રાજકોટ: કોરોનાને લઈને રાહતના સમાચાર આવ્યાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં છેલ્લા એક અઠવાડિયાથી વાહનોની લાંબી કતારો જોવા મળતી હતી. આજે સવારે રાજકોટમાં સંક્રમણ ઘટવા તરફ જઇ રહ્યું હોય તેવા સંકેત સાથે દર્દીની સારવાર માટે રાહ જોતા વેઇટિંગ પરના વાહનોની કતારો જોવા મળી નહોતી. ચૌધરી હાઇસ્કૂલનું મેદાન ખાલી હતું અને જૂજ વાહનોને લીધે લોકોને પણ ધરપત મળી હતી. જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ સમગ્ર તંત્ર એ જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા છેલ્લા એક અઠવાડિયાથી દિવસ-રાત લેવાયેલા પગલાં અને લોકજાગૃતિની અસરની સમીક્ષા કરી હતી.
રાજકોટ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ રાજકોટ શહેરના નાગરિકોને હજુ વધુ સાવધ રહેવા અને કોરોનાનુ સંક્રમણ ઘટવા તરફ સંકેત આપી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં આ જ રીતે કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવા અને અતિ આવશ્યક નીકળવાનું થાય હોય તો ડબલ માસ્ક પહેરવા, વારંવાર હાથ સ્વચ્છ કરવા અને સોશિયલ ડીસ્ટન્સ રાખવા અપીલ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને કોરોના સામે સાવધ રહેવા ‘દવાઈ ભી કડાઈ ભી’ના આપેલા સુત્રને સાર્થક કરવા અપીલ પણ કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં એક અઠવાડિયા પહેલા જે સ્થિતિ હતી તે સ્થિતિ હળવી થઇ રહી છે. તેની આંકડાકીય વિગતો પણ મળી રહી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા દસ દિવસમાં તબક્કાવાર ઓપીડી કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત 18 એપ્રિલના 711 કેસ નોંધાયા હતા. જે 27 એપ્રિલના ઘટીને 512 થયા હતાં. જે લગભગ 28 ટકાનો જેટલો ઘટાડો 10 દિવસ દરમ્યાન નોંધાયો છે. આ દિવસો દરમ્યાન ગંભીર દર્દીઓની ટકાવારીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓક્સિજન માસ્ક સાથે આવતા દર્દીઓમાં 41 ટકા જેટલો ઘટાડો તેમજ એન.આર.બી.એમ. દર્દીઓમાં 11 ટકા ઘટાડો જોવા મળ્યો છે.
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા અપાતી 104 ની સેવા માં તા.૧૧/૦૪/૨૧ ની સ્થિતિએ ૧૩૮૨ કોલની સરખામણી એ તા. ૨૮/૦૪/૨૧ ની સ્થિતિએ ઘટીને માત્ર 534 કોલ નોંધાયેલ છે. તથા પોઝિટિવ રેટ તા .૨૨/૦૪/૨૧ ની સરખામણીમાં ૨૮/૦૪/૨૧ ની સ્થિતિ એ ઘટી ને અડધો થયેલ છે. તેમજ તા. ૨૨/૦૪/૨૧ ની સ્થિતિ એ ટેસ્ટિંગ બૂથમાં 1091લોકો ટેસ્ટ કરાવવા આવેલા હતાં. જેની સરખામણીએ ઘટીને તા.૨૮/૦૪/૨૧ના રોજ લોકો ટેસ્ટ કરાવવા આવ્યા છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના વધેલા દર્દીઓને સારવાર આપી શકાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી થઇ છે અને તબીબો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અને ખાનગી તબીબીસંસ્થાઓ તેમજ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી સાથે મળીને કામ થતાં હાલ હવે હકારાત્મક પરિણામોની શરૂઆત થઈ છે. આ જ રીતે આગળ જતાં પણ લોકોની જાગૃતિ સાથે અને તંત્ર અને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી સારા પરિણામો મળશે તેવી આશા ને બળ મળી રહ્યું છે.