લખતર તાલુકાનાં ભડવાણા ગામે રહેતા અને અમદાવાદ એમ.સી.એ.નો અભ્યાસ કરતા દિવ્યરાજસિંહ જયદેવસિંહ રાણાએ વ્હોટ્સએપમાં પોતાનાં ફોટા સાથે સીધુ મુસેવાલાનાં સોંગ સાથે સ્ટેટસ રાખ્યુ હોવાથી એજ ગામનાં હરીરાજસિંહ ઉર્ફે હરપાલસિંહ ક્રિપાલસિંહ રાણાને ગમતુ ન હોવાથી તે બાબતે અગાઉ ફોનમાં બોલાચાલી થઈ હતી.
તેનું મન:દુખ રાખી દિવ્યરાજસિંહ અને તેના કાકાનો દિકરો અંશરાજસિંહ મયુરસિંહ રાણા અમદાવાદથી ભડવાણા બાઈક લઈને આવી રહ્યા હતા ત્યારે ભડવાણા ગામના પાદરમાં તેમનાં બાઈક આડે બોલેરો કાર નાંખી બન્નેને ઉભા રાખી હરીરાજસિંહ ક્રિપાલસિંહ રાણા, વિશ્વદીપસિંહ કુલદીપસિંહ રાણા અને બ્રિજરાજ સિંહ કૃષ્ણસિંહ ઉર્ફે ગોપાલસિંહ રાણાએ ધોકા, બેઝબોલથી હુમલો કરી દિવ્યરાજસિંહ અને અંશરાજસિંહને માર માર્યો હતો.
દિપરાજસિંહે ફોન કરી પિતા જયરાજસિંહને બોલાવતા હરીરાજસિંહે તેમના માથામાં બેઝબોલ ધોકો માર્યો હતો. એ અરસામાં ક્રિપાલસિંહ જયવીરસિંહ રાણા અને કુલદીપસિંહ જયવીરસિંહ રાણા આવ્યા હતા અને પાંચેય શખ્સો ગાળો બોલી ધમકી આપતા હતા. કુલદીપસિંહે પોતાની લાયસન્સવાળી રીવોલ્વર કાઢી જયદેવસિંહને બતાવી પુરૂ કરી નાંખતા વાર નહીં લાગે તેવી ધમકી આપી હતી.
આ અંગે હરીરાજસિંહ ઉર્ફે હરપાલસિંહ ક્રિપાલસિંહ રાણા, વિશ્વદીપસિંહ કુલદીપસિંહ રાણા, બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઉર્ફે ગોપાલસિંહ રાણા,ક્રિપાલસિંહ જયવીરસિંહ રાણા અને કુલદીપસિંહ જયવીરસિંહ રાણા સામે પોલીસ ફરીયાદ નોંધાતા તપાસ હાથ ધરી છે.