રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠે હેમ રેડિયોની 7 ટીમો તૈનાત: રાજકોટમાં 16 હેમ રેડિયો ઓપરેટર્સને શિફ્ટ વાઇઝ ડ્યુટી સોંપાઈ
સમગ્ર ભારતમાં કોઈ પણ કુદરતી આફત સમયે વિકટ પરિસ્થિતિ સર્જાય ત્યારે સંદેશા વ્યવહાર સજ્જડ બંધ થઈ જાય તેવી સ્થિતિમાં હેમ રેડિયો લોકોને મદદ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે.રાજ્યમાં 500 થી વધુ હેમ રેડિયો ઓપરેટર્સ લાયસન્સ ધરાવે છે.રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 150 જેટલા હેમ રેડિયો ઓપરેટર્સ કાર્યરત છે જેઓ સ્વૈચ્છિક પોતાનો સમય વિકટ પરિસ્થિતિમાં સરકારને મદદરૂપ થવા માટે આપે છે.હાલમાં ચાલી રહેલ બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં હેમ રેડીયોની કુલ 7 ટીમોને ડ્યુટી સોંપવામાં આવી છે જેમાં રાજકોટથી 2 ટીમને મોરબી તેમજ દ્વારકા ખાતે મોકલવામાં આવી છે.રાજકોટ શહેરમાં હેમ રેડિયો કલબના પ્રમુખ તરીકે એન.એન.ઝાલા સેવા આપી રહ્યા છે તેમજ બાલભવન ખાતે આવેલ હેમ રેડિયો કંટ્રોલ રૂમનું સમગ્ર સંચાલન તેઓ કરી રહ્યા છે.
હેમ રેડીયોની સમગ્ર સૌરાષ્ટ્રમાં 7 ટીમો તૈનાત રાજ્યમાં 2 શહેરોમાં કંટ્રોલરૂમ કાર્યરત
કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં હેમ રેડિયો સંદેશા વ્યવહાર માટે ખુબજ મહત્વનું સાધન બની રહે છે.જ્યારે મોબાઈલ સહિતના તમામ નેટવર્ક બંધ થાય ત્યારે એ સમયે સંપર્ક વિહોણા ગામ ની માહિતી તથા છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોનો સંપર્ક સાધી તેની માહિતી સરકાર સુધી પોહચાડવામાં હેમ રેડિયો અતિ મહત્વનો સાબિત થાય છે. હાલમાં.બિપરજોય વાવાઝોડાની સ્થિતિમાં રાજ્યમાં 2 સ્થળો પર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે જેમાં એક કંટ્રોલ રૂમ ગાંધીનગર તેમજ બીજો કંટ્રોલ રૂમ રાજકોટમાં શરૂ કરવામાં આવ્યો છે.રાજકોટ થી 2 ટીમો દ્વારકા અને મોરબી મોકલવામાં આવી છે જ્યારે ગાંધીનગરથી 5 ટીમો પોરબંદર ,જામનગર , નખત્રાણા ,માંડવીમાં મોકલવામાં આવી છે.જેઓ પળેપળની માહિતી રાજ્ય સરકારને પોહચાડી રહ્યા છે.
દ્વારકામાં પરિસ્થિતિ વિકટ બની રહી છે,લોકો સાવચેત રહે એન.એન.ઝાલા ( પ્રમુખ,હેમ રેડિયો કલબ,રાજકોટ)
રાજકોટ શહેરમાં વર્ષોથી સેવારત રિટાયર્ડ પોલીસ અધિકારી એન.એન.ઝાલા હેમ રેડિયો કલબના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.બિપરજોય વાવાઝોડા સંદર્ભે હેમ રેડીયોની રાજ્યમાં કુલ 7 ટીમો તૈનાત કરવામાં આવી છે.જેમાં એક ટીમમાં 3 મેમ્બર્સ હોઈ છે.એન.એન.ઝાલાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગાંધીનગરમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે તેમજ રાજકોટમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.તમામ ટીમ મેમ્બર્સ પાસે પોતાના સેટ્સ ઉપલબ્ધ છે.કોઈ પણ સમયે વીજ પુરવઠો કે મોબાઈલ સંદેશાઓ ખોરવાઈ તો એવા સમયે હેમ રેડીયોના માધ્યમથી કોઈ પણ સંદેશા વ્યવહાર કરી શકાય છે.હેમ રેડીયોની ટીમના તમામ લોકો પોત પોતાના ધંધા રોજગાર બંધ કરી નિ:શુલક્ સેવા આપી રહ્યા છે.
વાવાઝોડુ કઈ દિશામાં જશે એ તો કહેવું ખુબજ મુશ્કેલ છે પરંતુ લોકો 24 કલાક ખુબજ સાવચેતી રાખે તે જરૂરી છે.ઝાડ પડવાની, વીજ પુરવઠો ખોરવાઈ તેમજ ,સંદેશા વ્યવહાર ખોરવાઈ તેની શક્યતાઓ જણાઈ રહી છે.ભૂતકાળમાં અનેક વાવાઝોડા આપણે જોયેલા છે જેમાં નિલઓફર અને તાઉતે વાવાઝોડુ પણ આપણે જોયેલ છે.લોકો તકેદારી રાખે અને જરૂર સિવાય ઘરની બહાર ન નીકળે તે અમારી અપીલ છે.એન.એન.ઝાલા એ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં જ માહિતી જે મળી રહી છે જેમાં દ્વારકા પરિસ્થિતિ વધુ બગડી છે જેમાં ભારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે જ્યારે મોરબીમાં વાવાઝોડાની અસર ઓછી જોવા મળી રહી છે.