આપણા વર્તમાન સમાજની હાલત હુબહુ આવી છે: કોરોનાગ્રસ્ત સંજોગો વચ્ચે એક બાજુ લોકડાઉનની અનિવાર્યતા છે, તો બીજી બાજુ સામાન્ય પ્રજા માટે ભૂખે મરવા જેવી હાલત પ્રવર્તે છે, કરોડો લોકો એવી અસહાયતાનો ભોગ બન્યા છે કે, તે અર્ધુંપર્ધુંય ખાવાનું પામતા, નથી અને અંગ ઢાંકવા જેટલા વસ્ત્રો પામતા નથી એમની વહારે ચઢવા પરગજુ અને પરમાર્થી કુટુંબો તત્પર બની રહ્યા છે, પણ અહીંતો આખુ આભ ફાટયું હોય એવી કલ્પનાતીત સ્થિતિ છે. ફાટેલા આભને થીંગડા મારવા જેવી સ્થિતિમાં પણ ભગવાને નિમેલા પ્રતિનિધિઓ હોય એવી લગની સાથે ઠેકઠેકાણે ખવડાવવા-પીવડાવવાનાં રસોડા ખૂલી ચૂકયા છે, જયાં હજારો રોટલીઓ, હજારો ફૂડપેકેટ, બૂંદી-ગાંઠિયાની વ્યાપક લ્હાણ, સેંકડો કીલો ખીચડી અને તે પણ અવિરત તેમજ માનવસેવા એજ પ્રભુસેવા’નો મંત્ર વિશ્ર્વની માનવજાતને આપનાર સંત શિરોમણી પૂ. શ્રી જગદીશબાપુ (ઉદાસી આશ્રમ) પાટડી, શ્રી રણછોડદાસજી બાપુ તથા અન્ય ગૂરૂવર્યોનો ડંકો હોય તેમ વિવિધ જીવન જરૂરી સહાયનો ધોધમાર વરસાદ જેવો પ્રવાહ વહેતો રહ્યો છે.
આમ છતાં રાજકોટના મહિલા એડવોકેટ અને અખિલ હિન્દ મહિલા સમાજના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન જોશીપૂરા-ડો. કમલેશ જોશીપૂરા સહિત માનવ સમાજના શ્રેષ્ઠીઓએ તેમના જાત અનુભવના આધારે એવો વ્યથાગ્રસ્ત મત દર્શાવ્યો છે કે, માનવસેવા માટે અને ભૂખ્યા દુ:ખ્યાઓને પેટ પૂરતા ભોજનની અત્યારે જે જંગી અને વ્યાપક કામગીરી થઈ રહી છે તે પણ ઓછી જ રહે છે અને પાશેરામાં પહેલી પૂર્ણી જેટલી જ ગરજ સારે છે.
સરકાર કે અન્ય સત્તાધીશો રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આવા અસહાય લોકોને સહાય કરવાની ખેવના ધરાવતા હોવા છતાં અને લોકોની હાલાકી અર્ધોઅર્ધ જેમની તેમ રહેતી હોવાથી તેમણે પૂરેપૂરા સરકારી રાહે જ સમગ્ર સમાજને આંબી લે એ રીતે ભોજનનાં એટલે કે ખવડાવવા-પીવડાવવાના વિશાળ ફ્રી રસોડા ખૂલ્લા મૂકવા જોઈએ અને તેની વિલંબ વિના જાહેરાત કરી દેવી જોઈએ.
જરૂર પડે તો સત્તાવાળાઓએ આને લગતી બધી જ કામગીરી આવી કામગીરીને સમર્પિત સંસ્થાઓને તેમજ સમર્પિત લોકોના મંડળોને સોંપી દેવી જોઈએ અને એના ઉપર ‘સુપરવિઝન’ અર્થે લોકોની સાથે ઓતપ્રોત રહેતી હોય એવી વ્યકિતને નિમી દેવી જોઈએ. શ્રીમતી ભાવનાબેન ઓલ ઈન્ડીઆ વિમેન્સ ફેડરેશનના વડા તરીકે સેવા આપે છે એ જોતાં એમનાં સૂચનમાં વજૂન હોય જ, આ ઉપરાંતઅન્ય સામાન્ય સંસ્થાઓ અને સુયોગ્ય નગરજનોમાંથી કશાજ પક્ષપાત વિના પસંદ કરી શકાય.
રાજકોટ-સૌરાષ્ટ્રમાં આવી સંસ્થાઓ તથા સેવાપ્રિય અગ્રણીઓની ખોટ નથી આ બધુ જોતા એ આ સૂચનના ઉપલક્ષ્યમાં સારૂ અને સાચું વ્યાપક પ્લાનીંગ થાય અને તે સારા અને સાચા સેવાર્થીઓનાં અમલી બને તથા સંચલિત રહે તે જોવાનું રહેશે.
અત્યારે હજારો અસહાય લોકોને ભોજનની સહાયનો મહાયજ્ઞ આપણે ત્યાં ચાલી રહ્યો છે. અને તે ઈન્દ્રનો કે પ્રજાપ્રિય સરકારનો બની રહે એ કોરોના વાયરસ સંપૂર્ણ પણે મ્હાત બન્યા બાદ આપણા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નવા મનુષ્યોનો એક નવો જ સમાજનાં નિર્માણની ગરજ સારશે અને માનવજાતને એક નવા ઉજાસનું દર્શન કરાવશે, એમ કહી શકાય તેમ છે.
‘અબતક’ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નવી ભાતના મનુષ્યોનો એક નવો જ સ્વર્ણિમ સમાજ અસ્તિત્વમાં આવે, એ નવો ઉજાસ લાવે અને કોરોના પછી વહેલી તકે બધું જ સારી રીતે થાળે પડી જાય, અને નવા જ પ્રભાતનો સૂર્યોદય ઉઘડે, એવી પ્રાર્થના ભીની ભાવના વ્યકત કરે છે.