એ….હાલો…. મેળામાં….
ઉદ્યમીપ્રજા મેળા થકી નાનો-મોટો વેપાર પણ કરતા: જીવન ધોરણ સાદુ અને ભૌતિક સુવિધા પણ ઓછી હોવાથી એકમાત્ર ‘લોકમેળો’ જ તેને આનંદ સાથે ધર્મ સંસ્કૃતિથી જોડી રાખતો: સૌરાષ્ટ્રની પ્રજામાં મેળા એવીરીતે જોડાય ગયા છે કે જેનો આનંદ બાળથી મોટેરા આજે પણ માણે છે: મેળામાં પરિવાર સાથે જોડાતો હોવાથી માનસિક સ્વસ્થ રહી શકતો
ગુજરાતી કેલેન્ડરના છેલ્લા ત્રણ મહિના શ્રાવણ ભાદરવો અને આષો તહેવારોના મહિના ગણાય છે: આજથી પાંચ દાયકા પહેલાના મેળાન મજા કંઇક ઔર જ હતી, લાકડા, પતરાના રમકડાં સ્વર્ગ સમુ સુખ આપતા: ચકરડીની મજા સાથે ટાઢુ ખાવાની મજા તો જીવનભર ભૂલાતી નથી: પ્રાચિન કાળથી આપણી સમાજ વ્યવસ્થા અને જીવન શૈલી સાથે લોકમેળા જોડાયેલા છે.
ગુજરાતમાં સમગ્ર વર્ષ દરમ્યાન 1521 જેટલા મેળા યોજાય છે, જેમાં સૌથી વધુ મેળા 159 સુરત જિલ્લામાં યોજાય છે તો સૌથી ઓછા 7 મેળા ડાંગ જીલ્લામાં યોજાય છે
આજથી પાંચ દાયકા પહેલા શ્રાવણ મહિનો આવે તે પહેલા તેની તૈયારીઓ થઇ જતી, શહેર કે ગામમાં એક મોટી જગ્યાએ ભરાતો રાંધણ છઠ્ઠથી ચાલુ થઇ જતો ને દશમ સુધી ચાલતો – બદલાતા યુગ સાથે આપણાં જીવનમાં ઘણું બદલાયું સાથે આપણાં ભાતીગળ મેળા પણ બદલાય ગયા છે. પહેલા જેવી મઝા આજના મેળામાં કયારેય આવતી નથી તેમ સૌ વડિલોની ફરીયાદ હોય છે. આપણી કાઠિયાવાડી ભાતીગળ સંસ્કૃતિમાં લોકમેળાનું મહત્વ શિરમોર છે. લોકોના મનોરંજન માટેનો મેળો એટલે લોકમેળો અને હા આ શ્રાવણ માસનો મેળો જ તન, મનમાં ઉલ્લાસ લાવે છે. સૌરાષ્ટ્રમાં સાતમ, આઠમનું મહત્વ છે. તેટલું કયાંય જોવા મળતું નથી, ને અહિંનો પાંચ દિવસનો મહાઉત્સવ જોવા મળે છે. એ જ કાઠિયાવાડનું ગૌરવ છે.
સમગ્ર વર્ષ દરમ્યાન દિવાળી, હોળી, રક્ષાબંધન, નવરાત્રી જેવા ઘણા તહેવારો આવે છે. પણ આ શ્રાવણી પર્વના સાતમ-આઠમના ઉજવણીનું અનેરુ મહત્વ તેના મેળાના કારણે સવિશેષ છે અન્ય તહેવારોમાં મેળા હોતા નથી માત્ર સાતમ-આઠમનો તહેવાર ગમતાનો ગુલાલ જેવો છે. સૌરાષ્ટ્રના તરણેતર, ભૂચરમોરી જેવા વિવિધ સ્થળોએ મેળા ભરાય છે. પણ રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ જેવા સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં તેની રંગત ઔર હોય છે. તરણેતર જેવા આપણાં ઘણા મેળાઓ સમગ્ર દુનિયામાં જાણીતા બન્યા છે.
