સુપ્રસિઘ્ધ ગાયક નિધિબેન ધોળકીયા અને કેયુરભાઇ સંગીતવૃંદે કર્ણ પ્રિય સંગીત દ્વારા હજારો શ્રોતાઓને ડોલાવ્યા
વિશ્ર્વનું સૌથી મોટુ લોહાણા મહાજન અને અઢી લાખ જેટલા રઘુવંશીઓની માતૃ સંસ્થા રાજકોટ લોહાણા મહાજન દ્વારા શ્રીરામનગરી ચૌધરી હાઇસ્કુલ મેદાન રાજકોટ ખાતે તા. ર9 મે ર 0ર ર સુધી શ્રી રામકથાનું આયોજન દરરોજ સાંજે 4.30 થી 8.30 દરમ્યાન કરવામાં આવ્યું છે. શ્રી રામકથાના ત્રીજા દિવસે શ્રોતાઓ તથા ભાવિકો ઉમટી પડયા હતા અને કથાના ડોમમાં તથા પ્રસાદ ઘર જયાં પણ નજર પહોંચે તથા શ્રીરામ ભકતોનો મેળવડો જોવા મળતો હતો.
કયાંય પગ મૂકવાની જગ્યા ન હતી છતાં પણ હાજર રહેલ સૌ ભાવિકો ખુબ જ શાંતિથી અને શિસ્તબઘ્ધ રીતે શ્રી રામ ભગવાનની ભકિતમાં તલ્લીન બન્યા હતા. શ્રી રામકથાના મુખ્ય વકતા પૂ. ભુપેન્દ્રભાઇ પંડયાની અમૃતવાણીએ સો કોઇને છેલ્લે સુધી જકડી રાખ્યા હતા અને ભાવિકો શ્રોતાઓ પુ. ભુપેન્દ્રભાઇ પંડયાની અમૃતવાણીનો છેક સુધી લાભ લીધો હતો.
રાજકોટ લોહાણા મહાજનના બંધારણીય સલાહકાર, આરસીસી બેંકના સીઇઓ કાયદે આઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા એ પણ રામકથાનો ભાવપૂર્વક લ્હાવો લીધો હતો.
રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રી રામકથાનું આયોજન થયું હોય ત્યારે રાજકોટ ના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ કોર્પોરેટરો તથા ગામે ગામથી રઘુવંશી શ્રેષ્ઠીઓ અને મહાજન અગ્રણીઓ શ્રી રામકથાનું શ્રવણ કરવા પધાર્યા હતા. અને કથા વિરામ બાદ પવિત્ર આરતી કરવાનો લ્હાવો પણ લીધો હતો. શ્રી રામ નામ સાથે જ્ઞાતિ એકતાનો અદભુત નઝારો જોવા મળી રહ્યો હતો.
રામકથાનું શ્રવણ કરવા ચોટીલા ખાતેના ચામુંંડા માતાજી મંદિરનાં મહંત મહેશગીરીબાપુ પધર્યા હતા. અને તેઓએ લોહાણા મહાજનની સમગ્ર ટીમને અભિનંદન સાથે આશીર્વાદ પણ પાઠવ્યા હતા. સાથે સાથે અમરધામ ગૌશાળા આટકોટનાથી ભોલેબાબા પણ પધાર્યા હતા.
જામનગર લોહાણા મહાજનના ખજાનચી અરવિંદભાઇ પાબારુ, ડી.એમ.એલ. ગ્રુપ રાજકોટના ચેરમેન હરીશભાઇ લાખાણી રાજકોટ શહેરના કોર્પોરેટરો જૈમીનભાઇ ઠાકર, મનીષભાઇ રાડીયા, દેવાંગભાઇ માંકડ, હેમલભાઇ ચોટાઇ પરિવાર સહીતના મહાનુભાવો રામકથાનું રસપાન કર્યુ હતું. રામ જન્મોત્સવ પછી રામની બાળપણ અને અભ્યાસની કથાની સાથે સાથે સીતા સાથેની સ્વયવરનું ખુબ જ ઉડાણપૂર્વક વાત કરી અને તે પરિસ્થિતિનો સાક્ષાત્કાર કરાવીયો હતો.
કથા વિરામ અને પ્રસાદ બાદ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુપ્રસિઘ્ધ ગાયક નિધિબેન ધોળકીયા અને કેયુરભાઇ સંગીત વૃંદે ભારે જમાવટ કરી હતી. કર્ણપ્રિય સંગીત દ્વારા ધાર્મિક ભજનો અને અને જાણીતી કૃતિઓએ હાજર રહેલ હજારો શ્રોતાઓને ડોલાવીયા હતા. કાર્યક્રમ દરમ્યાન રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારુ કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ મંત્રી રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ખખ્ખર, રામકથાના મુખ્ય દાતા પરિવાર સતિશભાઇ જયંતિભાઇ કુંડલીયા હાજર રહ્યા હતા સૌ ભકતો હાજર રહી રાસ ગરબાની રમઝટ માણી હતી.