“ગરૂડને બચાવવા જતા ફોજદાર જયદેવ સામે ખૂનની કોશિષનો ગુન્હો નોંધાયો !
ફોજદાર ગરૂડે આરોપી ગારા વજશીને કોન્સ્ટેબલ સતીષ સાથે ચાર દિવસ સુધી હળવદ તથા ધ્રાંગધ્રાના ગામડાઓમાં રીમાન્ડ દરમ્યાન ફેરવેલો પણ ગારાને કુલાની ઈજાની કોઈ સારવાર કરાવેલ નહીં કે કપડા પણ બદલાવેલ નહીં જે તે હાલતમાં કોર્ટમાં લાવેલા અને ન્યાયધીશે આરોપીને રૂબરૂ રજૂ કરવા હુકમ કર્યો પોલીસ ગારાને દોરીને અંદર લાવી ગારો અર્ધ વાંકો વળી ગયેલો ઉંહકાર કરતો અંદર આવ્યો ન્યાયધીશે કહ્યું અરે આતો ચાલી પણ શકતો નથી. અને કપડા પણ લોહી લોહાણ છે અને ગંધ પણ મારી ગયો છે.
ફરિયાદ દાખલ થઈ વિશેષ રીમાન્ડ નામંજૂર થયા કોર્ટે આરોપીને કસ્ટડીમાં લીધો અને સાયલા ફોજદારને લેખીત હુકમ કર્યો કે ગારા વજશીની મેડીકલ સારવાર લીંબડી સરકારી દવાખાને કરાવી રીપોર્ટ સાથે આરોપીને પરત રજૂ કરવા જણાવ્યું.
ફોજદાર ગરૂડના હાજા ગગડી ગયા સાયલા પોલીસ સ્ટેશન આ કોર્ટ બિલ્ડીંગની નીચે જ આવેલું હતુ ગરૂડે સાયલા પોલીસ સ્ટેશનમાંથી સુરેન્દ્રનગર પોલીસ વડા સાથે ટેલીફોનથી વાત કરી કે આરોપીએ પોતા ઉપરતો ખરી જ પણ એ એસપી ધ્રાંગધ્રા વિરૂધ્ધ પણ કોર્ટમાં વકીલ મારફતે ફરિયાદ દાખલ કરાવેલ છે. તથા સાયલા ફોજદારને આ આરોપીની મેડીકલ તપાસણી લીંબડી ખાતે કરાવવાનો હુકમ કર્યો છે.
આ સમાચાર સાંભળી પોલીસ વડા પણ મુંઝાયા કેમકે આ ફરિયાદનો નીકાલ ન થાય તો વહીવટી અને ખાતાકીય પ્રશ્નો ઉભા થાય તેમ હતા બપોરના બાર વાગી ગયા હતા. પોલીસ વડાએ મુળી પોલીસ સ્ટેશનમાં ટેલીફોન લગાડયો જયદેવ હાજર જ હતો. પોલીસ વડા એ જયદેવને કહ્યું કે ગરૂડે કાંઈક ઘાલમેલ કરી લાગે છે. સાયલા કોર્ટમાં ટાસ્ક ફોર્સ તથા ધ્રાંગધ્રાએ એસ.પી. વિરૂધ્ધ ફરિયાદ દાખલ થયેલ છે.
ગરૂડના કહેવા મુજબ મામલો ગંભીર છે. તો તમે તાત્કાલીક સાયલા પહોચી તમારી વગનો ઉપયાગે કરી માંડવાળ માટે કાંઈક કરો જેથી ભવિષ્યે પોલીસ અધિકારીઓને પ્રશ્ન નહિ કેમકે આ કસ્ટડીયલ ઈજા થઈ ગયેલ છે. જયારે પહેલી વખત આરોપીને રજુ કરેલો ત્યારે તમારા કહેવાથી તેણે ફરિયાદ કરેલ ન હતી પરંતુ આજે ફરિયાદ કરેલ છે. અને ઈજા પણ વધારે છે તો તમે સાયલા પહોચી કાંઈક કરો.
