- શહેરના પ્રથમ મલ્ટીલેવલ સિગ્નેચર કેબલ બ્રિજ માટે ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત આવી ગઇ: વર્કઓર્ડર આપ્યા બાદ 30 મહિનામાં બ્રિજનું નિર્માણકામ પુરૂં થશે: કમુરતા ઉતરતા જ રાજ્ય સરકારના કોઇ મંત્રી પાસે બ્રિજના કામનું ખાતમુહુર્ત કરાવવાની કોર્પોરેશનની તૈયારી
કાલાવડ રોડ પર જલારામ ફૂડ કોર્ટથી લઇ કોસ્મોપ્લેક્સ સિનેમા સુધી ઓવરબ્રિજની લંબાઇ 744 મીટરની અને પહોળાઇ 23.10 મીટરની રહેશે જ્યારે સેક્ધડ રિંગ રોડ પર બ્રિજની લંબાઇ 459 મીટરની રહેશે
ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા કાલાવડ રોડ પર કટારિયા ચોકડી પાસે રૂ.167 કરોડ (જીએસટી સાથે)ના ખર્ચે સિગ્નેચર કેબલ બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટ ફાઇનલ થઇ ગયા બાદ ખર્ચ મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 67 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. વર્કઓર્ડર આપ્યા બાદ અઢી વર્ષમાં બ્રિજનું નિર્માણકામ પૂર્ણ કરવામાં આવશે. કમૂરતા ઉતર્યા બાદ રાજ્ય સરકારના મંત્રી પાસે સમય લઇ બ્રિજનું ખાતમુહુર્ત કરવાની કોર્પોરેશનની તૈયારી આરંભી દીધી છે. બ્રિજનું નિર્માણ પૂર્ણ થયા બાદ આશરે બે લાખથી પણ વધુ લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે શહેરના વોર્ડ નં.11માં કટારિયા ચોકડી પાસે અન્ડરબ્રિજ તથા ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કામનું 124 કરોડનું એસ્ટીમેન્ટ હતું. જીએસટી સહિત આ કામ રૂ.150 કરોડમાં થવાનું હતું. જેના માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. 20 કરોડથી વધુના કામો કોઇ એક કંપની કે એજન્સીને આપવાના બદલે જોઇન્ટ વેન્ચરને આપવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. અલગ-અલગ ચાર એજન્સીઓ ક્વોલિફાઇ થઇ હતી. જેમાં મેસર્સ ગાવર ક્ધસ્ટ્રક્શન લીમીટેડ અને બેકબોન ક્ધસ્ટ્રક્શન પ્રાઇવેટ લીમીટેડના જોઇન્ટ વેન્ચર્સેઆ કામ 14.23 ટકા ઓન સાથે અને જીએસટી સહિત રૂ.167 કરોડમાં કરી આપવાની તૈયારી દર્શાવી હતી. જીએસટી બાદ કરતા બ્રિજની પ્રોજેક્ટ કોસ્ટ રૂ.141.73 કરોડની થવા પામે છે. કાલાવડ રોડ પર કટારિયા ચોકડી નજીક આવેલા જલારામ ફૂડ કોર્ટથી આ મલ્ટીલેવલ બ્રિજમાં ઓવરબ્રિજનો છેડો શરૂ થતો હતો. જે કોસ્મોપ્લેક્સ પાસે પૂરો થતો હતો. જેની લંબાઇ આશરે 740 મીટરની અને પહોળાઇ 23.10 મીટરની હતી. બ્રિજમાં આરસીસી કેબલ સ્ટેઇડ બનાવવામાં આવનાર છે. બંને તરફ 9 મીટર પહોળાઇમાં સર્વિસ રોડ અને ફૂટપાથનું પણ નિર્માણ કરવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે શહેરના પ્રથમ મલ્ટીલેવલ સિગ્નેચર કેબલ બ્રિજમાં સેક્ધડ રિંગ રોડ પર આશરે 459 મીટર લંબાઇનો અન્ડરબ્રિજ બનશે. બંને તરફ સર્વિસ રોડ અને ફૂટપાથ બનાવવામાં આવશે. આ બ્રિજનું નિર્માણકામ પૂર્ણ થયા બાદ આશરે બે લાખ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે. ટેન્ડરની શરત મુજબ કંપનીને સ્ટીલ, સિમેન્ટ, લેબર, પ્લાન્ટ, મશીનરી, પોલ, બીટ્યુમીન અન્ય મટીરીયલ્સ અને સ્ટાન્ડર્ડ બિડીંગ ડોક્યુમેન્ટ મુજબ પ્રાઇઝ વેરિફીકેશન આપવામાં આવશે. 14.23 ટકા ઓન અને 18 જીએસટી સાથે કટારિયા ચોકડી સિગ્નેચર કેબલ બ્રિજનું નિર્માણ રૂ.167 કરોડમાં થશે.
