એક સમયની ઉજજડ અને અપૂજ જગ્યા બની નયનગમ્ય અને રમણીય આશ્રમ
વાત છે, આ ગીર જંગલ નજીકના ધરણેશ્વર મહાદેવ મંદિરની
ગીરના જંગલ પાસે આવેલું ગામ- ઇટાળા, તાલુકો – જૂનાગઢ. ત્યાંના જંગલના સૌંદર્ય વચ્ચે આવેલું ધરણેશ્વર મહાદેવનું મંદિર. ૨૨ વર્ષોના લાંબા સમયથી ઉજ્જડ અને અપૂજ એવી ભેંકાર જગ્યા આજે શ્યામબાપુના આગમનથી નયન ગમ્ય અને રમણીય આશ્રમમાં પરિવર્તિત પામ્યું છે. પૂજ્ય બાપુ તારીખ ૨૩ જૂન ૨૦૧૫થી આ મંદિરમાં એકાંતવાસ નો આનંદ માણી રહ્યા છે.
મધ્યમ કદ કાઠી પણ વાત્સલ્ય નો દરિયો, સાથે શિસ્તમાં પણ માનનારા. ફર ફર કરતી લાંબી દાઢી, કપાળથી લઈને આખા મસ્તક ફરતે બાંધેલો ભગવા રંગનો રૂમાલ-સાફી, તેજસ્વી અને કરુણા સભર આંખો, મુખ પર સદાય શોભતું સ્મિત… વાત વાત માં હળવાશથી ક્યારે તમને જ્ઞાન તરફ દોરી જાય, તે સમજાય નહીં. ઋતુ ભલે રૂપ બદલે, પરંતુ બાપુ હંમેશા ટૂંકી બાયના સફેદ સદરા અને સફેદ ધોતીમાં જોવા મળે… આવા શ્યામબાપુની જીવનયાત્રા વિશે જાણીએ…
સંત શ્યામબાપુ નો જન્મ ૨૫ ડિસેમ્બર, નાતાલના રોજ રાજકોટ મુકામે થયેલ. જન્મ થી જ બીમાર, રોગિષ્ટ શરીર. કિશોરાવસ સુધી બીમારી નો દોર ચાલ્યો. કિડની નથી ગંભીર બીમારી, ૧૫ વર્ષ સુધીની ઉંમરમાં પાંચ વખત ટાઈફોઇડ તાવ, પેટનો દુખાવો, સંધિવા ની બીમારી, અને શરદી તાવ તો વારંવાર રહેતા જ.
નાદુરસ્ત તબિયત ના કારણે તેઓ પરંપરાગત બાહ્ય શિક્ષણ મેળવી ન શક્યા. પરંતુ તેમને બાળપણ થી જ વાંચન નો જબરો શોખ હતો. જ્યારે બાળકો રમતા હોય છે, ત્યારે તેઓ ૨ લાઇબ્રેરીના સભ્ય હતા અને જુદા જુદા વિષયોના અનેક પુસ્તકો વાંચતા. આમ તેમના અંતર ના શિક્ષકે તેમને જ્ઞાન થી સમૃદ્ધ બનાવ્યા.
પ્રખર બુદ્ધિમત્તા ધરાવતા બાળક શ્યામનું શારીરિક સ્વાસ્થ્ય ૧૫ વર્ષ બાદ તેની પોતાની સંકલ્પશક્તિી અને મહેનતી ખુબ જ સુધરવા લાગ્યું. યોગ, પ્રાણાયામ, કસરતો જાતે જ અંતરસ્ફુરણા થી શીખ્યા. અને બે ત્રણ વર્ષમાં તો બાળપણ તમામ બીમારીઓ ને માત આપી, નબળા બીમાર શરીરને કસી ને ખૂબ મજબૂત બનાવ્યું. અને પોતાના સપનાઓ ને સાકાર કરવા માં લાગી ગયા. ૧૪ વર્ષ ની વયે પિતાજી સાથે સોની કામના વારસાઈ ધંધા માં લાગ્યા. ૨૦વર્ષની વયે ગૃહસશ્રમની શરૂઆત થઈ.
સાથે સાથે એન્જીનીયરીંગ લાઇન માં ઝંપલાવ્યું. સોની કામ ને ઉપયોગી એવા નાના મોટા મશીનો બનાવ્યા. ફક્ત અઢી વર્ષના ગાળામાં છોલ કામનું મશીન બનાવ્યું અને “રાજ મશીન ટુલ્સ”ના નામથી નાનું એવું કારખાનું ચાલુ કર્યું.
૧૦ વર્ષના સંઘર્ષ બાદ નાના કારખાના એ મોટી ફેકટ્રીનું રૂપ ધારણ કર્યું. વ્યવસાયને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિસ્તરી, પોતાને કારીગર માંથી એક સફળ બિઝનેસમેન તરીકે પ્રસપિત કર્યા. મશીનો તો ઘણા દેશો માં બહુ એક્સપોર્ટ કર્યા, પરંતુ પોતે પોતાના દેશ નો ઉંબરો પણ ઓળંગ્યા નહીં.