જયદેવને તો ખ્યાલ આવી ગયો કે હવે અત્યારે આ ગરમા ગરમીમાં કાંઈ થઈ શકે નહિ પરંતુ હુકમ એટલે હુકમ તેણે પોતાનું મોટર સાયકલ બહાર કાઢ્યુંં મુળીથી સાયલા ફકત સાત કિલોમીટર જ દૂર હતુ. જયદેવ મોટર સાયકલ ઉપર વિચાર કરતો હતો કે હવે ઈજા કસ્ટડીની જાહેર થઈ ગઈ અને પોલીસ અધિકારીઓના નામ પણ કોર્ટમાં આપી દીધા તો હવે શું. થઈ શકે? આમ વિચાર કરતો કરતો સાયલા આવ્યો સાયલાની સાંકડી બજારોમાં પુષ્કળ ગામડાની જનમેદની હતી જાણે કે કોઈ રેલી નીકળી હોય. જયદેવ સાયલા પોલીસ સ્ટેશને પહોચ્યો ત્યારે જાણવા મળ્યું કે આ બજારનાં ટોળા પણ ગારા વજસીની સહાનુભુતીમાં દૂર દૂરના હળવદ ધ્રાંગધ્રા ધંધૂકા, વિગેરે વિસ્તારનાં ગામડાઓમાંથી તેની જ્ઞાતિના તથા તેના ધંધાને સંબંધીત લોકો તથા આગેવાનો જ હતા.
સાયલા જયુડીશીયલ કોર્ટ તથા પોલીસ સ્ટેશન એક જુનવાણી રજવાડા વખતના એક જ મકાનમાં આવેલા હતા. પ્રવેશ દ્વાર એક મોટો ડેલો નીચેના માળે પોલીસ સ્ટેશન અને બીજા માળે કોર્ટ આવેલ હતી. બજારની ભીડ વિંધતો જયદેવ મોટર સાયકલ લઈને ડેલા પાસે આવ્યો ત્યાં જ વિલે મોઢે ફોજદાર ગરૂડ અને તેમની ટીમ હાજર હતી ગરૂડે જયદેવને કહ્યું કે અમારા વિરૂધ્ધ તો ભલે ફરિયાદ થઈ પરંતુ ધ્રાંગધ્રા એ એસ.પી.નું નામ પણ ફરિયાદમાં લખ્યું તે ખોટુ થયું. કેમકે તે વાતથી પોલીસ વડા ખૂબ નારાજ થયા હતા અને ઠપકો આપ્યાનું જણાવ્યુ જયદેવે ગરૂડને પુછયું કે વરરાજો ‘ગારો’ કયાં છે? ગરૂડે કહ્યું કોર્ટે તેની કસ્ટડી અમારી પાસેથી લઈ સાયલા ફોજદારને લીંબડી સારવાર કરાવવા માટે હુકમ કરેલ છે.
આથી જયદેવ સાયલા પોલીસ સ્ટેશનમાં આવ્યો ઓંસરીમાં પી.એસ.ઓ. પાસે ‘ગારો’ ઉભડક પગે બેઠો હતો. અને તેની પાસે પુષ્કળ માણસો હતા. સાયલા ફોજદારની ચેમ્બરમાં પણ પુષ્કળ લોકો બેઠા હતા. જયદેવ ચેમ્બરમાં આવતા સાયલા ફોજદારે આ લોકોને બહાર મોકલી દીધા સાયલા ફોજદારનું મોઢું જાણે કોઈ મરણ થઈ ગયું હોય તેવું સાવ પડી ગયેલુ હતુ જયદેવે હળવેકથી પુછયું ‘શું થયું?’ તો સાયલા ફોજદારે કહ્યું ‘આ ગરૂડ ને બુધ્ધી જેવુ તત્વ જ લાગતુ નથી.
દુનિયા આખી જાણે છે કે મુળીમાં ફોજદાર ગોસાઈનું ‘તપેલુ ચડાવવા’માં આ કોન્સ્ટેબલ સતીષ જ મુખ્ય હતો છતા ગરૂડે સતીષના કહેવાથી લીયા ગામે એએસપી સાહેબ સાથે આ ગારા વજશીને ઢીબ્યો તે તો ઠીક પરંતુ રીમાન્ડની જરૂર હતી ત્યારે તમને મુળીથી બોલાવ્યા અને તમે જે તે વખતે ફરિયાદ થવા દીધી નહી રીમાન્ડ મળ્યા પછી આ સતીષ ગરૂડની મદદથી ‘સુતેલા સાપ’ હળવદના ગામડાઓમાં જગાડયા અને ન કરવાનું કર્યું હવે આખો પંચાળ સાયલામાં ઉમટી પડયો છે. પોલીસ વિરૂધ્ધ ફરિયાદ દાખલ થઈ ગઈ છે.
