- રાજકોટમાં 8 ઇંચ, ધ્રોલ, જોડીયા, કોટડા સાંગાણીમાં 5 ઇંચ, મુંદ્રા, જામનગરમાં 4 ઇંચ, લખપત, માંડવી, અબડાસા, માળીયા મિયાણા, ટંકારામાં 3 ઇંચ, થાનગઢ, રાપર,
- ચુડા, ગોંડલ, કાલાવડ, ગીર ગઢડા, ઉના, ખાંભા, વલ્લભીપુર અને રાણપુરમાં 2 ઇંચ વરસાદ: સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસી રહ્યો છે વરસાદ
એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં ગત મધ રાતથી એકધારો વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રીકાર વર્ષા થવા પામી છે. આજે સવારથી કચ્છ, રાજકોટ, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આજે પણ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ત્રણ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીના કારણે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીમાં આજની પરીક્ષા પણ રદ્ કરી દેવામાં આવી છે.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 245 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રીકાર મેઘ મહેર જોવા મળી છે. ખેડૂતોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. હજુ 15મી જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
કચ્છ જિલ્લાના મુંદ્રામાં છેલ્લા 24 કલાક દરમિયાન 4 ઇંચ, માંડવી અને લખપતમાં 3 ઇંચ, અબડાસામાં અઢી ઇંચ, રાપરમાં અઢી ઇંચ, રાપરમાં અઢી ઇંચ, ભચાઉમાં એક ઇંચ, ભૂજ, ગાંધીધામ અને નખત્રાણામાં અડધો-અધડો ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા પંથકમાં અઢી ઇંચ, થાનગઢમાં અઢી ઇંચ, ચોટીલા, ધ્રાગધ્રા અને સાયલામાં દોઢ ઇંચ, મૂળી અને દસાડામાં એક ઇંચ અને લીંબડીમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી છે.
રાજકોટ જિલ્લામાં ગત મધરાતથી મેઘાના મંડાણ થયા છે. રાજકોટ શહેરમાં સુપડાધારે 8 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જ્યારે કોટડા સાંગાણીમાં 5 ઇંચ, લોધિકામાં 4 ઇંચ, ગોંડલમાં અઢી ઇંચ, ધોરાજી, જામ કંડોરણા, ધોરાજી, જેતપુર, પડધરી, ઉપલેટા અને વિંછીયામાં અડધાથી પોણો ઇંચ વરસાદ વરસી ગયો છે.
મોરબી જિલ્લાના માળીયા મિયાણામાં 3 ઇંચ, ટંકારામાં 3 ઇંચ, વાંકાનેર, મોરબી અને હળવદમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હોવાનું નોંધાઇ છે. જામનગર જિલ્લામાં પણ બારે મેઘ ખાંગા થયા હોય તેમ અડધાથી પાંચ ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. જોડીયા પંથકમાં પાંચ ઇંચ, ધ્રોલમાં પાંચ ઇંચ, જામનગર શહેરમાં ચાર ઇંચ, કાલાવડમાં અઢી ઇંચ, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજાએ હળવું હેત વરસાવ્યું હતું. ખંભાળીયામાં દોઢ ઇંચ, દ્વારકામાં પોણો ઇંચ વરસાવ પડ્યો હતો. જ્યારે પોરબંદર જિલ્લામાં સામાન્ય ઝાપટા પડ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ભેંસાણમાં દોઢ ઇંચ, વિસાવદરમાં દોઢ ઇંચ, માળીયા હાટીનામાં એક ઇંચ અને જૂનાગઢ શહેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડા પંથકમાં અઢી ઇંચ, ઉનામાં બે ઇંચ, કોડિનાર અને સુત્રાપાડામાં દોઢ ઇંચ જ્યારે વેરાવળમાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો.
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી હતી. ખાંભા અને રાજુલામાં બે ઇંચ, બાબરા, બગસરા, લીલીયામાં દોઢ ઇંચ, ધારી, જાફરાબાદ અને લાઠીમાં એક ઇંચ, અમરેલીમાં એક ઇંચ અને સાવરકુંડલામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લામાં પણ શ્રીકાર વર્ષા થવા પામી છે. વલ્લભીપુરમાં બે ઇંચ, ભાવનગરમાં દોઢ ઇંચ, સિંહોર, પાલીતાણા અને ઉંમરાડામાં એક ઇંચ, મહુવા, જેસર, તળાજામાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે બોટાદ જિલ્લામાં રાણપુર અને ગઢડામાં બે ઇંચ, બરવાડામાં દોઢ ઇંચ અને બોટાદમાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રમાં મૌસમનો કુલ 43.75 ટકા વરસાદ વરસી ગયો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 39 તાલુકાઓમાં સવારથી વરસાદ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે શ્રીકાર વર્ષા થવા પામી હતી. દરમિયાન આજે સવારથી 39 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ બે ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. સવારે 6 થી 8 સુધીના બે કલાકના સમયગાળામાં કચ્છના અંજારમાં અનરાધાર અઢી ઇંચ અને રાજકોટમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નખત્રાણામાં દોઢ ઇંચ, ઉંમરાડામાં દોઢ ઇંચ, ગાંધીધામમાં સવા ઇંચ, મોરબી, કાલાવડમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ધ્રોલ, બાબરા, ખંભાળીયા, જેતપુર, કોટડા સાંગાણી, ધોરાજી, પાલીતાણા, મુંદ્રા, સિંહોર, જામનગર, ઉપલેટા, માંડવી, અબડાસા, તળાજા, ભાવનગર, વલ્લભીપુર, ઘોઘા, ગોંડલ, દ્વારકા, લોધિકા, જામ કંડોરણા, લાઠી, અમરેલી, રાણપુર સહિત 39 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.