રાજકોટનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી: આગામી દિવસોમાં પારો ફરી ઉચકાય અને 40ને પાર થાય તેવી હવામાન વિભાગની આગાહી
તાઉ-તે વાવાઝોડાના લીધે હવામાનમાં ઘણા ફેરફારો આવ્યા અને સાથોસાથ લોકોએ એ વાતનો પણ હાશકારો અનુભવ્યો કે, હવે આગામી દિવસોમાં પણ મહત્તમ તાપમાનમાં ઘટાડો યથાવત રહેશે જો કે આગામી ચાર કે પાંચ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં ફરી ઉછાળો આવશે અને પારો ફરી 40 ડીગ્રીએ પહોંચે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વાવાઝોડાંની સામે વાતાવરણમાં ટાઢક ઉડી ગઈ છે અને હવે ગરમીનો પારો ફરી સડસડાટ ચડશે.
વાવઝોડા તો ગયું પણ તેને લઈને હવામાનમાં મોટા પ્રમાણમાં ફેરફારો આવ્યા છે. હવે ફરી ચોમાસુ ક્યારે બંધાશે તેં પણ જોવું રહેશે. જો કે હાલ તો ફરી ગરમીનું પ્રમાણ વધશે તેવું ચોક્કસપણે કહી શકાય અને પારો ફરી 41 કે 42 ડિગ્રી આસપાસ પહોંચે તેવી હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે.
બીજીબાજુ હવામાન વિભાગ દ્વારા એ પણ આગાહી કરવામાં આવી છે કે, આગામી 24 કલાક દરમિયાન લોકલ ફોર્મેશનને કારણે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ અને કચ્છ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. ત્યારબાદ વાતાવરણ ફરી ડ્રાય રહેશે. પરંતુ રાત્રીના સમયે ઠંડકનો સતત અનુભવ થતો રહેશે.
રાજકોટનું શહેરનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવા પામ્યું હતું. જ્યારે ન્યૂનતમ તાપમાન 21.5 ડિગ્રી આસપાસ રહેવા પામ્યું હતું. વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ 84 ટકા અને સાંજના સમયે 40 ટકા આસપાસ રહ્યું હતું. હવાની ગતિ સામાન્ય દિવસો કરતા વધુ રહેશે. તેને લીધે ઠંડકનો પણ અહેસાસ થશે. આજે વહેલી સવારે રાજકોટમાં 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
તરબૂચ-ટેટી-કેરી ગરમીનો પારો ભુલાવી દેશે
ગ્રીષ્મમાં ફાલસા, સક્કરટેટી, તડબૂચ અને કેરી જેવાં સ્વાદિષ્ટ ફળો થાય છે, જે કાળઝાળ ગરમીમાં રાહત આપે છે. ઉનાળો શરૂ થઈ ગયો છે અને તેથી હીટ વેવ્ઝ ચાલુ થઈ ગયા છે. દરરોજ પારો નવી ઊંચાઈ સુધી વધી રહ્યો છે, ત્યારે લાગે છે કે આપણને ઉનાળો સંપૂર્ણપણે શોષી લેશે. મોટાભાગના લોકોને આ પ્રકારના વાતાવરણમાં ડિહાઇડ્રેટ અને લૉ એનર્જી ફીલ થાય છે અને આપણે ઠંડક થાય તેની રીતો શોધીએ છીએ. આપણા શરીરને ઠંડક કરાવે તેવા ખોરાકની જરૂર પડે છે. ત્યારે આ બધા ફળો ગરમીનો પારો પણ ભુલાવી દેશે.
વાવાઝોડું ગયું પણ સિસ્ટમ પાછી ક્યારે બંધાશે
તાઉ-તે વાવાઝોડાને કારણે વાતાવરણમાં મોટા પ્રમાણમાં ફેરફારો આવ્યા છે. વાવાઝોડુ તો ગયું પણ હવે વરસાદની સિસ્ટમ ક્યારે બંધાશે તેના પર સૌ કોઈની મીટ છે. કેમ કે વાવાઝોડુ વરસાદ પાછું ખેંચી ગયું હોય તેમ હવે દરિયામાં ગરમીનું હાલ નહિવત હોય ,ફરી સિસ્ટમ સકિય થતા વાર લાગે જેથી દર વર્ષ કરતા આ વર્ષે ચોમાસુ થોડું મોડું બેસે તેવા પણ શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ પણ સામાન્ય 15 કે 20 જૂન આસપાસ ચોમાસુ બેસતું હોય છે પરંતુ વાવાઝોડાના લીધે હવે સિસ્ટમ મોડી બંધાશે જેથી વરસાદ પણ પાછો ઠેલાય તેવી પુરી શકયતા છે.