અને ઈજા પણ કસ્ટડીની નકકી થઈ ગઈ પછી ગરૂડે પોલીસ વડાને આ બાબતની જાણ કરી. હવે એએસપી સાહેબનો પ્રોબેશન પીરીયડ પૂરો થવામાં છે. અને આ બબાલ થઈ છે હવે પોલીસ વડા એ મને કહ્યું છે કે તમે ગમે તેમ કરી ફરિયાદ માંડવાળ કરાવો હું આગેવાનોને કયારનો સમજાવું છું પરંતુ તેઓ માનતા જ નથી. મારે પોલીસ વડાને શું જવાબ દેવો? મારી હાલત તો મહાભારતના શકુની મામા જેવી થઈ છે ‘ખાય ભીમ અને હંગે શકુની’ વળી આરોપીને અમારે જ લીંબડી લઈ જવાનો છે.
હું તો કોન્સ્ટેબલ રયજી જોડે આરોપી ગારાને કોર્ટની યાદી સાથે મોકલી દઉ છું હવે હું શુ કરી શકું? જયદેવે સાયલા ફોજદારને કહ્યું કે ગારાને એકલા જ ચેમ્બરમાં મંગાવો અને ગારો ચેમ્બરમાં આવ્યો ગારો જયદેવને જોઈને હાથ જોડી કહેવા લાગ્યો કે સાહેબ આ કોર્ટમાં ફરિયાદ મેં કરેલ નથી. પરંતુ વસ્તડી ગામના પનુભાઈ અને ખસબગડના દરબારોએ વકિલને મળીને ફરિયાદ કરાવેલ છે હું છૂટીને પછી ફરિયાદ પાછી ખેંચી લઈશ.
પરંતુ જયદેવને થયું કે આ ‘પછી’નું કાંઈ ઠેકાણુ નહિ કાંઈક અગાઉ કરવું જ પડશે. જયદેવે ગારાને પૂછયું કે માલતો (અફીણ)તને પનુ જ આપતો ને? ગારાએ કહ્યું હા ઘણી વખત પનુભાઈ આપતા પરંતુ મને તો પાણશીણાથી જ માલ વધુ મળતો. જયદેવને બહું મોડે ખબર પડી કે ગરૂડે આ તપાસમાં વસ્તડી અને પાણશીણાના મુદામાલ અંગે કોઈ ઉલ્લેખ જ કરેલ નહિ.
ગારાને લઈને કોન્સ્ટેબલ રયજી સાયલા બસ સ્ટેન્ડે આવ્યો તે પછી જયદેવને મનમાં વિચાર આવ્યો કે ગારાને સારવાર માટે ડોકટર પાસે રજૂ કરશે ત્યારે ડોકટર કેસમાં ‘કેસ ઓફ હીસ્ટ્રી’ની કોલમમાં ઈજા શાનાથી કોના વડે થઈ તે પુછીને લખે છે. જો તેમાં કાંઈક ફેરફાર થાય તો પોલીસને થોડો બચાવ મળે જેથી જયદેવ સાયલા બસ સ્ટેન્ડે આવ્યો કોન્સ્ટેબલ રયજી ગારાને લઈ ટોળા વચ્ચે ઉભો હતો.
જયદેવને પોતાને ખબર જ હતીકે પોતે જે કાર્ય કરી રહ્યો છે તે ખોટુ કરી રહ્યો છે પૂરાવા સાથે ચેડા (ટેમ્પરીંગ) જ કરી રહ્યો છે. પરંતુ આ વિશાળ વસ્તી વાળાદેશમાં સંગઠીત અને સમૃધ્ધ ગુનેગારો સામે મુઠ્ઠીભર પોલીસથી અને નબળા કાયદાથી કાંઈ રામ રાજય સ્થપાય નહિ આથી પોલીસની નૈતિક હિંમત જળવાય રહે તે માટે થોડુ ઘણું આડુ અવળુ કરવુ પડે તેમ હતુ જ. તેથી તેણે તેને આવેલ વિચારનો અમલ કરવાનું નકકી કર્યુ.