સ્ટે.ચેરમેનનું દુરંદેશીથી કોન્ટ્રાક્ટરનું કામ વધ્યું પણ કોર્પોરેશનનો ખર્ચ ઘટ્યો !
શહેરના મુખ્ય 48 રાજમાર્ગો પર સ્પીડબ્રેકર પર થર્મોપ્લાસ્ટથી માર્કિંગ કરવા માટે રૂ.1.08 કરોડનો ખર્ચ મંજૂર કરવાના બદલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે એવી સૂચના આપી હતી કે માત્ર 48 રાજમાર્ગો નહિં પરંતુ ત્રણેય ઝોનમાં શેરી-ગલ્લીઓને આવરી લઇ ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવે. ચેરમેનનો આ નિર્ણય કોર્પોરેશન માટે ફાયદાકારક સાબિત થયો છે. કોન્ટ્રાક્ટરનું કામ વધ્યું છે સાથોસાથ કોર્પોરેશનના ખર્ચમાં ઘટાડો થયો છે. અગાઉ માત્ર 48 રાજમાર્ગો પર આવેલા સ્પીડબ્રેકરો પર સફેદ પટ્ટા કરવાના કામનું એસ્ટીમેન્ટ 1.50 કરોડ અંદાજવામાં આવ્યું હતું. 28 ટકા ડાઉન ભાવ સાથે આ કામ વિનાયક કોર્પોરેશન નામની એજન્સીએ રૂ.1.08 કરોડમાં કરી આપવાની તૈયારી દર્શાવી હતી. સ્ટેન્ડિંગમાં જ્યારે દરખાસ્ત આવી ત્યારે અભ્યાસના અંતે જયમીન ઠાકરે ટેન્ડર મંજૂર કરવાના બદલે માત્ર 48 રાજમાર્ગો નહિં પરંતુ તમામ ત્રણેય ઝોનની શેરી-ગલ્લીઓમાં સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા ચીતરવા માટેનું ટેન્ડર પ્રસિદ્વ કરવા આદેશ આપ્યા હતા. માત્ર 48 રાજમાર્ગો પર થર્મોપ્લાસ્ટ માર્કીંગ કરવા માટે જે ખર્ચ રૂ.1.08 કરોડ થતો હતો. જ્યારે ત્રણેય ઝોનમાં એટલે કે આખા સિટીને આવરી લીધું છતાં ખર્ચમાં 7 લાખનો ઘટાડો થયો છે. વિનાયક કોર્પોરેશને અગાઉ 28 ટકા ડાઉન સાથે કામ કરવાની તૈયારી દર્શાવી હતી. રિ-ટેન્ડરમાં આજ એજન્સીએ 32 ટકા ડાઉન ભાવ આપ્યા છે. સાથોસાથ એક વર્ષમાં ગમે ત્યારે આ સફેદ પટ્ટા ભૂંસાઇ જાય તે આછાં થઇ જાય તો બીજીવાર બનાવી આપવાની પણ તૈયારી દર્શાવી છે.
સાગરનગર-બેટ દ્વારકા વિસ્તાર ડિમોલીશનના અસરગ્રસ્તોને રૂ.55 હજારમાં સ્માર્ટ ઘરમાં આવાસ અપાશે
શહેરના વોર્ડ નં.6માં પ્રદ્યુમન પાર્ક પાસે તળાવને રિ-ડેવલપ કરી અહિં આઇકોનિક બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સાગરનગર અને બેટ દ્વારકા વિસ્તારમાં 196 આવાસનું ડિમોલીશન કરવાનું થાય છે. જેને સ્માર્ટ ઘરમાં રૂ.55,000માં આવાસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે કાલે મળનારી સ્ટેન્ડિંગમાં નિર્ણય લેવાશે.
