વિતેલા વર્ષમાં પોલીસની યશસ્વી કામગીરી
પેડક રોડ પર શિવ જવેલર્સમાં થયેલી રૂ.85 લાખની લૂંટમાં આંતર રાજય ગેંગ અને બાલાજી કુરિયરમાં થયેલી રૂ.21 લાખની લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો
ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી દુધની ડેરી પાસેના ઇમ્તિયાઝ ઉર્ફે લાલો રાઉમા અને ભીસ્તીવાડના હકુભા ખીયાણીની ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબીંગના કાયદાની જોગવાઇ મુજબ 14 ગુના નોંધી 77 શખ્સો સામે કરી કડક કાર્યવાહી
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિતેલા વર્ષ દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા સતત એલર્ટ રહી લૂંટ અને ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. સાથે સાથે શરીર સંબંધી ગુના અટકાવવાની મહત્વની કામગીરી કરી છે.
પેડક રોડ પર આવેલા શિવ જવેર્લસ નામની શો રૂમમાં ત્રાટકેલા લૂંટારાઓએ પિસ્તોલ જેવા હથિયાર બતાવી વેપારીને બંધક બનાવી રૂા.82 લાખની દિલ ધડક ચલાવેલી લૂંટનો પોલીસે ભેદ ઉકેલી લૂંટના ગુનામાં સંડોવાયેલા આંતર રાજય લૂંટારાઓને હરિયાણાથી ઝડપી લીધા છે. જ્યારે ગોંડલ રોડ પર આવેલા બાલાજી કુરિયરમાં થયેલી રૂા.21 લાખની લૂંટના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી ભેદ ઉકેલ્યો છે.
શહેરમાં વહેલી સવારે પક્ષીઓને ચણ નાખવા જતી અને મંદિરે દર્શન કરવા જતી મહિલાઓને નિશાન બનાવી સોનાના ચેનની ચીલ ઝડપ કરતી ‘સમડી’ગેંગને ઝડપી લીધી છે. સોની બજારમાં રૂા.35.20 લાખની કિંમતની સોની બજારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી તસ્કરને દબોચી લીધો છે.
રેલવેમાં નોકરી અપાવી દેવાના બહાને બેરોજગાર નોકરી ઇચ્છુક યુવક સાથે છેતરપિંડી કરતી આંતર રાજય ઠગ ગેંગને પોલીસે ઝડપી લીધી છે. રાજકોટ અને બોટાદ જિલ્લામાં બાઇકની ઉઠાંતરી કરતી તસ્કર ગેંગને ઝડપી દસ જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે.રિધ્ધી સિધ્ધીના નાલાથી સાંઇબાબા સર્કલ તરફ જતા માર્ગ પરથી પુઠાના બોક્સમાં પેક કરેલી અજાણ્યા યુવકની મળી આવેલી લાશની ઓળખ મેળવી હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી ભેદ ઉકેલ્યો છે.
સંગઠીત થઇ ગુના આચરતી દુધની ડેરી પાસેના ઇમ્તિયાઝ ઉર્ફે લાલો ભીખુ રાઉમાં અને ભીસ્તીવાડના નામચીન એઝાઝ ઉર્ફે ટકો ઉર્ફે હકુભા ખીયાણીની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુના નોંધી કડક કાર્યવાહી કરી બંને ગેંગને જેલ હવાલે કરી છે.જમીન અને મકાન પચાવી પાડતા ભૂ માફિયા સામે નવા અમલમાં આવેલા લેન્ડ ગ્રેબીંગ હેઠળ પોલીસે કડક કાર્યવાહી કરી 14 ગુના નોંધી 77 શખ્સોની ધરપકડ કરી છે.
શહેરમાં વ્યાજની ચુંગાલમાં સપડાયેલા આર્થિક જરૂરીયાત મંદની વહારે પોલીસ આવી લોકદરબાર યોજી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી છે.પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાના સુપર વિઝન હેઠળ સમગ્ર શહેરની પોલીસ દ્વારા સુંદર કામગીરી કરી છે.
એસઓજીએ ત્રણ વર્ષમાં રૂ.64.51 લાખનો ડ્રગ્સ ઝડપાયો
150 શખ્સો સામે 73 ગુના નોંધાયા: 19ની પાસા હેઠળ અટકાયત
શહેરમાં નસીલા પર્દાથનું સેવન અને વેચાણ કરતા શખ્સો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજી સ્ટાફે છેલ્લા ત્રણ વર્ષમાં રૂા.64.51 લાખના ડ્રગ્સ સાથે 150 શખ્સોને ઝડપી લીધા છે.
રૂા.22 લાખની કિંમતનો 291 કિલો ગાંજો, 2.43 લાખની કિંમતનું 1 કિલો 76 ગ્રામ અફિણ, રૂા.1.97 લાખની કિંમતનું 1.97 ગ્રામ મેફેડ્રોન, રૂા.30 લાખની કિંમતનું 3.27 ગ્રામ હેરોઇન, રૂા.4.18 લાખની કિંમતનું 42 ગ્રામ કોકીન, રૂા.1.67 લાખની કિંમતનું 16 ગ્રામ એમ.ફેટામાઇન, રૂા.65 હજારની કિંમતનું 212 ગ્રામ કેનાબીજ, 4,500ની કિંમતનું કેથેનોન અને રૂા.50 લાખની કિંમતનું 3.30 ગ્રામ ચરસનો જથ્થો કબ્જે કર્યો છે.
ડ્રગ્સ સાથે ઝડપાયેલા શખ્સો પૈકી 19 શખ્સોની પાસા હેઠળ અટકાયત કરાઇ છે.ડ્રગ્સના દુષણ સામે એસઓજી પી.આઇ. આર.વાય. રાવલ, પીએસઆઇ અંસારી અને પંડયા દ્વારા મહત્વની કામગીરી કરી છે.