રાજકોટ આયકર વિભાગને ઉંઘતું રાખી આજે સવારે મુંબઈ, અમદાવાદ, વડોદરા અને જામનગર ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટના 40થી વધુ અધિકારીઓ અને 100થી વધુ કર્મચારીઓના કાફલાએ શહેરમાં જાણીતા બિલ્ડર જુથો પર દરોડા પાડયા હતા.
આર.કે.ગ્રુપના સર્વાનંદ સોનવાણી, જાગનાથ મારબલવાળા પ્રફુલભાઈ ગંગદેવ, જાણીતા ઉદ્યોગપતિ હરિસિંહ સુતરીયા સહિતના બિલ્ડરોના અલગ અલગ બે ડઝનથી વધુ સ્થળો પર એકી સાથે આઈટી વિભાગના અધિકારીઓનો કાફલો ત્રાટકતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. દરોડામાં એક મોટા ફાયનાન્સરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. 150 ફૂટ રીંગ રોડ પર એકી સાથે 8 મોટા પ્રોજેકટોને લઈ આર.કે.ગ્રુપ આઈટીની ઝપટે ચડ્યું હોવાનું મનાય છે.
આઈટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના ધાડેધાડા એક સાથે બે ડઝન સ્થળોએ ત્રાટક્યા હતા. બિલ્ડર લોબીમાં દરોડાની ચર્ચા આજે હોટ ટોપીક બની જવા પામી હતી. મોડીરાત સુધી આ રેડની કામગીરી ચાલે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો ઝડપાય તેવી સંભાવના પણ હાલ વર્તાઈ રહી છે.