જયદેવે ગારાને એકલાજ થોડો સમજાવવાનો હતો આ ઈજા કોઈ અજાણ્યા માણસે હળવદના ગામડામાં કુદરતી હાજતે ગયેલો ત્યારે કરેલી નામ ખબર નથી તેવું ડોકટરને કહેવાનું હતુ. જેથી રયજીને કહી ગારાને એક બાજુ બોલાવ્યો પરંતુ તે બંને સાથે આખુ ટોળુ પણ આવ્યું જયદેવને થયું કે આ વાત જાહેરમાં કહેવી બરાબર નહિ કેમકે તેના નેતાઓને ખબર પડે તો હોસ્પિટલમાં પણ ફરિયાદમાં ચોખવટ કરી પાકે પાયે કાર્યવાહી કરે. આથી જયદેવ બસ આવવાની રાહ જોઈ ઉભો રહ્યો લીંબડીની લોકલ બસ આવતા જ ગારા અને રવજીની સાથે જ ટોળુ પણ બસમાં ચડી ગયું જયદેવે રવજીને કહ્યું કે ટ્રાવેલીંગ વોરંટ કંડકટરને હું કહુ નહિ ત્યાં સુધી આપતો નહિ અને તે પ્રમાણે જ થયું બધાની ટીકીટ થઈ ગયા પછી રયજી એ કહ્યું વોરંટ રહી ગયું અને તે ગારાને લઈ નીચે ઉતરી ગયો. બસ લીંબડી જવા રવાના થઈ ગઈ.
ગારો એકલો પડતા જ જયદેવને પગે લાગીને કહેવા લાગ્યો કે ‘સાહેબ આ તમામ જ્ઞાતીજનો અને ધધાર્થીઓ મારા ગળે પડયા છે આવતી કાલે જામીન ઉપર છૂટીને હું તમે કહેશો તેમ કહીશ જયદેવે કહ્યું કાંઈ વાંધો નહિ તને અત્યારે બીજી બસમાં લીંબડી સારવારમાં મોકલવાનો જ છે. પરંતુ લીંબડીમાં ડોકટર તને પૂછે કે તને આ શેની ઈજા છે તો તારે કહેવાનું છે કે હળવદના ગામડામાં સીમમાં કુદરતી હાજતે બેઠેલો ત્યારે કોઈ અજાણ્યો માણસ મારીને નાસી ગયો છે.
ગારાએ કહ્યું ભલે સાહેબ વિશ્વાસ રાખજો હું તેમજ લખાવીશ. આમ વાત બસ સ્ટેન્ડમાં ચાલતી હતી ત્યા રોડ ઉપરથી પનુ ફલાણીયો બુલેટ મોટરસાયકલ લઈને નીકળ્યો અને જયદેવ તથા ગારાને વાતચીત કરતા જ મોટર સાયકલને બ્રેક મારી તાકીને જોવા લાગ્યો તથા લોકોને પૂછપરછ કરવા લાગતા જ જયદેવનું મગજ હલી ગયું અને તે તરફ ચાલતો ગયો પરંતુ જયદેવને ઉતાવળે આવતો જોઈને પનુએ બુલેટ હાઈવે તરફ મારી મૂકયું પણ પાછળ જ એક પોલીસની જીપ નીકળતા જયદેવે તેની લીફટ લઈ પનુનો પીછો કર્યો તે લીંબડી હાઈવે ઉપર ભાગ્યો પરંતુ જીપ લગોલગ આવતા અને ત્યાંજ ડાબી તરફ ફુલગ્રામ રામપરાનો રસ્તો આવતા પનુએ તેનું બુલેટ તે રસ્તે ભગાડયું પરંતુ જયદેવે પીછો ચાલુ રાખ્યો બંને વચ્ચેનું અંદર ઓછુ થતા જ પનુએ ભયને કારણે મોટર સાયકલ ને સજજડ બ્રેક મારી તે ચાલુ હાલતમાં જ મૂકીને ખૂલ્લા ખેતરોમાં દોડવા લાગ્યો જયદેવને દોડવું નહતુ તેથી ઉભા ઉભા જ ત્રાડ પાડીને ફાયરીંગ કરી પાડીદેવા ધમકી આપતા જ પનુ ખેતરમાં ગલોટીયુ ખાઈ પડી ગયો. પરંતુ જયદેવને કમરે હાથ દઈ ઉભેલો જોઈને તે ફરીથી દોડીને નાસવા લાગ્યો જયદેવને થયું આ ગુનેગાર માટે આટલુ ઘણું તે પાછો સાયલા આવી પોલીસ સ્ટેશનેથી પોતાનું મોટર સાયકલ લઈ મુળી આવ્યો.
