અલગ અલગ 1008 મુદ્રાઓમાં ગણપતિને કંડારવામાં આવ્યા: બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા
રાજકોટમાં કાલાવાડ રોડ, વોકહાર્ટ હોસ્પિટલની બાજુમાં શ્રી સિધ્ધી વિનાયક ગણપતિ રાજા મંદિરનો ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સિધ્ધિ વિનાયક ગણપતિ રાજા મંદિરની વિશેષતાએ છે કે આ મંદિરમાં એક હજાર આઠ અલગ અલગ પ્રકારની ગણપતિની મૂર્તિઓને કંડારવામાં આવી છે. અબતક સાથેની વાતચીત દરમિયાન સિધ્ધિ વિનાયક ગણપતિ રાજા મંદિરના ટ્રસ્ટી કાર્તિકભાઈ રાજા કુંડલીયાએ જણાવ્યું હતુ કે ઘણા સમયથી મારા પિતાજી કિરીટભાઈ કુંડલીયાની ઈચ્છા, આસ્થા હતી કે આપણે ગણપતિદાદા સિધ્ધિ વિનાયકના મંદિરની સ્થાપના કરીએ મંદિરનું કામકાજ ત્રણ વર્ષથી થતું હતુ ત્યારે આજરોજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો. હવે બધા લોકો ગણપતિ દાદાના દર્શન કરી શકે છે.મારા પિતાજીની ઈચ્છાથી આ મંદિર બનાવ્યું છે. આ મંદિરની વિશેષતાએ છે કે મંદિરમાં જે કોતરણી કરવામાં આવી તે અદભૂત છે. તથા એક હજાર આઠ અલગ અલગ ગણપતિની મૂદ્રાઓને કંડારવામાં આવી છે. સાથે જ ગણપતિ ભગવાનની મુખ્ય મૂર્તિ છે તે એક સિંગલ મારબલથી બનાવવામાં આવી છે. જે ખૂબજ અલૌકિક દેખાઈ રહી છે. મારા પિતાની ઈચ્છા પૂર્ણ થતા અને નિર્વિધ્ને વિઘ્નેશ્ર્વરાયની મૂર્તિની પ્રતિષ્ઠા થતા અમને ખૂબજ આનંદ થઈ રહ્યો છે.