મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રની માહિતી લોકોને મળી રહે તે માટે ઠેર ઠેર સાઈનબોર્ડ અને પેઇન્ટિંગ મુકવાનું શરૂ કરાયું છે,આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામુલ્યે કોરોના અંગેનો ટેસ્ટ થાય છે :લાભ લેવા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે અપીલ કરી
હાલ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મહાનગરપાલિકા પણ ખડે પડે કામગીરી કરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને મનપાના કુલ ૨૧ આરોગ્ય કેન્દ્રો અંગે માહિતી મળે અને તેમના નજીકના કયા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે તેની જાણકારી મળી રહે તેવા આશય સાથે શહેરમાં જુદાજુદા વિસ્તારો અને માર્ગો પર સાઈન બોર્ડ મુકવાનું શરૂ કરવામાં આવેલ છે. સાથોસાથ આરોગ્ય કેન્દ્ર અંગે ચિત્રનગરી સંસ્થાના સહયોગ સાથે પેઈન્ટિંગ પણ દોરવામાં આવી રહયા છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
વધુમાં મ્યુનિ. કમિશનરએ નાગરિકોને અપીલ કરતા એમ કહ્યું હતું કે, જો કોઈપણ વ્યક્તિને કોરોના વાઇરસ અંગેના કોઈપણ લક્ષણો જણાય તો તુર્ત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે અથવા આપના વિસ્તારમાં આવતા ધનવંતરી રથ પર જઈ પોતાનું હેલ્થ ચેક અપ કરાવી શકો છે. મહાનગરપાલિકા દ્વારા આ સેવા સંપૂર્ણ વિનામુલ્યે કરવામાં આવે છે, પ્રાથમિક સ્ટેજથી જ કોરોનાની સારવાર મળી રહે તેવા આશયથી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા શહેરીજનોને નમ્ર અપીલ કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ધનવંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ સેવા રથ અને કોવિડ-૧૯ ટેસ્ટીંગ વ્હીકલ લોકોની સેવામાં કાર્યરત છે, તેમજ ૨૧ આરોગ્ય કેન્દ્ર પર પણ કોરોના વાઇરસ અંગેનું ચેકઅપ કરી આપવામાં આવે છે. શહેરના તમામ આરોગ્ય કેન્દ્રનો સવારે ૦૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૦૩:૩૦ થી ૦૬:૩૦ સુધીનો રહેશે. મ્યુનિ. કમિશનર વધુમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા કોરોના વાઇરસ અંગેનો ટેસ્ટ વિનામુલ્યે કરવામાં આવે છે. કોરોનાને સંક્રમણ થતો અટકાવવા સૌ સાથે મળી સહયોગ આપીએ. મહાનગરપાલિકા દ્વારા આપના ઘર આંગણે આવી આપની સેવા કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક નાગરિક જાગૃત બને સરકારના આદેશનું પાલન કરે અને જો શંકાસ્પદ લક્ષણો જણાય તો તુર્ત જ નજીકના મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે.
સોશિયલ મીડિયા પર ફરતી ખોટી અફવાઓથી દુર રહેવા મ્યુનિ. કમિશનરની અપીલ
હાલ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, આવા સંકટ સમયે સૌએ સાથે મળીને મહામારીમાંથી બહાર આવવાના પ્રયત્નો કરવા અત્યંત આવશ્યક છે ત્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર મુકાતી રહેતી જાતજાતની પોસ્ટ વગર વિચાર્યે ફોરવર્ડ કરી રહ્યા છે, જેનાથી નાગરિકોમાં ભય, ચિંતા અને અવઢવની સ્થિતિ સર્જાય છે. આ પરિસ્થિતિને કારને નાગરિકો અને તંત્ર દ્વારા મહામારી સામે લડવા માટે થઇ રહેલા પ્રયાસો પર વિપરીત અસર પહોંચાડે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને ઘરે ઘરે ફરીને જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે જેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે. સોશિયલ મીડિયા પરની અફવાથી દોરાઈને લોકો ભયભીત ના થાય અને ખરેખર સત્ય હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરે એ વાસ્તવમાં સમાજ સેવા કરી ગણાય. લોકો સોશિયલ મીડિયા પરની અનાધિકૃત માહિતીથી ચેતે અને સમાજમાં ભયની લાગણી ના પ્રસરે તેની તકેદારી રાખે એમાં જ સૌનું ભલું છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.