શ્રેષ્ઠ ખેલૈયાઓ અને શ્રેષ્ઠ વેશભુષા માટે લાખેણા ગૌસત્વ ઈનામોની વણઝાર: સમગ્ર કાર્યક્રમનાં આયોજનને લઈ આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી
આપણી ભારતીય સંસ્કૃતિમાં રાસ અને શ્રીકૃષ્ણ અન્યોન્ય સાથે વણાયેલા છે અને તેની સાથે આપણે ગાયને પણ માતા માની પુજનીય દરજજો આપ્યો છે. આમ પણ ભગવાન શ્રીકૃષ્ણને રાસની સાથે સાથે ગાય પણ અતિપ્રિય હતી. વર્તમાન સમયમાં ગાયનું મહત્વ ભુલાઈ રહ્યું છે અને ગૌસત્વને પણ ભુલી રહ્યા છીએ ત્યારે શ્રીજી ગૌશાળા-ન્યારામાં ૧૮૫૦ થી વધુ ગૌમાતાઓ રાજમાતાના ઠાઠથી રહે છે. આ ગૌશાળા દ્વારા રવિવારે શરદ રાસોત્સવનું આયોજન કરાયું છે. આ સમગ્ર આયોજન અને ગૌસત્વ અંગેની માહિતી આપવા ગૌપ્રેમી પ્રભુદાસભાઈ તન્ના, રમેશભાઈ ઠકકર, જયંતિભાઈ નગદીયા, વિનુભાઈ ડેલાવાળા, ભુપેન્દ્રભાઈ છાટબારે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી. રવિવારે યોજાનાર આ રાસોત્સવમાં સૌ ખેલૈયાઓને જુનાગઢનાં સુપ્રસિઘ્ધ લોકગાયક રાજુ ભટ્ટ અને નીરૂ દવે તથા અવધ ભટ્ટ અને સાથીવૃંદનાં તાલે ગૌમાતાનાં આંગણે રાસ રમવા જાહેર નિમંત્રણ કરાયું છે. આ રાસોત્સવમાં વિવિધ વયજુથનાં ખેલૈયાઓમાં બાળકો (૫ થી ૧૫ વર્ષ), યુવાનો (૧૬ થી ૪૦ વર્ષ), પ્રૌઢ (૪૦ વર્ષથી ઉપર) એમ ત્રણેય જુથનાં ૩-૩ મેલ-ફીમેલ શ્રેષ્ઠ ખેલૈયાઓ તેમજ ૨-૨ શ્રેષ્ઠ વેશભુષાનાં વિજેતાઓને ગૌસત્વ પ્રોડકટોની કીટનાં લાખેણા ઈનામો અપાશે.
આ રાસોત્સવમાં રમવા ઈચ્છુક વિજેતા ખેલૈયાઓ માટે કાઠીયાવાડી વેશભુષા અનિવાર્ય રહેશે. જેથી દરેક ખેલૈયાઓ ટ્રેડીશનલ વેશભુષામાં સજજ થઈને આવે એવું આયોજન કરાયું છે. આ રાસોત્સવમાં ૮ થી ૧૦ હજાર ખેલૈયાઓ રમઝટ બોલાવશે. શ્રીજી ગૌશાળા અનેકો પ્રકારની નિત્ય ઉપયોગી અને ગૌઔષધીયુકત ગૌ પ્રોડકટોનાં નિર્માણ અને વિતરણ દ્વારા સમાજને એક નવી રાહ ચિંધવા સાથો સાથ આખા વર્ષ દરમ્યાન અનેકો ભારતીય ધાર્મિક અને સામાજીક ઉત્સવોની ગૌશાળાને આંગણે ઉજવણી કરી હજારો ગૌપ્રેમીઓને ગૌશાળા સુધી આવવાનાં પ્રેરણા સાથે ગાય સાથે જોડવાનો ભગીરથ કાર્ય કરી રહી છે. રવિવાર શરદપૂર્ણિમા ઉત્સવ સંસ્થાની ઉત્સવી પરંપરાનું જ એક નવું છોગુ છે. જેમાં ગૌપ્રેમી ખેલૈયાઓથી ગૌશાળાનું પ્રાંગણ છલકાવી દઈ ગૌમાતાના ચોકમાં રાસની રમઝટ બોલાવવા શહેરભરનાં ખેલૈયાઓને જાહેર નિમંત્રણ કરવામાં આવ્યું છે. વળી સંસ્થાની વર્ષોની પરીપાટી પ્રમાણે પ્રત્યેક તહેવાર ઉત્સવ ગૌપ્રેમી સમાજને મહાપ્રસાદ (ભોજન) રસ સાથે મનાવવાની વ્યવસ્થાનુસાર ઉપરોકત કાર્યક્રમ ઉપરાંત પણ તમામ શ્રોતાઓ તેમજ ખેલૈયા પરિવાર માટે વિશેષ ભોજન વ્યવસ્થા આયોજીત કરાઈ છે.