આસો વદ તેરસના દિવસે ઉજવાતું પર્વ એટલે ધનતેરસ. સમુદ્ર મંથન થતાં ભગવાન ધન્વન્તરિ અમૃત કળશ લઈને આ દિવસે પ્રગટ થયા હતા. તેઓ આરોગ્યના દેવ હોવાથી સ્વાસ્થ્યની સુરક્ષા માટે ધનતેરસ ના દિવસે ધન્વન્તરિ ની પૂજા કરવામાં આવે છે.તેમના હાથમાં ધાતુ નો કળશ હોવાથી આ દિવસે ધાતુની ખરીદી કરવાનું શુભ માનવામાં આવે છે.
શાસ્ત્રો પ્રમાણે પ્રહલાદનાં પૌત્ર રાજા બલિ પાસે વામન અવતાર શ્રી વિષ્ણુજીએ, દેવોએ હારેલું સર્વસ્વ ધન પાછું મેળવીને, દેવોને પરત કર્યું ત્યારે એ ધન તેર ગણું વધી ગયું હતું, ત્યારથી માન્યતા પ્રમાણે ધનતેરસ ના દિવસે ખરીદેલી વસ્તુ તેર ગણી વૃદ્ધિ આપે છે. તેથી ધન એટલે કે સોના ચાંદીના સિક્કા ખરીદવામાં આવે છે અને ધનના દેવ કુબેરની પૂજા પણ ધનતેરસના દિવસે કરવામાં આવે છે.
ધનતેરસના દિવસે ચાંદીના વાસણની ખરીદી કરવાની પરંપરા છે. કારણ કે ચાંદી ચંદ્રમા નું પ્રતીક છે, જે શીતળતા પ્રદાન કરે છે અને મનમાં સંતોષ પેદા કરાવે છે. જેની પાસે સંતોષરૂપી ધન છે તે જ સ્વસ્થ અને સુખી છે.
ધનતેરસની સાંજે ઘરની બહાર આંગણામાં કે મુખ્ય દરવાજા પર દીપમાળા પ્રગટાવવાની પ્રથા છે, તેની પાછળ એક કથા છે. હેમ નામના એક રાજા હતા તેમને ત્યાં પુત્ર જન્મ થયો, ત્યારે એક જ્યોતિષી એ કહ્યું કે આ બાળક તેના લગ્નના ચોથા દિવસે મરણ પામશે. આ જાણીને રાજાએ તેને એવી જગ્યાએ રાખ્યો કે જ્યાં કોઈ સ્ત્રી નો પડછાયો પણ ન પડે.
એક વખત ગંધર્વ કન્યા આકાશ માર્ગે ત્યાંથી પસાર થઈ અને તે રાજકુમાર ને જોઈને આકર્ષિત થઈ વિવાહ કરી લીધા. ચાર દિવસ બાદ તે રાજકુમારનું મૃત્યુ થયું, યમદૂત તેને લઈને જતા હતા ત્યારે તેની પત્નીનું હૈયાફાટ રૂદન જોઈને દુતે યમરાજા ને કહ્યું કે એવો કોઈ ઉપાય બતાવો કે જેથી માનવોનું અકાળે અવસાન ન થાય. ત્યારે યમરાજા એ કહ્યું કે આસો વદ તેરસના દિવસે જે લોકો મારા નામની પૂજા કરીને દક્ષિણ દિશા તરફ દીપમાળા પ્રગટાવશે તેને અકાળે મૃત્યુનો ભય નહીં રહે. ત્યારથી ધનતેરસના દિવસે દીપમાળા પ્રગટાવવાની પરંપરા ચાલી આવી છે.
જૈન આગમમાં ધનતેરસને ધન્ય તેરસ કે ધ્યાન તેરસ તરીકે ઉજવાય છે. ભગવાન મહાવીર ધનતેરસના દિવસે જ ચોથા ધ્યાનમાં પ્રવેશવા માટે યોગ ધ્યાનમાં બેસી ગયા હતા. ત્રણ દિવસના ધ્યાન પછી દિવાળીના દિવસે પ્રભુ મહાવીરે નિર્વાણ પામીને મોક્ષ પ્રાપ્ત કર્યો. ત્યારથી જૈનોમાં આ દિવસ ધન્ય તેરસ કે ધ્યાન તેરસના નામથી પ્રસિદ્ધ થયો.
-
ધનતેરસના શુભમુહુર્ત
-
ધનતેરસના શુભ સમય ચોઘડીયા
શુભ: 8.13 થી 9.39, ચલ: 12.31 થી 1.57,
લાભ: 1.57 થી 3.23, અમૃત: 3.23 થી 4.49
-
રાત્રીના શુભ ચોઘડિયા
લાભ: 6.15 થી 7.49,
શુભ: 9.23 થી 10.57,
અમૃત: 10.57 થી 12.32,
ચલ: 12.31 થી 2.05
બપોરે અભિજીત મુહૂર્ત 12.08 થી 12.54
સાંજે પ્રદોષ કાળ નું શુભ મુહૂર્ત 6.15 થી 8.45
ધનતેરસના દિવસે ધનપૂજન:
ધનતેરસના દિવસે સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી અને ચાંદીના સિક્કા ઉપર ધનપૂજન કરવું , સામે લક્ષ્મીજીની છબી રાખવી , તેલનો દિવો કરવો , દૂધમાં સાકર નાખી સિક્કા ઉપર શ્રી કમલવાસિન્થે નમ: ના જય અથવા શ્રીસૂક્તનાં પાઠ બોલતા બોલતા અભિષેક કરવો , ત્યારબાદ ચોખ્ખું પાણી ચડાવી સાફ કરી વસ્ત્ર , અબીલ ગુલાલ , કંકુ , ફુલ પધરાવવું , આરતી કરી ક્ષમાયાચના માગવી . આમ કરવાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.