- રાજકોટ મહાનગરપાલિકા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ પાંચેય પદાધિકરીઓ વચ્ચે ‘વિવાદ’
- ગુજરાત ભાજપમાં ચાલતા ડખ્ખા અંગે રિપોર્ટ મંગાવતા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ
- ઘર (પક્ષ)ની વાત હવે જાહેરમાં આવવા માંડી; રાજયની મોટાભાગની મહાપાલિકાઓમાં પદાધિકારીઓ વચ્ચે મનમેળનો અભાવ
- પક્ષને હવે મારા-તારા નહીં પરંતુ આપણા અર્થાંત સંપૂર્ણપણે ભાજપને વરેલા નેતાની તાતી આવશ્યકતા
- આવતા વર્ષના આરંભે જ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી છે જો સંગઠનની પકડ મજબૂત નહી બને તો ભાજપ માટે રેડ સિગ્નલ
- મંત્રી મંડળના વિસ્તરણ અને નવા સંગઠન માળખામાં હાઈકમાન્ડની ભેદી ઢીલ પક્ષ માટે ઘાતક!
- સી.આર. પાટીલ કેબિનેટ મંત્રી બન્યાં બાદ દિલ્હી ગયા પછી ગુજરાત ભાજપની હાલત હાલ ધણી ધોરી વિનાની: ઝડપથી નવા પ્રમુખની નિયુકતી નહીં કરાયતો સ્થિતિ વધુ વણસવાની પણ ભયંકર ભીતિ
શિસ્તની દુહાઈ દેતી ભારતીય જનતાપાર્ટીમાં સંકલનનો સત્યાનાશ નિકળી ગયો છે. સંગઠનમાં મહત્વપૂર્ણ હોદા મેળવવા વિવાદના વાવેતર થયા બાદ હવે જૂથવાદ અને વિખવાદની આગ વધુ ભિષણ બની રહી છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના મુખ્ય પાંચેય પદાધિકારીઓ વચ્ચે જામતુ નથી તે વાત જગ જાહેર છે. રાજકોટથી શરૂ થયેલી આગ હવે વડોદરા સુધી પહોચી છે. વિકાસ કામોને લઈ બીએમસીનાં મુખ્ય પાંચેય પદાધિકારીઓ શહેર ભાજપ પ્રમુખની હાજરીમાં બાખડી પડયા હતા. કમળ માટે અડિખમ ગઢ ગણાતા ગુજરાતમાં જે રિતે ભાજપનું ઘર છેલ્લા કેટલાક મહિનાઓથી સળગી રહ્યું છે. તેનો સંપૂર્ણ રિપોર્ટ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષે મંગાવ્યો હોવાનું વિશ્ર્વસનીય સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
ગત સપ્તાહે રાજયની આઠેય મહાનગરપાલિકાઓનાં પાંચેય મુખ્ય પદાધિકારીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે
એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં ભૂપેન્દ્રભાઈએ ભારપૂર્વકએ વાતની ટકોર કરી હતી કે જૂથવાદ અને વિખવાદથી દૂર રહી સંપીને રહો અને વિકાસ કામોને પ્રાધાન્ય આપો મહાપાલિકાઓમાં ભાજપના પદાધિકારીઓ વચ્ચે બરાબર જામતુ નથી સંકલનનો ભારોભાર અભાવ જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકામાં મેયર નયનાબેન પેઢડીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર વચ્ચે મન મેળ નથી. રાજકોટની આગ હવે વડોદરા સુધી પહોચી ગઈ છે.
વડોદરા મહાનગરપાલિકાના ભાજપના મુખ્ય પાંચેય પદાધિકારીઓ વચ્ચે અંદરો અંદરની લડાઈ હવે ચરમ સીમાએ પહોચી જવા પામી છે. તાજેતરમાં શહેર ભાજપ પ્રમુખ જય પ્રકાશ સોનીની હાજરીમાં વિકાસ કામો સહિતના અલગ અલગ મૂદે કોર્પોરેશનના પાંચેય પદાધિકારીઓ વચ્ચે ભારે ચડભડ થઈ હતી. આ ઘટનાની નોંધ હાઈકમાન્ડ દ્વારા પણ લેવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષે વડોદરા મહાપાલિકામાં ભાજપના શાસકો વચ્ચે ચાલતી આંતરિક લડાઈનો સંપૂર્ણ રિપોર્ટ મંગાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત તેઓએ તમામ શહેર અને જિલ્લા પ્રમુખોને પક્ષમાં ચાલતી જુથબંધી વિખવાદનો રિપોર્ટ આપવા પણ તાકીદ કરી હોવાનું ચર્ચાય રહ્યું છે.
કેડર બેઈઝ ભાજપમાં સતાથી વધુ પ્રાધાન્ય સંગઠનને આપવામાં આવે છે. સંગઠન પર મજબૂત પકડ ધરાવતા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને ગત મે માસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મંત્રી મંડળમાં સામેલ કર્યા છે. અને જયશકિત મંત્રાલયનાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. છેલ્લા 10 માસથી પાટીલ ગુજરાતમાં ખુબજ ઓછા રહે છે. અને દિલ્હીમાં વધુ હોય છે. જેની સિધ્ધિ અસર ગુજરાતમાં ભાજપના મજબૂત સંગઠનની હાલત દિન પ્રતિદિન સતત કથળી રહી છે.
વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનું બહુમાન ધરાવતી ભાજપ માટે ગુજરાત ખૂબજ મહત્વનું છે. માત્ર ભાજપ જ નહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ જે કક્ષાએ છે ત્યાં પહોચાડવામાં ગુજરાતનો ખૂબજ મોટો રોલ છે. ભાજપ માટે ગુજરાત એટલે રાજકીય પ્રયોગશાળા એવું પણ કહી શકાય. ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી સત્તા વિહોણી કોંગ્રેસ રાજયમા સંગઠન માળખું વધુ મજબૂત બનાવવા માટે કમર કસી છે. તો બીજી તરફ રાજયમાં મજબૂત સંગઠન માળખું ધરાવતા ભાજપની હાલત કથળી રહી છે. સંગઠન પર મજબૂત પકડ ધરાવતો કોઈ નેતા હાલ ભાજપમાં સક્રિય નથી. લોહી-પાણી એક કરી પક્ષને મજબૂત બનાવનારને સંપૂર્ણ પણે સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. તેઓ હવે માર્ગદર્શકની ભૂમિકામાં પણ રહ્યા નથી. અન્ય પક્ષોમાંથી આવેલાઓને વિશેષ માન-પાન આપવામાં આવી રહ્યા છે. આ બધી ઘટના સરવાળે હવે ભાજપ માટે જાણે ઘાતકી પૂરવાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. સરકાર પણ મજબૂતી અને પકડ ગુમાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તાજેતરમાં રાજય સરકારના કેબિનેટ કક્ષાના મંત્રીઓએ એવી ફરિયાદ કરી હતી કે, અધિકારીઓ તેઓનો પ્રોટોકોલ જાળવતા નથી આ ઘટના નાની-સુની કયારેય ન ગણાવી શકાય.
ભાજપે સ્થાપના કાળથી સત્તા કરતા સંગઠનને મહત્વ આપ્યું છે. શિસ્તને વધુ પ્રાધ્રાન્ય આપવામા આવે છે. પરંતુ હવે પંચના જે પાંચ મુખ્ય સિધ્ધાંતો હતા તે નેતાઓ વિસરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજયની સંસ્થાના પદાધિકારીઓને પણ પોતાના નગરના વિકાસના બદલે સ્વ. વિકાસમાં વધુ રસ પડી રહ્યો છે.
છેલ્લા 10 માસથી ગુજરાતમાં ભાજપની સ્થિતિ ધણી ધોરી વગરની બની ગઈ છે. જયારથી સી.આર. પાટીલ કેબિનેટ મંત્રી બની દિલ્હી ગયા છે. ત્યારથી ગુજરાતમાં સંગઠનમાં શૂન્યાવકાશ જેવો માહોલ સર્જાઈ ગયો છે. સંગઠનમાં મહામંત્રી જેવી મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી પડી છે. એક માત્ર સંગઠન મહામંત્રી રત્નાકરજી દોડાદોડી કરી રહ્યા છે. પરંતુ તેઓ મુળ ગુજરાતના ન હોવાના કારણે રાજયની સાચી રાજનીતિથી તેઓ સંપૂર્ણ પણે વાકેફ નથી.
કોઈ કારણોસર ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતમાં નવા અધ્યક્ષનું નામ નકકી કરી શકતા નથી. અથવા તેઓને પાટીલના અનુયાયી તરીકે મજબુત ચહેરો મળતો ન હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેર ભાજપ અને રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપની સ્થિતિ સારી નથી અંદરો અંદરની લડાઈ ચરમ સીમાએ પહોચી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકામાં પણ ભાજપના પાંચેય પદાધિકારીઓ વચ્ચે બરાબરની જામી છે.
રાજયમાં ભાજપ માટે સૌથી સલામત બે શહેરોમાં પક્ષના આગેવાનો વચ્ચે જે ટાંટીયા ખેંચની રમત ચાલી રહી છે. તેનાથી હાઈકમાન્ડ પણ ચિંતામાં મૂકાય ગયું છે. ગુજરાત ભાજપમાં ચાલતા વિખવાદ અને જૂથવાદને ડામી દેવા માટે મોદી, શાહ અને નડ્ડાએ સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષને જવાબદારી સોંપી હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા મહાપાલિકામાં ભાજપના પદાધિકારીઓ વચ્ચેની આંતરિક લડાઈનો સંપૂર્ણ અહેવાલ આપવા બી.એલ. સંતોષ દ્વારા એક લીટીમાં આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્થાનીક સ્વરાજયની ચૂંટણીના આડે હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે. જો ભાજપ હવે મારા, તારાને નહી પરંતુ સંપૂર્ણ પણે કમળને વરેલા નેતાને પક્ષની કમાન નહીં સોંપે તો ગુજરાતમાં ભાજપ સ્થિતિ ભવિષ્યમાં કોંગ્રેસ કરતા પણ વધુ દયનિય બની જશે.