અજાણ્યા શખ્સોએ મોડીરાતે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું: ત્રણ શખસોની અટકાયત: છેડતીના પ્રશ્ર્ને હત્યા કરાયાની શંકા: મૃતકની ઓળખ મેળવવા તપાસ
મવડી-કણકોટ રોડ પર આવેલી શ્યામલ ચોકડી પાસે અક્ષર પરિસર ફલેટના બોર્ડ નજીકથી લોહીલુહાણ હાલતમાં યુવાનની લાશ પડી હોવાની પોલીસને જાણ થતા તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ કરતા નેપાળી જેવા જણાતા યુવાનને અજાણ્યા શખ્સોએ છરીના ૧૧ જેટલા ઘા ઝીંકી હત્યા કર્યાનું બહાર આવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથધરી છે.
મવડીથી કણકોટ તરફ જવા માર્ગ પર યુવાનની લોહીથી ખરડાયેલી હાલતમાં લાશ પડી હોવાની હરદીપસિંહ નામના યુવાને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ના ઇએમટી રવિભાઇ રાઠોડ સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ કરતા યુવાન મૃત હાલતમાં હોવાનું અને તિક્ષ્ણ હથિયારથા ઘા મારવામાં આવ્યા હોવાથી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
યુવાનની લાશ મળી આવ્યાની જાણ થતા એસીપી જે. એમ. ગેડમ, પી. આઇ. વી. એસ. વણઝારા, પી. એસ. આઇ. એન. કે. રાજપુરોહિત, ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. એ.એસ.સોનારા, પી.એસ.આઇ. ઉનડકટ, તાલુકા પોલીસ મથકના હર્ષદસિંહ ચુડાસમા, જયરાજસિંહ, દિવ્યરાજસિંહ અને નગીનભાઇ ડાંગર સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસ તપાસ દરમિયાન આશરે ૩૦ વર્ષના નેપાળી જેવા જણાતા અજાણ્યા યુવાનના પગ, પીઠ અને માથામાં તિક્ષ્ણ હથિયારના ઇજાના નિશાન જોવા મળતા અજાણ્યા શખ્સોએ હત્યા કર્યાનું પ્રથમ નજરે જ જણાતા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી હત્યાનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતક યુવાને બ્લુ કલરનું જીન્સ, કોફી લાઇનીંગવાળુ ટીશર્ટ અને ગ્રે કલરનું જાકીટ પહેર્યુ હોવા હતું. મૃતકની ઓળખ મેળવવા આજુ બાજુના નેપાળી પરિવારને બોલાવી લાશ બતાવી હતી હજી સુધી લાશની ઓળખ મળી ન હોવાથી ઓળખ મળ્યા બાદ હત્યા કોને અને શા માટે કરી તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું જાણવા મળે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.