મોરબી રોડ પર ઓમ પાર્કમાં ચાંદી આપવા જતા બે શખ્સોએ બાઇક આંતરી હુમલો કરી ૧૫ કિલો ચાંદી સાથેનો થેલો ઝૂંટવી બંને લૂંટારા ફરાર
શહેરના મોરબી રોડ પર ઓવર બ્રીજ પાસે આવેલી સિતારામ સોસાયટી પાસે ચાંદીના વેપારીને બે શખ્સોએ આંતરી રૂ.૪.૫૦ લાખની કિંમતની ૧૫ કિલો ચાંદી સાથેના થેલાની લૂંટ ચલાવી બંને શખ્સો ફરાર થતાં સનસનાટી મચી ગઇ છે. ઘવાયેલા ચાંદીના વેપારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે લૂંટની ઘટના ખરેખર બની છે કે, કેમ તે અંગેની વિગતો મેળવવા સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પેડક રોડ પર આવેલી લાખેશ્ર્વર સોસાયટી શેરી નંબર ૧માં રહેતા અને ચાંદી કામ કરતા મયુર દિનેશભાઇ નામના પટેલ યુવાને સિતારામ સોસાયટીમાં રૂ.૪.૫૦ લાખની કિંમતની ચાંદીની લૂંટ થયા અંગેની બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
મયુર પટેલ દરરોજના નિત્ય ક્રમ મુજબ રૂ.૪.૫૦ લાખની કિંમતની ૧૫ કિલો ચાંદી ભરેલો થેલો પોતાના હોન્ડાની ટાકી પર રાખીને મોરબી રોડ ઓવર બ્રીજ પાસે સિતારામ સોસાયટીમાં આપવા જઇ રહ્યો હતો ત્યારે મોડીરાતે બે અજાણ્યા શખ્સોએ તેને આતરી તિક્ષ્ણ હથિયારથી માથામાં હુમલો કરી ચાંદી ભરેલો થેલો લૂંટી બંને શખ્સો ફરાર થયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ઘવાયેલા મયુર પટેલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ બી ડિવિઝન પોલીસે મયુર પટેલની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પૂછપરછ કરતા તેને રાજલ્ક્ષ્મી સોસાયટીમાંથી ચાંદીનો કાચો માલ લઇ ઓમ પાર્કમાં નવ કિલો ચાંદીનો કાચો માલ આપી ત્યાંથી ૧૩ કિલો પાકો માલ લઇ સિતારામ સોસાયટીમાં જઇ રહ્યો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે કયાંથી કેટલી ચાંદી લીધી અને કોને આપી તે અંગેની વિગતો મેળવી રહી છે તેમજ તે કયાં રસ્તેથી પસાર થયો તે માર્ગ પરના સીસીટીવી ફુટેજ મેળવી મયુર પટેલ લૂંટની વર્ણવેલી સ્ટોરી અંગેના અંકોડા મેળવી રહી છે. મયુર પટેલની રૂ.૪.૫૦ લાખની ૧૫ કિલો ચાંદીની લૂંટ ખરેખર થઇ છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે