- 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર અને દાહોદ સુરેન્દ્રનગર અને બોટાદમાં, 2 માર્ચે નવસારી, વલસાડ, ગીર સોમનાથમાં કમોસમી વરસાદની વકી
ગુજરાતના લોકોએ હવે બેવડી નહીં પરંતુ ત્રેવડી ઋતુનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે હાલ શિયાળો ચાલી રહ્યો છે કે ઉનાળો તેનો ખ્યાલ આવતો જ નથી. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી પડી રહી છે. તો દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ પહેલી માર્ચથી 3 માર્ચ સુધી ઠંડી, ગરમીની સાથે વરસાદનો પણ પડવાનો છે. ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવો વરસાદ થશે જેનાથી ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.
હાલ ઈરાન-ઈરાક પાસે સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત સુધી લંબાશે. જેના કારણે હળવો વરસાદ આવી શકે છે. આ સાથે આજે પણ ગઈકાલની જેમ વાદળિયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. માર્ચમાં અમદાવાદમાં હળવો તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી છે. હાલ રાજ્યમાં સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યું છે. જો કે, રાજ્યમાં સરેરાશ તાપમાન વધ્યું છે ખાસ ગરમીનો અનુભવ નથી થઈ રહ્યો. વાદળિયા વાતાવરણના કારણે ગરમીનો અનુભવ નથી થઈ રહ્યો. જો કે, આવતા દિવસોમાં વાતાવરણમાં મોટો ફેરફાર માટે લોકોએ તૈયાર રહેવું પડશે. કમોસમી વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સુચના અપાઈ છે. ખાસ સૌરાષ્ટ્રમાં દરિયા કાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા છે. બે દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે.10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે.
ક્યાં પડી શકે છે માવઠું?
ગુજરાતમાં કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે તેની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે. મધ્ય ગુજરાતમાં મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી, તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદમાં માવઠાની સંભાવના છે.
છેલ્લા 16 કલાકમાં ભૂકંપના છ આંચકા
રાજ્યમાં ઠંડી-ગરમી વચ્ચે ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે 2:56 કલાકે કચ્છના ફતેહગઢથી 18 કિમી દૂર 2.1ની તીવ્રતાના ભૂકંપનો આંચકો ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ મોડી રાતે 11:06 કલાકે બનાસકાંઠાના ધરોઈથી 17 કિમી દૂર 2.9ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયુ હતું. રાતે 12:02 કલાકે દુધઇથી 22 કિમી દૂર 1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. રાતે 1:33 કલાકે સુરતથી 30 કિમી દૂર 1.6ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. આજે વહેલી સવારે કચ્છના રાપરથી 17 કિમી દૂર 1.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. વહેલી સવારે 6:26 કલાકે ઉકાઇથી 23 કિમી દૂર 1.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.