પ્રાચિન કાળથી ચાલી આવતી લોકમેળાની પ્રથા અર્વાચીન યુગમાં હવે વેકેશન મેળા એ લઇ લીધી છે. શિયાળુ અને ઉનાળુ વેકેશનમાં એક મહિના સુધી આવા ખાનગી મેળો શરુ થઇ જાય છે, પણ લોકોને આનંદ આપતો અને જોડી રાખતો મેળો એટલે સાતમ-આઠમનો મેળો જ છે, તેનું મહત્વ કયારેય નહિ વિસરાય આજથી પાંચ દાયકા પહેલાના મેળામાં છોકરા ખોવાય જતાના બનાવો બનતા. મેળામાં ચકરડીમાં બેસવાની મજા સાથે પતરાના દેડકાના અવાજથી મેળો ગુંજી ઉઠતો હતો.
જુના મેળામાં પાતળા સળીયા ઉપર સ્પ્રીંગમાં ઉપર નીચે થતો વાંદરો બધાને આનંદ આપતો, લાકડાના અને પતરાના રમકડાં આખુ વર્ષ ચાલતા એવા સક્ષમ હતા. વાંસળી , ઢીંગલી, નાના દુરબીન, બંધુક, બેટ-દડા, મોટો દડો, કેમર જેવા વિવિધ રમકડા સાથે વિવિધ પપુડા કે બ્યુગ્લ, સિસોટી પણ મોજ કરાવી દેતી હતી. નાગપાંચમથી સમગ્ર પરિવાર ઉજવણી શરુ થઇ જતી નો રાંધણ છઠ્ઠમાં પુરી, લાસા લાડવા, માંડવી પાક, ટોપરા પાક જેવી વિવિધ વાનગીઓ સૌ બનાવતા હતા. શિતળા સાતમની કુલર ખાવાની તો મજા પડી જતી હતી. રાયતું તો થેપલા ખાવાની બહુ જ મઝા પડી જતી હતી. લોકમેળામાં બાળથી મોટેરા અનેરા આનંદોત્સવ જોડાતા, આવો ઉમંગ આજે અદ્યતન મેળામાં પણ જોવા મળતો નથી.
બદલાતા યુગમાં રમકડાં પણ બદલાયા પ્રથમ ચાવવાળા, સેલવાળા, ઇલેકટ્રોનીક અને સેન્સર વાળા રમકડાં આવવા લાગ્યા. રીમોટ કંટ્રોલથી ચાલતા રમકડાંની આજના યુગમાં બોલબાલા હતી. આજથી પાંચ દાયકા પહેલા માણસનો એક મહિનાના પગારની રમક કરતાં પણ આજના મોંધાઘાટ રમકડાની કિંમત છે. આઠમમાં ગોકુલનો ઉત્સવ સાથે આસપાસના કુદરતી સ્થળે ફરવા જતા નદીએ ન્હાવા જતા હતા, એક વાત નકકી કે નાસ્તો કે જમવાનું બધા ઘરેથી લઇ જતાં હતા.
જુના મેળામાં ચકરડી, ફજર ફાળકા, મોતનો કુવો, જાદુગર સાથે વિવિધ સ્ટોલો, પ્રદર્શનો, રમકડાના સ્ટોલ સાથે નવું નવું મેળામાં જોવા મળતું. મેળામાં લીધેલા રમકડાં શાળાએ લઇ જતાં તો સાંજે શેરીમાં લઇને ભાઇબંધો સાથે રમતા હતા. ડાગલા વાળી નવી કડી બોલપેન પણ શેર લોહી ચડાવી દેતી એવો આનંદ મળતો હતો. આજે તો લોકમેળાના વિવિધ નામો રાખે છે. પણ મેળો તો લોકમેળો જ કહેવાય છે. આપણાં ગુજરાતમાં કારતક થી આસો માસ સુધી કયાંક ને કયાંક મેળો યોજાતો હોય છે.
