- ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે
- મહિલાઓ ગમે તે સમયે ઘરની બહાર નિકળી શકે તેવું વાતાવરણ બનાવવાની મારી જવાબદારી : રાજ્ય પોલીસવડા
રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે રાજ્યના ચાર પોલીસ કમિશ્નર, નવ રેન્જ આઇજી તેમજ સીઆઈડી ક્રાઇમ વડા, કાયદો વ્યવસ્થાના વડા સહિતના ઉચ્ચ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. જે ક્રાઇમ કોન્ફરન્સ બાદ ડીજીપી સહાયે જાહેર કરેલા આંકડા અનુસાર ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ખૂન, હત્યાની કોશિશ, લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી સહિતના ગુનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે પરંતુ નાર્કોટિક્સના ગુનામાં ઉછાળો થયાનું ધ્યાને આવ્યું છે જે ચિંતાનો વિષય બન્યો છે.
ડીજીપી વિકાસ સહાયે ક્રાઇમ કોન્ફરન્સ બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ચાર પોલીસ કમિશ્નર અને નવ રેન્જ આઇજી સાથે માસિક ક્રાઇમ કોન્ફરન્સમાં અલગ અલગ વિષયો પર ચર્ચા, વિચારોની આપ-લે તેમજ સમીક્ષા કરવામાં આવી હતી. ગત માસમાં પોલીસના અલગ અલગ એકમોમાં થયેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી જે કામગીરીથી મને અંગત રીતે સંતોષ થયો છે તેવું ડીજીપીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસ સામે રહેલા પડકારો અને તેની સામે લડવાના રોડમેપ અંગે પણ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી.
ડીજીપીએ વર્ષ 2023ની સરખામણીએ ચાલુ વર્ષે ગુનાખોરીના ગ્રાફ અંગે આંકડાકીય માહિતી આપતાં કહ્યું હતું કે, ગંભીર ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે. જેમાં હત્યામાં -34, ખૂનની કોશિશમાં -63, ગંભીર ઇજાના ગુનામાં -141, લૂંટમાં -36, ચોરીના ગુનામાં -3853, દિવસે થતી ઘરફોડ ચોરીમાં -66 જયારે રાત્રે થતી ઘરફોડીમાં -412, પોક્સોના કેસોમાં -50, એટ્રોસિટીમાં -71નો ઘટાડો થવા પામ્યો છે. જયારે ગત વર્ષની સરખામણીમાં નાર્કોટિક્સના 12 ગુના વધુ દાખલ થયાં છે.
ઉપરાંત ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ મહિલા સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. મહિલાઓ ગમે તે સમયે ઘરની બહાર નીકળી શકે તેવું વાતાવરણ બનાવવાની જવાબદારી મારી છે તેવું પણ રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું.
એક જ માસમાં 500 નાસતા ફરતા આરોપીઓને પકડી લેવાયા
રાજ્ય પોલીસ દ્વારા ગુના આચરી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે ઝુંબેશ હેઠળ એક જ માસમાં 500 આરોપીઓને પકડી જેલ ભેગા કરવામાં આવ્યા છે. સાથોસાથ 171 બુટલેગરોને પણ પકડી લેવામાં આવ્યા છે.
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 17.47 કરોડનો મુદ્દામાલ પરત અપાયો
ડીજીપી સહાયે જણાવ્યું હતું કે, પ્રજા અને પોલીસ વચ્ચે કોમ્યુનિકેશનનો બ્રિજ બને માટે અલગ અલગ ત્રણ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરી, લૂંટ સહિતના ગુનામાં ગયેલો રૂ. 17.47 કરોડનો મુદ્દામાલ પરત અપાવવામાં આવ્યો છે. ઉપરાંત ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી પ્રોગ્રામ હેઠળ ગત માસમાં 1428 કાર્યક્રમો કરવામાં આવ્યા છે.
ડીજીપીની અધ્યક્ષતામાં રેન્જ આઇજી કચેરી ખાતે નોટ રીડિંગ
પોલીસ કમિશ્નર કચેરી ખાતે કોન્ફરન્સ પૂર્ણ કર્યા બાદ ડીજીપી વિકાસ સહાયે રાજકોટ રેન્જ આઇજી કચેરીની મુલાકાત લીધી હતી. જ્યાં તેમની અધ્યક્ષતામાં નોટ રીડિંગ યોજાયું હતું. જ્યાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ રેન્જ હેઠળ આવતા રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાથે કોન્ફરન્સ પણ યોજાઈ હતી. જે બાદ વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 35 પોલીસકર્મીઓને ડીજીપીના હસ્તે પ્રસંશાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
સાયબર ક્રાઇમમાં ગયેલી રકમ પરત અપાવવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમાંકે
વિકાસ સહાયે જણાવ્યું હતું કે, સાયબર ફ્રોડમાં ગયેલી રકમ પરત અપાવવામાં ગુજરાત પોલીસ દેશભરમાં પ્રથમ ક્રમાંકે છે જે બદલ બે મહિના પહેલા ગુજરાત પોલીસ વતી મે એવોર્ડ પણ સ્વીકાર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ગત માસમાં સાયબર ફ્રોડમાં ગયેલા રૂ. 14.78 કરોડની સાથે ચાલુ વર્ષે કુલ રૂ. 108 કરોડ પ્રજાને પરત આપવવામાં આવ્યા છે.
ગુનો કરવાની ટેવ ધરાવતા 8640 આરોપીઓને મેન્ટર પ્રોગ્રામ હેઠળ આવરી લેવાયા
રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા મેન્ટર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં મિલ્કત સંબંધી ગુના આચરતા તેમજ નાર્કોટિક્સના 8640 આરોપીઓની એક એક પોલીસ કર્મીઓ એટલે કે કુલ 8640 પોલીસકર્મીઓને જવાબદારી આપવામાં આવી છે. આ આરોપીઓ ફરીવાર ગુનો ન આંચરે તેમજ સભ્ય સમાજમાં પુન:સ્થાપિત થાય તેના માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
“અબતક” પ્રજાલક્ષી અભિગમની ડીજીપી વિકાસ સહાયે કરી સરાહના
રાજય સરકારના ડીજીપી વિકાસ સહાય ગઈકાલે રાજકોટના અતિથી બન્યા હતા. તેઓ ક્રાઈમ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે રાજકોટ પધાર્યા હતા. તેઓએ સૌરાષ્ટ્રના શાણા વાંચકોની દિલની ધડકન બની ગયેલા “અબતક” સાંધ્ય દૈનિકના પ્રજાલક્ષી અભિગમની સરાહના કરી હતી.