- છેલ્લા 17 વર્ષમાં માત્ર 85,883 લોકોએ મેરેજ રજીસ્ટ્રેશન કરાવ્યું: જાગૃત્તિ લાવવી ખૂબ જરૂરી
સરકારના નિયમ મુજબ લગ્નગ્રંથિથી જોડાયા બાદ પતિ-પત્નિએ મેરેજ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે પરંતુ જાગૃત્તિના અભાવે તમામ યુગલો આ નિયમનું પાલન કરતા નથી. વર્ષ-2024માં કોર્પોરેશનના મેરેજ રજીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં 7,373 નવ દંપતિઓએ મેરેજ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સરેરાશ પ્રતિદિન 20 યુગલો મેરેજ રજીસ્ટ્રેશન માટે આવી રહ્યા છે. જો કે, આ કામગીરી માત્ર સેન્ટ્રલ ઝોન કચેરીમાં જ થતી હોવાના કારણે લોકોએ ખરેખર ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. યુગલોને રૂબરૂ બોલાવવામાં આવતા હોવાના કારણે લાઇનો લાગે છે.
વર્ષ-2008થી કોર્પોરેશનમાં મેરેજ રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં વર્ષ-2008માં 3612, વર્ષ-2009માં 3499, વર્ષ-2010માં 2669, વર્ષ-2011માં 3439, વર્ષ-2012માં 4132, વર્ષ-2013માં 4812, વર્ષ-2014માં 4405, વર્ષ-2015માં 5309, વર્ષ-2016માં 4998, વર્ષ-2017માં 4378, વર્ષ-2018માં 4913, વર્ષ-2019માં 5793, વર્ષ-2020માં 5049, વર્ષ-2021માં 6021, વર્ષ-2022માં 7478, વર્ષ-2023માં 7603 અને વર્ષ-2024માં એટલે કે ગત વર્ષે 7373 નવ દંપતિઓએ મેરેજ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. છેલ્લા 17 વર્ષના આંકડાઓ પર નજર કરવામાં આવે તો 85883 યુગલોએ લગ્નની નોંધણી કરાવી છે.
2023માં સૌથી વધુ 7603 લગ્નોની થઇ હતી નોંધણી
કોર્પોરેશનમાં છેલ્લા 17 વર્ષથી લગ્ન નોંધણીની કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ-2023માં સૌથી વધુ 7603 યુગલોએ મેરેજ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. વર્ષ-2024માં ટકાવારી થોડી ઘટી છે અને આંક 7373 રહ્યો હતો. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે માત્ર લગ્ન નોંધણીની કામગીરી કરવામાં આવતી હોવાના કારણે લોકોને થોડી હાલાકી ભોગવવી પડે છે. પ્રતિદિન માત્ર 20 જેટલા યુગલોની લગ્નની નોંધણી થાય છે.
પ્રક્રિયા ખૂબ જ જટિલ હોવાના કારણે યુગલો નથી કરાવતા લગ્ન નોંધણી
મેરેજ રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. ફોર્મ ભરવામાં સામાન્ય ભૂલ થાય તો પણ તંત્ર દ્વારા ચલાવી લેવામાં આવતી નથી. ફોર્મમાં છેકછાક પણ માત્ર રાખવામાં આવતી નથી. લેન્થી પ્રોસીજરના કારણે જો ખૂબ જ જરૂરી હોય તેવા કિસ્સામાં જ યુગલો લગ્નની નોંધણી કરાવવા માટે કોર્પોરેશનની કચેરી સુધી ધક્કા ખાય છે. આટલું જ નહિં લવ મેરેજ, ભાગીને લગ્ન કરવા સહિતના કિસ્સાઓમાં પોલીસ કેસ કે કોર્ટના ચકરમાં પડવું પડતું હોવાના કારણે દંપતિને રૂબરૂ બોલાવવામાં આવે છે.
પતિ-પત્નિમાંથી કોઇ એકપણ હાજર રહે તો પણ ચલાવી લેવામાં આવે છે. ટૂંકમાં મેરેજ રજીસ્ટ્રેશન માટે ખૂબ જ લાંબી પ્રક્રિયા હોવાના કારણે લોકો કંટાળાના કારણે નોંધણીથી દૂર ભાગે છે. પાસપોર્ટ કઢાવા કે અન્ય કોઇ સરકારી વિભાગમાં જ્યારે મેરેજ રજીસ્ટ્રેશનની જરૂરિયાત ઉભી થાય ત્યારે જ આ કામગીરી માટે લોકો આવે છે.