ઈદ મિલન, મસ્જિદમાં સામૂહિક નમાઝ અદા કરવા સહિતના ધાર્મિક કાર્યક્રમો કર્યા રદ્દ: મુસ્લિમભાઈઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે ઘરમાં જ ઈદની નમાઝ પઢી કોરોનામાંથી મુક્તિ અપાવવા અલ્લાહને ઈબાદત કરી

કોરોના મહામારીને કારણે સમગ્ર ભારતમાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની સાદગીપૂર્ણ ઉજવણી કરી હતી. ઈદ મિલન અને સમૂહમાં મસ્જિદની અંદર નમાઝ અદા કરવાનો કાર્યક્રમ પણ રદ્દ કરી સહુએ પોત પોતાના ઘરમાં અલ્લાહની બંદગી કરી વિશ્ર્વને કોરોનામાંથી મુક્તિ અપાવવા ઈબાદત કરી હતી.

વેરાવળ

વેરાવળ સોમનાથમાં કોરોનાની મહામારીને કારણે રમજાન ઇદની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગીર-સોમનાથના પ્રથમ પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાના એ ઈદ મિલનનો પ્રોગ્રામ પણ રદ કરેલ હતો અને ઈદના ખુશીના તહેવારને સાદગીપૂર્ણ ઉજવણી કરી સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારતનું સંદેશ આવ્યો. આ તકે વેપારી અગ્રણી બકુલ ભાઈ પટેલ, રસીકભાઈ પટેલ, સામાજીક કાર્યકર્તા અફઝલસર, કોંગ્રેસ શહેર પ્રમુખ દિનેશભાઇ રાયઠ્ઠા, રબારી સમાજના મોભી અને નગરપાલિકાના કારોબારી ચેરમેન  પ્રહલાદભાઇ શામળા, ખારાકુવા ફીશ એસો.પ્રમુખ રફીકભાઈ મૌલાના સોસિયલ ડિસ્ટન્સ સાથે ઈદની શુભેચ્છાઓ આપી અને કોમી એકતાના દર્શન થયેલ હતા.

ગોંડલ

ગોંડલ શહેર પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઇદની સાદાઈથી ઉજવણી કરવામાં આવી. રોજા લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને રાખી મુસ્લિમ બિરાદરો દ્વારા ઘરમાં જ રહી ઇબાદત કરી ઇદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. લોકડાઉનને લઈને છેલ્લા બે મહિનાથી મસ્જિદો બંધ હોય દેશની સુખાકારી સમૃદ્ધિની મુસ્લિમ બિરાદરો દ્વારા ઘરે ઘરે પરિવાર સાથે દુવાઓ માંગવામાં આવી હતી.

ઓખા

ઓખામાં દર વર્ષે ડાલ્ડા બંદર પર સૈયદપીર બાદશાહ તથા બેટ દ્વારકા હાજી કીરમાણીની દરગાહે ઈદની નમાજ અદા કરવામાં આવે છે. જેમાં ઓખા મુસ્લિમ જમાતના મોલાના સાથે દરેક નાના મોટા ભાઈઓએ હાજર રહે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી કારણે લોકડાઉન હોય તેથી સવારના આઠ વાગ્યાથી જ ઘરોમાં રહી અલ્લાને યાદ કરી, અલ્લાની બંદગી કરતા  ફૂલ ધરીને દુવા કબુલ કરી આ કોરોના રૂપી મહા સંકટમાંથી બચાવવા બંદગી કરતા મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ અદા કરી હતી.

ચોટીલા

ચોટીલાના સમસ્ત મુસ્લિમ સમાજે પાંચ ટાઈમની ફઝર અસર જોહર મગરીબ અને ઈશાની નમાજ સાથે રમઝાન માસની ખાસ નમાજ તરાવીહ અદા કરી ખુદાની બંદગીમાં તલ્લીન બન્યા હતા.

જૂનાગઢ

રમઝાન માસની પૂર્ણાહુતિ સાથે ઇદનો ચાંદ દેખાતા સોમવારે જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં રમજાન ઈદની શાંતિપૂર્વક અને એખલાસ ભર્યા વાતાવરણમાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. ગોસાઈ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. બી. સોલંકી ટ્રાફિક બ્રાંચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.સી. ઝાલા સહિતના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફના માણસો ઈદ મુબારક લખેલા માસ્ક પહેરી રમજાન ઈદ નિમિતે સુખનાથ ચોક, દીવાન ચોક, માંડવી ચોક, ઝાલોરા પા, મેમણ વાડા, નાથીબુ મસ્જિદ સહિતના વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. પોલીસ અધિકારીઓ પર મુસ્લિમ ભાઈઓ દ્વારા પુષ્પવર્ષા કરી સન્માન કરાયું હતું.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના લોકોએ લોકડાઉનનું પાલન કરી ઘરમાં રહીને રમઝાન ઈદની ઉજવણી કરી હતી. ઈદ નિમિતેના તમામ ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી ઘરમાં જ ઈદની નમાઝ પઢવામાં આવી હતી. ઉપરાંત ઈદ મિલનનો કાર્યક્રમ પણ મુલત્વી કરાયો હતો. નમાઝની બંદગીમાં મુસ્લિમભાઈઓએ કોરોનામાંથી ઉગારવા ખૂદાતાલાને ઈબાદત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.