જામનગરમાં ૭ ઈંચ, જોડીયામાં ૬ ઈંચ, કચ્છના માંડવીમાં ૫॥ ઈંચ, ખંભાળિયામાં ૪॥ ઈંચ, ધ્રોલમાં ૪ ઈંચ વરસાદ સવારી ભાવનગર, જૂનાગઢ, અમરેલી, મોરબી, રાજકોટ, બોટાદ અને કચ્છમાં અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ
સોમવારે સૌરાષ્ટ્રમાં હેત વરસાવ્યા બાદ મંગળવારે મધરાતે મેઘો કચ્છ પર વરસી પડયો: રાપર સિવાયના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ
લાંબા ઈંતઝાર બાદ અષાઢના અંતિમ દિવસોમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં અનરાધાર હેત વરસાવવાનું શરૂ કર્યું છે. સોમવારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ પડયા બાદ મંગળવારે મધરાતે મેઘો કચ્છ પર ઓળધોળ થયો હતો. રાપર સીવાયના મોટાભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રીકાર ૧ થી ૭ ઈંચ વરસાદ વરસી જતાં લોકોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. આજે સવારી સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના તમામ ૩૩ જિલ્લાના ૨૧૬ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.
કચ્છ: ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં પડયો હોવાનું નોંધાયું છે. સોમવારે મધરાતે સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાએ અનરાધાર હેત વરસાવ્યા બાદ મંગળવારે મધરાતે કચ્છમાં મેઘો ઓળધોળ થયો હતો અને કચ્છમાં ૧ ઈંચી લઈ ૫॥ ઈંચ સુધી વરસાદ પડયો હતો. અબડાસામાં ૭૯ મીમી, અંજારમાં ૭૪ મીમી, ભચાઉમાં ૧૮ મીમી, ભુજમાં ૩૫ મીમી, ગાંધીધામમાં ૨૩ મીમી, લખપતમાં ૬૬ મીમી, માંડવીમાં ૧૩૭ મીમી, મુંદ્રામાં ૮૪ મીમી અને નખત્રાણામાં ૬૨ મીમી વરસાદ પડયો હતો. રાપરમાં એક ટીપુ પાણી ન પડતા લોકો ભારે નિરાશ થઈ ગયા હતા.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં પણ મંગળવારે મેઘાએ હળવું હેત વરસાવ્યું હતું. ચુડા તાલુકામાં ૨૬ મીમી, દસાડામાં ૫ મીમી, લખતરમાં ૪ મીમી, લીંબડીમાં ૨ મીમી, મુળીમાં ૧૧ મીમી, સાયલામાં ૨ મીમી અને વઢવાણમાં ૫ મીમી જેટલો વરસાદ પડટો હોવાનું નોંધાયું છે. અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં મોસમનો કુલ ૩૦.૯૨ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.
રાજકોટ: સોમવારે રાત્રે રાજકોટ શહેર સહિત જિલ્લામાં અનરાધાર વરસાદ પડયા બાદ મંગળવારે દિવસભર ધીમીધારે વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતું. જિલ્લાના ધોરાજીમાં ૨૪ મીમી, ગોંડલમાં ૧૦ મીમી, જામકંડોરણામાં ૮ મીમી, જસદણમાં ૩ મીમી, જેતપુરમાં ૧૦ મીમી, કોટડા સાંગાણીમાં ૨૦ મીમી, લોધીકામાં ૧૯ મીમી, પડધરીમાં ૧૫ મીમી, રાજકોટમાં ૭ મીમી, ઉપલેટામાં ૧૯ મીમી અને વિંછીયામાં ૩ મીમી વરસાદ પડયો હતો. આજે સવારી શહેરમાં વાદળછાંયુ વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડી રહ્યો છે.
જામનગર: જામનગર જિલ્લામાં મંગળવારે સૌથી વધુ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જામનગર શહેરમાં ૧૭૩ મીમી એટલે કે ૭ ઈંચ જેટલો વરસાદ વરસી જતા ઝળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી છે.
આ ઉપરાંત જિલ્લાના ધ્રોલમાં ૧૦૯ મીમી, જોડીયામાં ૧૪૬ મીમી, જામજોધપુરમાં ૨૦ મીમી, લાલપુરમાં ૧૪ મીમી, કાલાવડમાં ૧૧ મીમી વરસાદ પડયો હતો. આ સો જામનગર જિલ્લામાં ચોમાસાની સીઝનનો ૪૧.૮૦ ટકા વરસાદ વરસી ગયો છે.
દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન હળવા ઝાપટાથી લઈ ૪॥ ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ભાણવડમાં ૧૨ મીમી, દ્વારકામાં ૪૯ મીમી, કલ્યાણપુરમાં ૬ મીમી અને ખંભાળીયામાં ૧૧૬ મીમી વરસાદ પડયો છે.
પોરબંદર: પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં વરસાદ પડયો છે. જેમાં કુતિયાણામાં ૩૨ મીમી, પોરબંદરમાં ૬૬ મીમી અને રાણાવાવમાં ૩૩ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રીક વરસાદ પડયો છે. જેમાં ભેંસાણમાં ૫૩ મીમી, જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૨૭ મીમી, કેશોદમાં ૩૩ મીમી, માળીયામાં ૨૫ મીમી, માણાવદરમાં ૧૭ મીમી, માંગરોળમાં ૫૭ મીમી, મેંદરડામાં ૨૫ મીમી, વંલીમાં ૨૭ મીમી, વિસાવદરમાં ૫૬ મીમી વરસાદ પડયો છે.
ગીર–સોમનાથ: ગીર-સોમના જિલ્લામાં ગીર ગઢડાને બાદ કરતા તમામ તાલુકામાં વરસાદ પડયો છે. જેમાં કોડીનારમાં ૩૪ મીમી, સુત્રાપાડામાં ૫૨ મીમી, તાલાલામાં ૨૮, ઉનામાં ૧૯ મીમી અને વેરાવળમાં ૩૮ મીમી વરસાદ પડયો છે.
અમરેલી: અમરેલી જિલ્લામાં પણ હળવા ઝાપટાથી લઈ ૧ ઈંચ સુધી વરસાદ પડયો છે. જેમાં અમરેલી શહેરમાં ૭ મીમી, બગરાસામાં ૨૮ મીમી, ધારીમાં ૨૩ મીમી, જાફરાબાદમાં ૧૧, મીમી, લાઠીમાં ૫ મીમી, લીલીયામાં ૧૧ મીમી અને સાવરકુંડલામાં ૪ મીમી વરસાદ પડયો છે.
ભાવનગર/બોટાદ: ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ ગઈકાલે હળવો વરસાદ પડયો હતો જેમાં ભાવનગર જિલ્લાના મહુવામાં ૧૭ મીમી, ગારીયાધારમાં ૧૫ મીમી, ભાવનગરમાં ૧૩ મીમી, તળાજામાં ૯ મીમી, ઘોઘામાં ૮ મીમી, સિંહોરમાં ૫ મીમી, જેસરમાં ૨ મીમી જયારે બોટાદ જિલ્લાના રાણપુરમાં ૭ મીમી, બોટાદમાં ૩ મીમી અને ગઢડામાં ૨ મીમી વરસાદ પડયો છે.
આજે સવારી રાજ્યના ૭૦ જિલ્લાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના જુદા જુદા વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે.