હિન્દુ પંચાગના સૌથી મોટા તહેવાર એવા દિવાળીના પંચ પર્વનો આજથી આરંભ થઇ ચુક્યો છે. આજે બપોર બાદ ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. સોનું-ચાંદી, નવા વાહન, જમીન-મકાન ખરીદી માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આજે વણજોયુ મુહુર્ત હોય છે. આજના શુભ દિને લક્ષ્મીપુજન કરવામાં આવે છે. દિવાળી ઉત્સવ અંતર્ગત આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ ખાતે ભવ્યાતિભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. ઘર આંગણે મનમોહક રંગોળી બનાવી લોકોએ ધનતેરસની ઉજવણી કરી હતી. આવતીકાલથી સંપૂર્ણપણે ઉત્સવનો માહોલ છવાય જશે. કાલથી માર્કેટીંગ યાર્ડ અને સરકારી કચેરીઓમાં મિનિ વેકેશન પડી જશે.
દિવાળીના પંચ પર્વનો આજથી આરંભ: રાજકોટમાં સાંજે ભવ્યાતિભવ્ય આતશબાજી: કાલથી માર્કેટીંગ યાર્ડ અને સરકારી કચેરીઓમાં રજાઓ
ધનતેરસ સાથે દિવાળીના પંચપર્વનો આરંભ થઇ ચુક્યો છે. ઠેર-ઠેર રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. આજે બપોરે 12:36 કલાકથી વિધિવત રિતે ધનતેરસની તીથી શરૂ થશે. બપોરે 1:54 કલાક સુધી શુભ મુહુર્ત છે. ત્યારબાદ રાત્રે 9:18 થી 10:54 કલાક સુધી સારૂ મુહુર્ત છે. સવારથી બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. સોના-ચાંદીના ભાવ ઉંચા હોવાના કારણે ઘરાકીમાં થોડી ઝાંખય જોવા મળી રહી છે. લોકો માત્ર શુકનની સાચવણી કરવા પુરતુ જ સોનું ખરીદી રહ્યા છે.
લોકો હવે સંપૂર્ણપણે ફેસ્ટીવલ મૂડમાં આવી ગયા છે. આવતીકાલથી સરકારી કચેરીમાં પાંચ દિવસનું મિનિ વેકશન પડી જશે. સોમવારે ધોકાના દિવસે સરકારી કચેરીઓ ચાલુ રહેવાની હતી પરંતુ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને સોમવારની રજા આપી ડિસેમ્બર માસના બીજા સોમવારે કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આજે ધનતેરસના પાવન દિવસે રાજકોટમાં મહાપાલિકા દ્વારા સાંજે આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે કાળી ચૌદશનો દિવસ છે. રવિવારે દિવાળીનો શુભ દિવસ છે. સોમવારે ધોકો છે. મંગળવારના દિવસે નુતન વર્ષની ઉજવણી કરવામાં આવશે.