તા.૨૩ થી ૨૬ દરમિયાન ડાયરો, હસાયરો, કૃષ્ણ જન્મોત્સવ, ભકિત સંઘ્યા અને જુના ફિલ્મોનાં યાદગાર ગીતો જનતાને ડોલાવશે: ફુડ ઝોનમાં ટોકનદરે ભાવતા ભોજનીયા: બાળકો માટે ચકડોળ, વિવિધ રાઈડસ, લપસીયાની મોજ
રાજકોટ-જામનગર હાઈવે, નવા ક્રિકેટ સ્ટેડીયમ સામે આવેલી શ્રીજી ગૌશાળા એના વિશાળ અને મોકળુ ફલક સાથે ઝાડપાન, ફુલ, બાગબગીચાની હરિયાળી સાથે ગૌમાતાનાં દિવ્ય સાનિઘ્ય સહિતની છટા માટે સૌનું માનીતું સ્થળ બની રહે છે. સર્વપ્રિય ગૌતીર્થમાં આગામી જન્માષ્ટમી તહેવારોમાં તા.૨૩ને શુક્રવાર-સાતમથી તા.૨૬ને સોમવાર દશમ સુધીનાં સળંગ-૪ દિવસનાં રંગારંગ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એ અનુસાર તા.૨૩ને શુક્રવારે સાંજે ૬:૩૦ વાગ્યાથી ડાયરો-હસાયરો સૌરાષ્ટ્રનાં સુપ્રસિઘ્ધ લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયા દ્વારા હાસ્યરસભર્યા વ્યંગબાણો સાથે તળપદી શૈલીમાં લોકવાર્તાઓ અને લોકગીતો માણવાનો અનેરો અવસર.
તા.૨૪ને શનિવાર જન્માષ્ટમી મહોત્સવ હોયને સાંજે ૭ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી જન્મોત્સવ સહિત મેરાથોન કાર્યક્રમ. જેમાં મુખડાની માયા લાગી રે મોહન પ્યારા શીર્ષક અંતર્ગત જુનાગઢનાં સુપ્રસિઘ્ધ લોકગાયક રાજુ ભટ્ટ, ની દવે અને અવધ ભટ્ટ તથા સાથી વૃંદ દ્વારા પ્રાચીન ભકત કવિઓ સુરદાસજી, મીરાબાઈ, નરસિંહ મહેતા, દયારામભાઈ જેવા ભકત મહાનુભાવો સહિત અર્વાચીન કવિઓ રમેશ પારેખ, કવિ દાદ બાપુ, કવિ કાગ બાપુ અને નાઝીર દખૈયા જેવા ગુજરાતી કવિ મહાનુભાવ ભકતોની શબ્દ દ્રષ્ટિએ શ્રીકૃષ્ણને માણવા, સમજવાનો એક ભકિતપદો ભર્યો મેરેથોન કાર્યક્રમ સાથે રાસની રમઝટ, કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડ જેવા કાર્યક્રમો. તા.૨૫ને રવિવાર નોમનાં રોજ સાંજે ૬:૩૦થી ગીતો ભરી શામ: નિજાનંદ માટે સંગીતને આત્મસાદ કરી મધુર ગીતોની માળા રચતા એસ.બી.આઈ પરિવારનાં સ્વરમાણીગરો હિમાંશુભાઈ વૈદ્ય, અંજારીયાભાઈ અને કચ્છીભાઈ જેવા પીઢ કલાકારો સાથે નાની પણ કોયલ એવી કુમારી સોહીની મીર દ્વારા જુની ફિલ્મોનાં અછુતા ગીતોનો મધુર ખજાનો માણીયે.
તા.૨૬ને સોમવાર દશમનાં દિવસે સાંજે ૬:૩૦ થી ફિલ્મી સંગીત સંઘ્યા-વ્યવસાયીક વ્યસ્તતા વચ્ચે હૈયામાં સંગીતને જીવંત રાખનાર ઓમ ઓરકેસ્ટ્રાનાં સ્વર કસ્બીઓ હિમાંશુભાઈ કકૈયા (કિશોર), ધનંજય વ્યાસ (રફી), ધારવી દાવડા (આશા/ લતા), ધર્મેશ કુંડલીયા (મલ્ટીપલ), દિવ્યા બુઘ્ધદેવ (વર્સેટાઈલ) અને વૃંદ સજાવશે જુની ફિલ્મોનાં યાદગાર ગીતોની મહેફીલ. આમ ચાર દિવસનાં રંગારંગ કાર્યક્રમો સાથે આ વર્ષે પણ ફુડ ઝોનમાં સૌને ભાવતા શ્રાવણીયા વ્યંજનો માત્ર ા.૩૦નાં ટોકનદરે લાઈવ જમવાની અનેરી વ્યવસ્થા ગૌશાળા પરીસરમાં કરવામાં આવી છે. સાથે સાથે આપના બાળકો માટે જુદી-જુદી પ્રકારની ચકડોળો, લપસીયા જેવી વિવિધ રાઈડોની પણ વધારાની મોજ. વધુ માહિતી માટે પ્રભુદાસભાઈ તન્ના મો.નં.૯૮૨૫૪ ૧૮૯૦૦નો સંપર્ક કરવો. કાર્યક્રમોની સફળતા માટે ગૌપ્રેમીઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.