવે જો આ નિર્ણય થાય તો વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગની સાથે સાથે આર્ટ્સ હિસ્ટ્રી જેવા અભ્યાસક્રમો ભણી શકશે.
એક સાથે બે ડિગ્રીથી વિદ્યાર્થીઓ સમયનો સદઉપયોગ કરી શકશે: ડો.નેહલ શુક્લ
આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો.નેહલ શુક્લએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જો એકસાથે બે ડીગ્રી વિદ્યાર્થીઓ મેળવી શકશે તો વિદ્યાર્થીઓના સમય અને નાણાંનો સદઉપયોગ કરી શકશે. હોશિયાર વિદ્યાર્થીઓ આ ડિગ્રીઓનો વધુ ને વધુ ઉપયોગ કરી શકે અને હાલના સમયને ધ્યાને રાખી આ નિર્ણય ખૂબ જ આવકારદાયક છે અને ઉદાહરણ તરીકે વિદ્યાર્થી રેગ્યુલર બીએસસી કોમ્પ્યુટરનો કોર્ષ કરી ડિસ્ટ્સન્સ લર્નિંગમાં બી.કોમની ડીગ્રી સાથે મેળવી શકે.