ગત વર્ષે 67 હજાર કરોડની જવેલરી એકસપોર્ટ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને 46મો ઈન્ડિયા જેમ્સ એન્ડ જવેલરી એવોર્ડ સમારોહ યોજાયો
અબતક, રાજકોટ
હિરાઉદ્યોગકારોએ દેશ અને દુનિયાને બતાવ્યું છે કે અમે હિરા ધસવાવાળા અને ઘરેણાને ધાટ આપનારા નથી પણ ગ્લોબલ ટ્રેન્ડ સેટ કરવાની ક્ષમતા આપણામાં છે. અનેક મુશ્કેલીઓને અવસરમાં પલટાવાની તાકાત હિરાઉદ્યોગકારોમાં છે તેમ ડાયમંડ સિટીના આંગણે કેન્દ્રીય કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય તથા જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ(જીજેઈપીસી) દ્વારા આયોજીત 46મો ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સમયે સમગ્ર વિશ્વ સ્તબ્ધ અને સ્થગિત હતુ ત્યારે જેમ્સ એન્ડ જવેલરીની ચમક ઓછી થઈ ન્હોતી. 2020-21ના વર્ષમાં 8.50 ટકાના ગ્રોથ સાથે 67 હજાર કરોડની જવેલરી એકસપોર્ટ કરીને વિકાસના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે આ સેકટર મહત્વનું પાસુ બન્યું છે. સમયની સાથે ચાલીને સુરતના આગેવાનોએ જરૂરી એચિવમેન્ટ કર્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ નરેન્દ્રભાઈ મોદીના 400 બિલીયન ડોલરના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે આ ઉદ્યોગ મહત્વનો ફાળો આપશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.સુરતમાં સાકાર થનારા જેમ્સ એન્ડ જવેલરી પાર્ક આગામી સમયમાં વિશ્વકક્ષાનો પાર્ક બને અને અહી જ મેન્યુફેકચરીગથી લઈ તમામ કામો સાકારિત થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.સમગ્ર ભારતનું 40 ટકા એફ.ડી.આઈ. ગુજરાતમાં આવ્યું છે ત્યારે આગામી સમયમાં વધુને વધુ ઈન્ફ્રાસ્ટ્રકચર વધારીને લક્ષ્યાંક પ્રાપ્ત કરીએ તેવો મત મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો.
લે-મેરિડિયન હોટલ ખાતે યોજાયેલા એવોર્ડ વિતરણ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે સુરત સહિત મુંબઈ, દિલ્હી ઉપરાંત દેશના વિવિધ રાજયોમાં જેમ્સ એન્ડ જવેલરી વેપારક્ષેત્ર સાથે સંકાળાયેલા 42 જેટલા ઉદ્યોગકારોને વિવિધ કેટેગરીના એવોર્ડનું વિતરણ કરાયું હતું. સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કોરોના કપરાકાળ વચ્ચે પણ હિરા ઉદ્યોગે મોટું હુંડિયામણ રળવા સાથે વિપુલ રોજગારીની તકોનું સર્જન કર્યું છે. જે આર્થિક મુશ્કેલીમાં ખુબ જ મદદગાર રહ્યું છે. આ પ્રસંગે ૠઉંઊઙઈ ઇન્ડિયાના ચેરમેન કોલિન શાહે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, ડાયમંડ અને જવેલરીક્ષેત્રને કેન્દ્ર અને રાજય સરકાર તરફથી એકસપોર્ટ માટે પૂર્ણ સહયોગ મળી રહ્યો છે. આ ક્ષેત્રમાં નાના શ્રમિકોને સારા પગારની સાથે ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે. છેલ્લા 18 મહિનામાં આ ઈન્ડસ્ટ્રીઝે 18 ટકાનો ગ્રોથ કર્યો છે. આવનારા સમયમાં જવેલરીક્ષેત્રે પણ સુરત અગ્રીમ હરોળમાં આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મેળવનાર ઉદ્યોગ અગ્રણી ગોવિંદભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ખુબ જ સાદા અને સરળ મુખ્યમંત્રી છે. તેઓ નાનામાં નાના માણસને પુરી લાગણીથી મળે છે અને જે પણ કોઈ મુશ્કેલી હોય તેને દુર કરવામાં ઝડપથી નિર્ણય લે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે જેમ્સ એન્ડ જવેલરીના સુવિનિયર પુસ્તકનું વિમોચન કર્યું હતું.
લાઠીના ઘનશ્યામ શંકરને ફાસ્ટ મુવીંગ એકસપોર્ટ બદલ એવોર્ડ એનાયત
સુરત ખાતે જેમ્સ એન્ડ જવેલરી ફેડરેશન દ્વારા શિવમ જવેલર્સ લાઠીના પનોતા પુત્ર ઘનશ્યામભાઈ શંકરને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના જેમ્સ એન્ડ જવેલરી ફેડરેશન સહિત ડાયમંડ ઉધોગ રત્નોની વિશાળ ઉપસ્થિતિમાં ફાસ્ટ મુવીંગ એકસોપર્ટ પોલિસિડ ડાયમંડ બદલ વિશિષ્ટ એવોર્ડ અર્પણ કરાયો હતો.