મુળી પી.એસ.ઓ. જયદેવની જ રાહ જોઈને બેઠા હતા પીએસઓએ કહ્યું સાહેબ તમે ઉતાવળે જવા નીકળી ગયા સ્ટેશન ડાયરીનો ચાર્જ તમારી પાસે હતો મને સોંપ્યો નથી તેતી જયદેવે કહ્યું જે થયું તે સારૂ જ થયું તેણે અત્યારના સમયે જ પી.એસ.ઓ.ને ચાર્જ સોંપ્યો.
પાછળ રયજી અને ગારો બીજી બસમાં લીંબડી પહોચ્યા ત્યાં પણ મોટો તાયફો હતો. પરંતુ રયજી અને ગારાએ જયદેવે આપેલી સૂચનાનો ચુપચાપ અમલ કર્યો સારવાર ચાલુ થઈ. ગારાને બે દિવસ ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કર્યો.
બીજે દિવસે તેજ વકીલ મારફતે સાયલા કોર્ટમાં બીજી પ્રાઈવેટ ફરિયાદ દાખલ થઈ આરોપી મુળી ફોજદાર જયદેવ અને ફરિયાદી પનુ ફલાણીયો રહે વસ્તડી ગુન્હાની વિગત હતી ફોજદાર જયદેવે તેની સરકારી જીપ લઈ ફરિયાદીનો પીછો કરી ફરિયાદી ખેતરોમાં નાસવા લાગતા જયદેવે પોતાની સર્વીસ રીવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયર કરી ખૂન કરી નાખવાની કોશિષ કરી જયદેવને અફસોસ એ વાતનો થયો કે તે આમર્સ ફાયરીંગમાં ‘માર્કસમેન’ હતો. તેનું નિશાન કયારેય તાર્ગેટની બહાર હવામાં જતુ નહિ આણે તો ભૂંડો લગાડયો ‘હવામાં ગોળીબાર’ બતાવ્યા! કોર્ટે આ ફરિયાદ તથા ગારા વજસીની ફરિયાદ તેમના વકીલના કહેવાથી સી.આઈ.ડી. ક્રાઈમને સોંપાઈ સુરેન્દ્રનગર જીલ્લા આખામાં દેકારો બોલી ગયો અને પોલીસ બેડામાં સન્નાટો કેમકે પનુ ફલાણીયાએ અગાઉ અનેક પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ ફરિયાદી કરેલ હતી જ. તે નામચીન તો હતો જ. પોલીસ વડાએ જયદેવ તે સુરેન્દ્રનગર રૂબરૂ બોલાવ્યો.
જયદેવ સુરેન્દ્રનગર આવી પોલીસ વડાને મળ્યો તે સમયે ચેમ્બરમાં પોલીસ વડાના એક મીત્ર પણ બેઠા હતા. પોલીસ વડાએ જયદેવ સાથે થયેલ ફરિયાદો અંગે ચર્ચા કરી ચર્ચામાં તો આ કિસ્સામાં કોન્સ્ટેબલ સતીષની નાલાયકી અને ફોજદાર ગરૂડની અણ આવડત તથા સતીષના કહેવા મુજબ જ કાર્યવાહી કર્યા અંગેની ચર્ચા થઈ જયદેવે કહ્યું કે મુખ્ય બનાવમાં તો સાદી મારમાર્યાની ફરિયાદ થઈ છે. જયારે મારી વિરૂધ્ધ તો ખોટી તો ખરી પરંતુ બીન જામીન લાયક સેશન્સ ટ્રાયલ કલમો પ્રમાણે ખૂનની કોશિષ આઈ.પી.સી. કલમ ૩૦૭ મુજબની ફરિયાદ થઈ તે અતિશયોકતી છે. હવે જો પનુ ફલાણીયો મુળી તાલુકામાં કે બીજે કયાંય રોડ ઉપર મને મળ્યો તો હવે મારે સાચુ જ ફાયરીંગ કરવું છે.
