ધરમપુરનાં રાજુજીએ સ્વાધ્યાયમાં વહાવી જ્ઞાનસરીતા: પર્યુષણ મહાપર્વ નિમિત્તે ૧૩મી સુધી દરરોજ પ્રવચન શ્રેણીનું આયોજન

જૈનોના અતિપાવન મનાતા પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ સહિત દેશભરમાં જિનાલયો, દેરાસરો અને ઉપાશ્રયોમાં પર્યુષણ પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટમાં આવેલા શ્રીમદ રાજચંદ્ર જ્ઞાનમંદિર ખાતે પર્યુષણ પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમોની સાથે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સ્વાધ્યાયકાર અષ્માર્થ રાજુજીના સમ્યગ્દર્શન પર પ્રવચનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. DSC 2617
આ સ્વાધ્યાય શ્રેણીમાં આત્માર્પિત રાજુજીએ પ્રથમ દિવસે સમ્યગ્દર્શન વિષયનો મંગલ પ્રારંભ કરતા સમ્યગ્દર્શનનો મહિમા એ વિષયને ખૂબ જ ઉંડાણથી શાસ્ત્રો અને પરમકૃપાળુદેવના વચનોના અવલંબનથી સુંદર રીતે સમજાવ્યો. તેઓએ કર્મને ટાળવાનો દુ:ખને ટાળવાનો અને સુખને પ્રાપ્ત કરવાનો ઉપાય એકમાત્ર સમ્યગ્ દર્શન છે તે વિવિધ ઉદાહરણથી ખુબ સરળ રીતે સમજાવ્યું. સમ્યગ્દષ્ટિ જીવ ચક્રવર્તી હોય, ભયંકર યુદ્ધ કરતો હોય તો પણ તીવ્ર કર્મ નથી બાંધતો અને મિથ્યાત્વી જીવની ચામડી ઉખેડી મીઠુ ભરવામાં આવે તેવી વેદના સહન કરે તો પણ મોક્ષ નથી પામતો પણ વધુમાં સ્વર્ગ મેળવી શકે તેવો અદભુત મહિમા સમ્યગ્દર્શનનો છે. પરમકૃપાળુ દેવના વિવિધ પત્રોના માધ્યમથી સમ્યગ્દર્શન પ્રાપ્તિ કરવી જ છે તેવું દઢત્વ મુમુક્ષુઓમાં રાજુજીએ જણાવ્યું હતું.DSC 2621

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજય ગુરુદેવ રાકેશભાઈની કલ્યાણકરુણાના ફળરૂપે યોજાયેલા માનવજીવનના ઉચ્ચતમ ધ્યેયરૂપ સમ્યગ્દર્શનનો મહિમા, તેનું સ્વરૂપ, પામવાની પ્રક્રિયા અને પ્રાપ્તિનું ફળ આ સર્વેનું વૈજ્ઞાનિક પઘ્ધતિથી રહસ્યોદઘાટન કરતી સ્વાધ્યાયશ્રેણી. માર્ગ સ્પષ્ટપણે અને પૂર્ણપણે બતાવી, સાધનોને સરળ બનાવી, પ્રયોગાત્મક પ્રેરણા પામી, પરમના પંથે પગલા પાડવાનું આ છે ધન્ય દ્વાર બતાવ્યું કે સમ્યગ્દર્શન-આપણાં અનાદિ પરિભ્રમણના અંતનો આરંભ, સર્વ કલેશથી અને સર્વ દુ:ખથી મુકત કરાવનાર એકમાત્ર ઉપાય, આ દુર્લભ મનુષ્યભવને સાર્થક કરનાર મહાન સિદ્ધિ છે.

આ સમ્યગ્દર્શન વિશે પરમકૃપાળુદેવ લખે છે કે, અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતુ હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃતિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. ધર્મના યથાર્થ પ્રારંભરૂપ આ સમ્યગ્દર્શન વાસ્તવમાં શું છે ? સમ્યગ્દર્શનનો ઉલ્લેખ થાય ત્યારે વ્યવહાર સમ્યગ્દર્શન અને નિશ્ર્ચય સમ્યગ્દર્શન જેવા શબ્દોનો પ્રયોગ થાય છે તો એની પરિભાષા શું ? સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કઈ રીતે ઘટે ? એ પુરુષાર્થની વિધિ શું ? એની કોઈ સરળ ચાવી છે ખરી ? આ અને આવા અનેક પ્રશ્ર્નોનું સમાધાન ચીંધે છે પ્રસ્તુત શિબિર. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજય ગુરુદેવ રાકેશભાઈની અનંત કલ્યાણકરુણાના ફળરૂપે એની યોજના થઈ છે. સદગુરુદેવના માર્ગદર્શન હેઠળ, ખાસ આપણા આત્મવિકાસ માટે રચાયેલી આ સ્વાધ્યાયગાથાને ચાલો રસપૂર્વક માણીએ. પગલું માંડીએ પરમના પંથે અને આ કાળે, આ ક્ષેત્રે મળેલ અંતર્મુખતાના અનેરા અવસરનો પુરો લાભ લઈએ.

આગામી તા.૧૩ને ગુરુવાર સુધી આ વિષય પર સ્વાધ્યાયકાર રાજુજીનો પ્રવચનશ્રેણી સવારે ૯ થી ૧૦:૩૦ અને રાત્રે ૮:૨૦ થી ૯:૪૫ સુધી ચાલનારી છે તેનો લાભ લેવા શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર દ્વારા મુમુક્ષુઓને પ્રાર્થના કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.