વ્યવસાય તેમને માટે ફક્ત કામ, ફક્ત સમૃદ્ધિનું સાધન ન હતું, તેમનો શોખ હતો. જ્ઞાન, વિજ્ઞાન, ટેકનોલોજી, જીવન માં કંઈક નવું કરવું, જીવન ને જાણવું, અને જીવન ના લક્ષ્ય સુધી પહોંચવું. આવી આધ્યાત્મિક વિચારધારા એ તેમને ભૌતિક સફળતા તો અપાવી જ, સાથે સાથે અધ્યાત્મ ની સફર પણ કરાવી. રહસ્યદ્રષ્ટા હોવાથી કોઈ કહે તેમાં નહીં, જાતે અનુભવ કરવા માં જ માનતા. તેઓ હસતા હસતા ઘણીવાર કહેતા, “હું નિયમિતપણે અનિયમિત છું. અને કુદરત નો પણ આ જ નિયમ છે. આ સનાતન નિયમ છે.” જ્યાં સુધી તમારું કામ પૂરું ન થાય, ત્યાં સુધી તમારું શરીર થાકે નહીં. જો શરીર પર આવો કાબુ મેળવી શકો તો તમારી સફળતા ને કોઈ રોકી ન શકે. ભાગ્ય પર ભરોસો રાખી બેસી રહેનાર આળસુ હોય છે. અપાર સાંસારિક સફળતા અને વૈભવની ચરમસીમા એ પહોંચ્યા પછી, અને આવી અનેક બીમારીઓ અને તકલીફો ને હરાવ્યા પછી તેઓ અધ્યાત્મ ના માર્ગે આગળ વધ્યા.૪૦ વર્ષની ઉંમરે પહોંચતા તો બાપુ એ પોતાનો વ્યવસાય ભાઈ અને સંતાનો ને સોંપી નિવૃત્તિ જાહેર કરી. જે ઉંમરે લોકો જિંદગી ના ઝંઝાવાતો સામે ઝઝૂમવા નો પ્રયત્ન કરતા હોય છે, જીવન માં સેટલ થવાનો પ્રયત્ન કરતા હોય છે, ત્યારે બાપુ એ ભૌતિક જિંદગી જીતી લીધી, અને જિંદગી ની બીજી ઇનિંગ શરૂ કરી, અધ્યાત્મ તરફ વળ્યા.પછી તો સાધનાઓ, સિદ્ધિઓ નો દોર ચાલુ થયો.
મૃત્ય એ આત્માની જીવન યાત્રા છે
વિશેષ બાબત એ છે કે આ બધી બીમારી હોવા છતાં કોઈપણ જાતની સારવાર કરાવતા નથી, કે નથી દવા લેતા. એલોપથી, હોમિયોપથી, નેચરોપથી કે આયુર્વેદિક, કોઈપણ પ્રકાર ની દવા નહીં, કે પરેજી પણ નહીં. આજે પણ તેઓ એ કુદરત નો નિયમ જાળવી રાખ્યો છે, નિયમિતપણે અનિયમિત રહેવા નો. તેઓ કહે છે, “જેટલા શ્વાસ ઈશ્વર આપે એટલા શ્વાસ લેવા છે, ઉધાર ના નહીં. હું હાલતો ચાલતો રહું છું, તેનો યશ ડોકટર ને શા માટે આપવો, તે યશ તો મારા પ્રભુ ને જ મળે ને! જેને આત્મા ની, પરમાત્મા ની અનુભૂતિ થઈ હોય, તેને મૃત્યુ કઈ રીતે સતાવી શકે ? “જીવન નું પ્રથમ સત્ય મૃત્યુ છે, જે જીવન ના અંતે ભજવાય છે. ભૌતિક જીવન ના સૌથી મહત્વ ના બે પ્રસંગો, ૧ જન્મ, ૨ મૃત્યુ… મૃત્યુ વિના આત્માની ઉચ્ચગતી શક્ય નથી. તેથી મૃત્યુ એ તો આત્મા ના જીવન ની યાત્રા છે, મહાયાત્રા છે. ભૌતિક જીવન નો છેલો ઉત્સવ છે. મૃત્યુ એ મૃત્યોત્સવ છે.
મૃત્યુને માણીએ, માતમ ન મનાવીએ
પૂજ્ય બાપુને પ્રસિદ્ધિ મેળવવાની ઝંખના નથી, તેથી જાહેર પ્રવચનો આપતા નથી. કોઈ તેને પ્રશ્ન કરે તો વ્યવસ્થિત બધું જ સમજાવે. ઉપદેશો આપવા માં તેમને રસ નથી, પરંતુ તેમનું જીવન જ ઉપદેશાત્મક છે. અંતમાં કહીએ તો સંત શ્યામબાપુની જીવનયાત્રા”સાધારણમાંથી અસાધારણ બનવાની પ્રક્રિયા છે. “આમ સે ખાસ બનોની યાત્રા છે.