વોર્ડ નં.6 માં પ્રદ્યુમન પાર્ક પાસે સાગરનગર અને બેટ દ્વારકા સ્લમ વિસ્તાર આવેલ છે. આ વિસ્તારમાં આવેલ તળાવને રિ-ડેવલપ કરીને ત્યાં આઈકોનીક બ્રીજ બનાવવાનો થાય છે. આથી સદરહુ સ્લમ વિસ્તારના લાભાર્થીઓને આ વિસ્તારની નજીકમાં આવેલ રાજીવ આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ ગોકુલનગર આવાસ યોજનામાં 68 આવાસો તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના સ્માર્ટઘર-4બી (પૂજ્ય રવિશંકર મહારાજ ટાઉનશિપ) અંતર્ગત ખાલી રહેલ 128 આવાસો મળીને કુલ 196 આવાસોમાં સમાવિષ્ટ કરવા તથા સાગરનગર અને બેટ દ્વારકાના 196 ઉપરાંતના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના-અનટેનેબલ સ્લમ રીલોકેશન
કેટેગરી અંતર્ગત ટી.પી. 31, એફ.પી. 31/એ તથા 31/4 ઉપર સ્માર્ટઘર-6 (શહીદ રાજગુરૂ ટાઉનશીપ) યોજના અંતર્ગત બનાવવામાં આવેલ 1538 આવાસોમાં સમાવિષ્ટ કરવા તથા લાભાર્થીઓ માટે જે તે યોજના મુજબ સરકારની ગાઇડલાઇન મુજબ ફાળો તથા ચાર્જીસ ભરપાઇ કરાવવા સંદર્ભ 1 થી ઠરાવ થઇ આવેલ છે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના-અનટેનેબલ સ્લમ રીલોકેશન કેટેગરી અંતર્ગત ટી.પી. 6 એફ.પી. 161 સ્માર્ટઘર-4 (વીર તાત્યાટોપે ટાઉનશીપ) યોજના અંતર્ગત બનાવવામાં આવેલ 528 આવાસોમાં લલુડી વોકળી સ્લમ વિસ્તારના લાભાર્થીઓને સમાવિષ્ટ કરવાના થશે.
ઉક્ત બાબતે સંદર્ભ 1 ના ઠરાવ અન્વયે સ્માર્ટઘર 4બી (128 આવાસો)માં લાભાર્થીઓનો ફાળો રૂ.55,556/- રાખવામાં આવેલ છે. જે મુજબ સ્માર્ટઘર-4 (વીર તાત્યાટોપે ટાઉનશીપ) અને સ્માર્ટઘર-6 (શહીદ રાજગુરૂ ટાઉનશીપ) યોજના અંતર્ગત બનાવવામાં આવેલ આવાસોમાં લાભાર્થીઓનો ફાળો પ્રતિ આવાસ રૂ.55,556 – ગણવાનો રહેશે.
શહેરમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ બોક્સ ક્રિકેટ બનાવવા સામે વિરોધ ઉઠ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એવી ઘોષણા કરી હતી કે શહેરમાં એકપણ બોક્સ ક્રિકેટનું નિર્માણ કરશે નહિં. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા મહાપાલિકાઓમાં હાલ ચાલતી બ્યૂટીફીકેશનની કામગીરી અંતર્ગત મલ્ટીલેવલ બ્રિજ નીચે સ્પોર્ટ્સ ફેસેલીટી વિકસાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જેને પગલે કોર્પોરેશન દ્વારા શહેરના કાલાવડ રોડ પર કેકેવી મલ્ટીલેવલ બ્રિજ નીચે પરિમલ સ્કૂલ સામે રૂ.58.79 લાખના ખર્ચે પીકલ બોલ બનાવવામાં આવશે. આ ઉપરાંત અહિં બોક્સ ક્રિકેટ પણ બનાવવામાં આવશે. જ્યારે રૂ.36.49 લાખના ખર્ચે ઇન્ડોર ગેઇમ્સની સુવિધા ઉભી કરાશે અને રૂ.42.47 લાખના ખર્ચે સ્કેટીંગ રીંગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની સૂચના મુજબ આ કામ જેટલું ઝડપથી પૂર્ણ થાય તેટલું ઝડપી પુરૂં કરવા તાકીદ કરાય છે.