પંજાબમાં મંત્રીપદ મેળવ્યા બાદ નવજોતસિંહ સિઘ્ધુના કોમેડી શોમાં કામ કરવાના મામલા પર હાઇકોર્ટે પ્રશ્ર્નો ઉભા કરી માંગ્યા જવાબો
પંજાબના કલ્ચરમંત્રી નવજોતસિંહ સિઘ્ધુના ટીવી કોમેડ શોમાં કામ કરવાનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે સિઘ્ધુના ટીવી પ્રોગ્રામ પર અનેકો પ્રશ્ર્નો ઉભા કર્યા છે. તેમજ સિઘ્ધુ પાસેથી જવાબ માગ્યો છે. હાઇકોર્ટે સિઘ્ધુને ટીવી પ્રોગ્રામથી દુર રહેવાનું સૂચન કર્યુ છે.
કોર્ટે સિઘ્ધુને પ્રશ્ર્નો કરતા કહ્યું કે, એક મંત્રી તરીકે તમારે કોને પ્રાથમિકતા આપવી જોઇએ ટીવી શોને કે પ્રજા સેવાને? જો એક મંત્રી જ નિયમોનું ઉલ્લંઘન કરે તો કેવી રીતે ચાલશે? મંત્રીઓ પ્રજા કરતા ટીવીશોને અગ્રિમતા આપશે તો પ્રાથમિકતા અને નૈતિકતાનું શું થશે? કોર્ટના પ્રશ્ર્નો પર એડવોકેટ જનરલે કહ્યું કે, તેઓ આ મામલામાં સરકારની તરફથી જવાબ આપી શકે નહી. ત્યારબાદ હાઇકોર્ટે આગળની સુનાવણી ૧૧મેના રોજ કરવાનું નક્કી કર્યુ છે.
કોર્ટે પંજાબના એડવોકેટ જનરલ અતુલ નંદાને પુછ્યું કે, શું મોરલ ગ્રાઉન્ડ પર એ યોગ્ય છે કે એક વ્યક્તિ મંત્રીપદ પર હોવા છતાં પ્રાઇવેટ કામ કરી પૈસા કમાય. કોર્ટે આ સાથે જણાવ્યું કે, દરેક મામલાની સુનવણી લીગલ ગ્રાઉન્ડના આધારે જ થઇ શકે નહિં. અમુક મામલાને નૈતિકતા અને મોરલના ગ્રાઉન્ડ પર પણ સાંભળવા કોર્ટની જવાબદારી છે. શું આ બાબત એક મંત્રીની નૈતિકતા અને કોડ ઓફ કંડકટનું ઉલ્લંઘન નથી.
ઉલ્લેખનીય છે કે, ક્રિકેટરથી રાજનીતિમાં આવેલા નવજોતસિંહ સિઘ્ધુએ તાજેતરમાં પંજાબમાં મંત્રીપદ સંભાળ્યું છે. પરંતુ તેની શ‚આતમાં જ વિવાદો ઉભા થઇ ગયા. સિઘ્ધુ કોમેડીશોમાં જજની ભુમિકામાં જોવા મળે છે. મંત્રીપદ પર હોવા છતા આવા ટીવી પ્રોગ્રામમાં કામ કરવા પર વિપક્ષો પ્રશ્ર્નો ઉભા કરી રહ્યા હતા. જેની સામે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ સિઘ્ધુને ટીવી પ્રોગ્રામથી દુર રહેવાનું સૂચન કર્યુ છે અને પ્રશ્ર્નોના જવાબ માંગ્યા છે.