ગુજરાતમાં વરસ દરમ્યાન 1521જેટલા મેળા યોજાય છે. જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ 159 મેળા તો સૌથી ઓછા 7 મેળા ડાંગ જીલ્લામાં યોજાય છે. ગુજરાતમાં ર80 જેટલા આદિવાસી મેળા યોજાય છે, જે પૈકી સૌથી વધુ પંચમહાલ જીલ્લામાં 89 મેળા યોજાય છે.
ગુજરાતની સાંસ્કૃતિક એકતાના મુળ લોક ઉત્સવો અને લોકમેળામાં પડેલા છે. દરેક મેળાના સ્વરુપો અને પ્રવૃત્તિ અલગ હોય છે પણ તેનો મૂળ ઉદ્દેશ્ય આપણી સંસ્કૃતિને જતન કરાવાનો હતો.પ્રાચિન કાળમાં મેળાનો ઉલ્લેખ રામાયણ અને મહાભારત માં જોવા મળે છે. સામાન્ય રીતે મેળા નદી કિનારે પર્વતીય પ્રદેશ, વન વિસ્તારમાં કે ધાર્મિક સ્થળોએ લોકો ભેગા મળીને પ્રસંગની ઉજવણી કરતાં હતા.
આજ સ્થળેથી જીવન જરુરી ચીજવસ્તુ ખરીદતાને એકબીજાને મળતા હતા, આમ મેળાની શરુઆત થઇ હતી. નદી-કિનારે કે સાગર કિનારે મેળા વિશે યોજાતા હતા. સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો, નર્મદા કાંઠે શુકલતીર્થનો મેળો, જુનાગઢની તળેટીમાં ભવનાથ નો મેળો અને શત્રુંજયનો મેળો જેવા દેશના ખુબ જ પ્રસિઘ્ધ મેળાઓ છે. સામાન્ય રીતે મેળા વર્ષમાં એકવાર ભરાય છે. જેનો સમય એક દિવસ લઇને અઠવાડીયા સુધીનો હોય શકે છે. આદિવાસી વિસ્તારના મેળા હાટ મેળા તરીકે ઓળખાય છે.
અર્વાચિન યુગમાં લોકમેળાની પ્રથા ‘ખાનગી’ અને વેકેશન મેળાએ લઇ લીધી
વર્ષો પહેલા શહેર કે ગામમાં એક જ મેળો થતો, જે આજના યુગમાં શહેરમાં વિવિધ સ્થળોએ નાના-મોટા મેળા યોજાય છે. અર્વાચીન યુગમાં લોકમેળાની પ્રથા ‘ખાનગી મેળા’ અને વેકેશન મેળાએ લઇ લીધી છે. અમુક ખાલી મોટા પ્લોટમાં તો બારે માસ મેળા જેવું હોય છે, લોકો પણ રજાના દિવસે બાળકો સાથે આનંદ માણે છે. જાુના મેળાના રમકડાં વિસરાય ગયાને તેના સ્થાને સેલ કે રિમોટવાળા અદ્યતન આવી ગયા પણ તેની ખુશી પહેલા જેવી મળતી નથી. પતરાના દેડકાથી આખો મેળો ગુંજી ઉઠતો હતો, જે આજે સાવ લુપ્ત થઇ ગયા.
આ છે, ભારતના પ્રખ્યાત 10 મેળા
- કુંભ મેળા :- પ્રયાગ, ઉજજૈન, નાસિક અને હરિદ્વાર
- સોનેપુર મેળો :- સોનેપુર, બિહાર ખાતે યોજાતો વિશ્વનો એક માત્ર પશુ મેળો
- પુષ્કર મેળો :- રાજસ્થાનના પ્રાચિન શહેર પુષ્કર ખાતે
- હેમિસ ગોમ્યા મેળો :- લદ્દાખ પાસે પર્વત પર બૌઘ્ધ સમુદાયનો ધાર્મિક મેળો
- કોલયાત મેળો :- રાજસ્થાન બિકાનેર
- ચંદ્રભાગા મેળો:- ઓરિસ્સા
- ગંગાસાગર મેળો:- બંગાળ
- અંબુબાસી મેળો:- આસામ- ગુવાહાટી
- બાગેશ્વર મેળો :- રાથસ્થાનના ડુંગરપુર જિલ્લામાં