કોડીનાર માતાનું અવસાન થતા પ્રોફેસર દંપત્તી આંટો દેવા ગયા અને તસ્કરો હાથફેરો કરી ગયા
શહેરમાં પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા મોકળુ મેદાન સમજી ધમરોળતા તસ્કરોએ નાના મવા રોડ પર આવેલી સિલ્વર સાઇન પાર્કમાં બંધ મકાનને નિશાન બનાવી રૂ.૩ લાખની મત્તાનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રોફેસર દંપત્તીના કોડીનાર પાસેના ફાફણી ગામે માતાનું અવસાન થતા ગયા તે દરમિયાન તસ્કરોએ ચોરી કર્યાની ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સિલ્વર સાઇન પાર્કમાં રહેતા ભરતભાઇ ધુળાભાઇ વાઢેરના તા.૧૧ થી ૧૨ દરમિયાન બંધ રહેલા મકાનના દરવાજાના તસ્કરોએ નકુચા તોડી રૂ.૩ લાખની મત્તાની ચોરી થયાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
એમ. એન્ડ એમ. સાયન્સ કોલેજમાં પ્રોફેસર ભરતભાઇ વાઢેરના પત્ની મંજુલાબેન જે.જે.કુંડલીયા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તા.૧૦ ઓકટોમ્બરે ભરતભાઇ વાઢેરના કોડીનાર પાસેના ફાફણ ગામે કાકાનું અવસાન થયું હતું અને બીજા દિવસ માતાનું અવસાન થતા પત્ની મંજુલાબેનને પણ ફાફણ ગામે તેડાવ્યા હતા.
પતિ-પત્ની ફાફણ ગામે હોવાથી પુત્રી સૌમ્યાની પરિક્ષા ચાલુ હોવાથી પાડોશી વિનુભાઇ વાઢેરને ત્યાં રોકાઇ હતી. ગઇકાલે પોતાના ઘરે કંઇ વસ્તુ લેવા માટે ગઇ ત્યારે મકાનના દરવાજા ખુલ્લા અને નકુચા તુટેલા જોતા વિનુભાઇ વાઢેરે ફોન કરી ભરતભાઇ વાઢેરને ચોરી થયાની જાણ કરી હતી.
તસ્કરો તિજોરીમાંથી સોનાની ચાર બંગડી, સોનાનું ડોકયુ, સોનાના પેડલ સાથેનો સેટ, ડાયમંડ રીંગ, સોનાની વીંટી, સોનાનો ચેન, ડાયમંડ બુટી, ડાયમંડ પેડલ મળી રૂ.૨ લાખના ઘરેણા અને એક લાખ રોકડા મળી રૂ.૩ લાખની મત્તાની ચોરી થયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
માલવીયાનગરના આર.આર.સોલંકી સહિતના સ્ટાફે ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતની મદદ લઇ તપાસ હાથધરી છે.