૧૬મી સદીમાં રામ મંદિર તોડી પાડવાની વાત ભુલી શકાય નહીં: અમીત શાહ
સંઘના પ્રમુખ મોહન ભાગવતે પણ રામ મંદિરનું નિર્માણ ઝડપથી કરવાની વાત પર જોર આપ્યું
લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ રામ મંદિરનો મુદ્દો ગાજવા લાગ્યો છે. ગત લોકસભા ચૂંટણી તો વિકાસના મુદ્દે લડાઈ હતી પરંતુ આગામી ચૂંટણીમાં રામ મંદિરનો મુદ્દો જ મુખ્ય બની રહે તેવા સંકેતો ભાજપ પ્રમુખ અમીત શાહના નિવેદનથી મળી રહ્યાં છે. અમીત શાહે કહ્યું છે કે, ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં મંદિરને તોડી પાડવાનો મુદ્દો નજર અંદાજ કરી શકાય નહીં.
ભાજપ પ્રમુખ અમીત શાહના આ નિવેદન બાદ આગામી લોકસભા ચૂંટણીમાં ફરીથી રામ મંદિરનો મુદ્દો મુખ્ય બની રહેશે તેવું ફલીત થઈ રહ્યું છે. ગઈકાલે અમીત શાહે અયોધ્યા કે ચશ્મદીદ તેમજ યુધ્ધ મે અયોધ્યા નામના પુસ્તકોના લોન્ચીંગ સમયે આ નિવેદન આપ્યું હતું. આ તકે ગૃહમંત્રી રાજનાથસિંઘ તેમજ આર.એસ.એસ.ના સુપ્રીમો મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યાં હતા.
વડી અદાલતની ખંડપીઠમાં રામ મંદિરના મુદ્દે મામલો ચાલી રહ્યો છે. ત્યારે ભાજપ પ્રમુખ અમીત શાહનું આ નિવેદન મહત્વપૂર્ણ બની જાય છે. ૧૬મી સદીમાં રામ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું તે મુદ્દાને અવગણી શકાય તેમ નથી. ભગવાન રામના મંદિર ભારતના દરેક ગામડામાં છે. તેમના ભક્તો દરેક જગ્યાએ છે તેઓ વર્ષો સુધી મૌન રહ્યાં છે પરંતુ એક એવી ક્ષણ આવી જયારે લોકોએ ધીરજ ગુમાવી અને લોકોએ મહાકાય આંદોલન કર્યું.
આ તકે આરએસએસના સુપ્રીમો મોહન ભાગવતે કહ્યું હતું કે, રામ મંદિર જેમ બને તેમ ઝડપથી બનાવવું જોઈએ. મુસ્લીમોએ પણ તેમાં સહકાર આપવો જોઈએ. જો આ મુદ્દો બન્ને વચ્ચે સહકારથી ઉકેલાઈ જશે તો બન્ને સમાજ વચ્ચે કયારેય વિવાદ ઉભા થશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે, હું ઈચ્છુ છું કે રામ મંદિરનું નિર્માણ જલ્દી થાય, કોઈ પણ ભોગે થાય, જેમ બને તેમ વહેલુ થાય આ મુદ્દે કોઈપણ જાતનું રાજકારણ ખેલાવું જોઈએ નહીં.
અહીં ઉલ્લેખનીય છે કે, રામ મંદિરનો મુદ્દો દેશ માટે ખૂબજ સંવેદનશીલ રહ્યો છે. અનેક પ્રકારના વિવાદ થઈ ચૂકયા છે. હાલ વડી અદાલતની ખંડપીઠ આ મામલાને હાથમાં લઈ રહી છે. ભારતીય જનતા પક્ષના ચૂંટણી ઢંઢેરામાં સૌથી મોટા મુદ્દા પૈકીનો આ મુદ્દો છે. અત્યાર સુધી વિકાસના મુદ્દે ચૂંટણી ઉપર ભાર આપ્યા બાદ હવે ફરીથી તમામ રાજકીય પક્ષો રામ મંદિરનો મુદ્દો હાથમાં લે તેવી શકયતાઓ નકારી શકાતી નથી.