પેલા પોલીસ વડાના સજજન મિત્રએ બહાર આવી વાત ને વધારીને જાહેર કર્યું કે પોલીસ વડાએ જ જયદેવને ફાયરીંગ કરવાની છૂટ આપી છે. આ તરફ પનુ ફલાણીયાએ જયદેવ વિશે વાતો તો સાંભળેલી જ અને બુલેટ મૂકીને ભાગવું પડેલ તે અનુભવ પણ હતો જ તેણે સુરેન્દ્રનગર જિલ્લો મૂકીને ધંધુકા તાલુકામાં આશરો લીધો સમાધાન માટે ચક્રોગતીમાન થયા. પણ જયદેવે સાયલા કોર્ટમાં તેના વિરૂધ્ધની એફ.આઈ.આર. જોઈ લીધી હતી મુળી પોલીસ સ્ટેશનની જીપતો અઠવાડીયાથી સુરેન્દ્રનગર એમ.ટી. વિભાગમાં રીપેરીંગમાં પડી હતી જયદેવ પોતે તો બનાવન સમયે મુળી પોલીસ સ્ટેશનનાં ચાર્જમાં હતો. અને રહી વાત ફાયરીંગની તેની પાસે રીવોલ્વરના કાર્ટીસ કાંઈ ઓછા થયા નહતા. તેણે સમાધાન માટે કોઈ મચક જન આપી જયદેવે વિચાર્યું કે સી.આઈ.ડી. ક્રાઈમ શું કરે છે તેતો જોઈએ? તે પછી શું કરવું તે નકકી કરવાનું મન બનાવ્યું.
સી.આઈ.ડી. ક્રાઈમના ડી.વાય.એસ.પી. તપાસ શરૂ કરી સૌ પ્રથમ સાયલા બસ સ્ટેન્ડે વેપારીઓનાં નિવેદનો લીધા કે જયદેવ અહી આવેલ કે કેમ તથા કાંઈ બનાવ બનેલ કે કેમ? પરંતુ કોઈ વેપારીને બનાવ અંગે કોઈ માહિતી જ ન હતી. કોન્સ્ટેબલ રયજીએ પણ પુછપરછ કરતા આવો બનાવ બન્યાનો ઈન્કાર કર્યો જયદેવ વિરૂધ્ધની તપાસમાં તો ખાસ કોઈ પૂરાવો ન મળ્યો. પરંતુ ગારા વજસીની કસ્ટડીયલ ઈજા અંગે તમામને ચિંતા હતી પરંતુ ગારા વજસીએ પણ મુળી વિશ્રામ ગૃહમાં આવી સીઆઈડી ક્રાઈમ સમક્ષ નિવેદન આપ્યું કે કોઈ પોલીસે મને માર્યો નથી પણ પોતાને તપાસમાં હળવદનાં ટીકર ગામે પોલીસ સાથે હતો ત્યારે કુદરતી હાજતે બેઠો હતો ત્યાં એક અજાણ્યો માણસ મારીને નાસી ગયેલ છે. પરંતુ પોલીસ કસ્ટડીમાં આ કેવી રીતે શકય બને? આખરે તે ગુન્હામાં એન.સી. ઈજાની વર્ગ ‘એ’ (પૂરાવાનો અભાવ) સમરી માંગવામાં આવી અને જયદેવ વિરૂધ્ધમાં થયેલ ફરિયાદમાં બી.સમરી (ખોટી ફરિયાદ) રીપોર્ટ ભરવામાં આવ્યો.
હવે જયદેવ ઉપર સમાધાન માટે દબાણ વધી ગયું જીલ્લા પંચાયત પ્રમુખ બાપાલાલભાઈ પરમારે એક સજજન અધિકારી દ્વારા જયદેવની મુલાકાત કરી અને કહ્યું કે જે થવાનું હતુ તે થયું હવે હું કહૂં છું તેથી સમાધાન કરી લો તો સારૂ આથી જયદેવે પનુ ફલાણીયાને માફ કર્યો અને હવે પોતે જુનુ કોઈ મનદુ:ખ નહિ રાખે તેવી બાંહેધરી આપી વધુમાં જયદેવે પનુ ફલાણીયાને કહ્યું કે ‘જનતાની સેવા કરતી પોલીસને સાથ સહકાર આપવા અને કાયદાને માન આપવા ગુન્હાઈત પ્રવૃત્તિ બંધ કરવા પણ જણાવ્યું પરંતુ એમ આ મલાઈ વાળી પ્રવૃત્તિ થોડી બંધ થાય? તેવામા ટુંક સમયમાં જ નવો કડક કાયદો ‘નારકોટીક ડ્રગ્ઝ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સ એકટ અમલમાં આવ્યો જે ખાસ અફીણ માટે અને નશાની ગોળીઓ ગાંજો ભાંગ ચરસ માટે જેમાં સજાની જોગવાઈ ઓછામાં ઓછી દસ વર્ષ અને એક લાખ રૂપીયા દંડ અને વળી ગુન્હોબીન જામીન લાયક તે પછી આ કાયદા મુજબ કેસો થતા આ પ્રવૃત્તિ લાંબા ગાળે ઓછી થઈ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com