ગુરૂદ્વારામાં સુશોભિત રોશનીનો શણગાર: ઠેર-ઠેર ભકિતસભર કાર્યક્રમોની સાથે લંગર પ્રસાદના આયોજનો: ગુરૂનાનકદેવ મંદિરોમાં આજે મોડી રાત્રે કેક કટીંગ બાદ ભવ્ય આતશબાજીના કાર્યક્રમો: વહેલી સવારથી જ ભકિતપૂજન, હિંડોળા દર્શન, ડોલી દર્શન, નામ સુમીરન સહિતના ધાર્મિક પ્રસંગોથી છવાયો ધર્મોત્સવ: રાજકોટના ગુરૂદ્વારા અને ગુરૂનાનક સાહેબ મંદિરોમાં ભાવિકોના ઘોડાપૂર: સાંજે ઠેર-ઠેર શોભાયાત્રા અને ચણા પ્રસાદના કાર્યક્રમો
કારતક સુદ પૂનમના પવિત્ર દિવસે શીખ સમુદાયનાં પ્રથમ ધર્મગુ‚ ગુરૂનાનક દેવની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં શીખ સંપ્રદાય અને સિંધી સમાજ દ્વારા ગુરૂદ્વારા તેમજ ગુરૂનાનક મંદિરોમાં જન્મોત્સવની ભકિતસભર ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી બન્ને સંપ્રદાયના લોકો ગુરૂદ્વારામાં ઉમટી પડયા હતા. તેમજ આજે આખો દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા ગુરૂનાનક દેવ સાહેબનો ૫૪૮મો જન્મોત્સવ ઉજવશે.
ગુ‚નાનક દેવની જન્મજયંતિ પ્રકાશના પર્વ તરીકે ઉજવાતી હોય છે ત્યારે ખાસ કરીને રાજકોટ શહેરની વાત કરીએ તો આજે ગુરૂનાનક જન્મજયંતિ નિમિતે જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા ગુ‚દ્વારાને વિવિધ રંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. ઉપરાંત રામનાથપરા, સદરબજાર, જંકશન પ્લોટ, હરમંદિર અને પારસ હોલમાં પણ દિવસ દરમિયાન અનેકવિધ ભકિતસભર કાર્યક્રમો સાથે લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુ‚નાનકદેવની ૫૪૮મી જન્મજયંતિ નિમિતે સિંધી સોશ્યલ ગ્રુપ દ્વારા ગાયકવાડી ખાત આવેલા ગુરૂ-જો-દર ખાતે હિંડોળા દર્શન, ગીત-સંગીતના સથવારે રાસ-ગરબાની રમઝટ અને રાત્રીના ૧૦ કલાકે વિશાળ કેક કાપીને જન્મજયંતિની ઉજવણી કરાશે. ઉપરાંત કણા પ્રસાદ બાદ ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યો છે. તેમજ રાજકોટના અનેક સ્થળોએ લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સદર બજારમાં આવેલા ગુરૂનાનક મંદિરે પણ ગુરૂનાનક સાહેબની જન્મજયંતિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાવનગરના સંતો ગુલાબસિંહ એન્ડ પાર્ટી દ્વારા સવારે નામ સુમીરન તથા રાત્રીના ૧૦ વાગ્યાથી ૧૨ કલાક સુધી ભકિત સત્સંગ, શબ્દ કિર્તન, ગુરૂનાનકવાણી, ભવન, આરતી, પૂજન, હરદાસ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આજે આખો દિવસ લંગરનું આયોજન કરાયું છે. ઉપરાંત રાત્રીના ૧:૨૦ મિનિટે હિંડોળા દર્શન આતશબાજી સાથે ગુરૂગ્રંથ સાહેબની ભવ્ય પૂર્ણાહુતિ સાથે ગુરૂનાનક જન્મોત્સવ સંપન્ન થશે. ધોરાજીમાં આજે ભવ્ય શોભાયાત્રા નીકળશે. ઉપરાંત વઘાસિયા ચોરા પાસે આવેલા ગુરૂનાનક દેવ મંદિરેથી વિશાળ શોભાયાત્રા સાંજે ૫:૩૦ કલાકે નીકળશે. જે અવેડા ચોક જેતપુર રોડ, સ્ટેશન રોડ, ત્રણ દરવાજા, કાપડ બજાર, દરબાર ગઢ, સોની બજાર થઈને ગુરૂનાનક સાહેબના મંદિરે વિસર્જીત થશે.