“આજની ઘડી તે રળીયામણી”
કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લાખો મૃતકોનાં મોક્ષાર્થે ‘અબતક’ દ્વારા ઓનલાઈન ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. આજે કથાના અંતિમ દિવસે શ્રાવકોમાં ભકિતરસ છલકાયો હતો. વિશ્ર્વમાં સૌપ્રથમ વખત એવું બન્યું છે કે સ્ટુડિયોમાંથી સપ્તાહનું ઓનલાઈન પ્રસારણ થયું હોય. આ સપ્તાહને લાખો લોકોએ માણી હતી. આજે અંતિમ દિવસે ‘અબતક’ પરિવારના કર્મચારીગણે પોથી પધરામણીનો પ્રસંગ માણ્યો હતો.
આ પ્રસંગે ‘અબતક’નાં સતિષકુમાર મહેતા દ્વારા સાંજીદાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નિરવભાઈ રાયચુરા, દિપકભાઈ વાઢેર, કેયુરભાઈ બુઘ્ધદેવ, યશભાઈ, હાર્દિકભાઈ કાનાણી, ઉમંગી સાઉન્ડનાં રાજુભાઈ સહિતનાનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીમદ ભાગવત સપ્તાહનાં સમાપનની પુણ્ય ઘડીએ મૌલેશભાઈ ઉકાણી અને તેમના ધર્મપત્નીએ આરતી સહિતનાં કાર્યક્રમોમાં ભાવથી ભાગ લીધો હતો. આ પ્રસંગે ગ્લોબલ કોમ્યુનિકેશનનાં જીતુભાઈ જોશી અને રાજકિય આગેવાન રાજુભાઈ ધ્રુવ હાજર રહ્યા હતા.
કુદરતે આફતને અવસરમાં પલટવાનો સમય આપ્યો‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા
શાસ્ત્રીજીને વંદન કરી ‘અબતક’પરિવારના મોભી એવા મેનેજીંગ ડીરેકટર સતીષકુમાર મહેતાએ કથા વિરામના પાવન દિવસે અંતરની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે કોરોના કપરા કાળે આપણને એક સારો સમય આપ્યો આપણા પરિવાર સાથે આપણે સમય વિતાવી શકયા, ભાગદોડ ભર્યા જીવનમાં કુદરતે આપણને સારો સમય આપ્યો છે. આફતને અમે અવસરમાં ફેરવી લોકોને લોકડાઉનમાં સારામાં સારું મનોરંજન પીરસવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ‘ચાલને જીવી લઇએ’ ને બહોળી લોકચાહના મળી છે જેના કારણે સફળતાપૂર્વક પ૦ એપીસોડ સુધી પહોચ્યા છીએ .
લોકોના પ્રતિભાવોથી ‘ચાલને જીવી લઇ’ એક હજાર એપીસોડ કરતા પણ વધુ આગળ ચાલશે. વિશ્ર્વ કુટુંબની ભાવથી કોરોનામાં મૃત્યુ પામેલા જીવોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનો વિચાર આવતા સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કર્યુ હતું. સાત દિવસની કથાનો પ્રસંગોને અમે રંગેચંગે ઉજવ્યા છે. પ્રીતભાઇના નાનકડા વિચારને આજે મોટી સફળતા મળી છે. અબતક પરિવાર પ્રીતભાઇ અને રાકેશભાઇનો આભારી છે. ભાગવત સપ્તાહને સફળ બનાવવા ઉમંગી સાઉન્ડ અને સાજીદાઓનો પણ આભાર માનીએ તેટલો ઓછો છે.
‘અબતક’ના વિશ્વ કલ્યાણનો ભાવ પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો છે: શાસ્ત્રી રાકેશ અદા
કથાના સાતમા દિવસે શાસ્ત્રી રાકેશ અદા (ભટ્ટજી)એ અબતકનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતુકે વિશ્ર્વ કલ્યાણાર્થે અબતક દ્વારા સ્ટુડિયોથી લાઈવ શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરાયું અને આ કથામાં મને કથા ગાવાનો અવસર આપ્યો તે બદલ હું અબતક પરિવારનો આભારી છું મારી મતી ગતિ અનુસાર મે કથાને ગાઈ છે. કથાનો ભાવ રજૂ કર્યો છે.
ભાગવતને કોઈ પરિપૂર્ણ ગાઈ ન શકે મોટામોટા વિદ્વાનો પણ એમ કહે છે કે ભગવાનની કથાતો અનંત છે. પરંતુ અબતક પરિવારનો જે ભાવ હતો વિશ્ર્વ કલ્યાણાર્થે તેને મે પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે. હું સતિષભાઈનો ખૂબ ખૂબ આભારી છઉં કથાના માધ્યમથી લાખો લોકોએ ઘેર બેઠા કપરા કાળમાં મને સાંભળ્યો.
ઓનલાઇન વિધિવત સપ્તાહના ‘અબતક’ના પ્રસંગને મુખ્યમંત્રીએ પણ બિરદાવ્યો: રાજુભાઇ ધ્રુવ
અબતક સ્ટુડીયોથી લાઇવ શ્રીમદ્દ ભાગવત સપ્તાહના પુર્ણાહુતિ પ્રસંગે રાજુભાઇ ધ્રુવએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી વચ્ચે સર્વ પિતૃના મોક્ષાર્થે સતીષભાઇ મહેતા દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કર્યુ તે અભિનંદનને પાત્ર છે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ આ પ્રસંગે સતીષભાઇની કામગીરી બિરદાવી અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું કે જયારે પણ રાજકોટ આવવાનું થશે ત્યારે હું રૂબરૂ સતીષભાઇને અભિનંદન આપવા આવીશ. વિશ્ર્વ કલ્યાણાર્થે ભાગવત સપ્તાહનું આયોજન અભિનંદનને પાત્ર છે. તેમ રાજુભાઇએ જણાવ્યું હતું કોરોનાના કપરા કાળમાં આવો વિચાર આવવો એ પરમ સદભાગ્યની એક નિશાની છે. ઓનલાઇન વિધિવત સપ્તાહનું આયોજન માત્ર ‘અબતક પરિવાર’માં શકય છે. અજાણી આત્માઓને મોક્ષ અપાવવાનો વિચાર આવે તો હું તો એમ જ કહીશ કે સતીષભાઇ જૈન હોવા છતાં સવાયા વૈષ્ણવ છે સાત પેઢીના પુણ્ય કાર્યો હોય તો જ આવા ભગીરથ કાર્ય સફળ થાય ભાગવત સપ્તાહ ભાગ્ય શાળી લોકો જ બેસાડી શકે.