સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સ-રાજકોટના ઉપક્રમે ગ્રામીણ વિદ્યાર્થીઓમાં સદ્વાચનની સુટેવનું ઘડતર કરવા માટે વાચન શિબિરોનું આયોજન કરવામાં આવે છે જેના ઉપક્રમે સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સ સંલગ્ન બક્ષીપંચ આશ્રમ શાળા, નાવામાં ૧૨૯મી વાચનશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીની યાદમાં આ શિબિરને મહાત્મા ગાંધીજી વાચન શિબિર એવું નામાભિધાન કરવામાં આવેલ હતું.
આ વાચનશિબિરમાં મહાત્મા ગાંધીજીના પુસ્તકો તથા બાળકોની વય અને કક્ષા મુજબના વિવિધ વિષયના ૪૫૦ પુસ્તકો, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના ૮૦ સામાયિકો, ૨૦ હસ્તલિર્ખિત અંકો, ઉષાબેન જાની અમૃત મહોત્સવ અન્વયે પ્રકાશિત થયેલ ૭૫ પુસ્તિકા, ભગવદગોમંડલ, શબ્દકોષ અને વિશ્ર્વકોષ તથા મહાન સાહિત્યકારોના ૬૦ ફોટાનું પ્રદર્શન તેમજ વન્ય પ્રાણીઓ તેમજ પક્ષીઓની સી.ડી. વગેરે રાખવામાં આવેલ હતું. આ ઉપરાંત ગાંધીજીના ગીતોનું ગાન પણ દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા રજુ કરવામાં આવેલ હતું.
શિબિરની ઉદઘાટન બેઠકમાં ગાંધીજીના જીવન અને કવનનો પરિચય દ્રશ્ય-શ્રાવ્ય સાધનો દ્વારા રજુ કરવામાં આવેલ. વાચનશિબિરનો હેતુ કિશનભાઈ ગોગદાણી દ્વારા આપવામાં આવેલ તેમજ શિબિરના બંને દિવસની કાર્યવાહીની માહિતી સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સના શિક્ષક કિરીટભાઈ શુકલે આપી હતી. જેમાં વાચનશિબિરનું મહત્વ તેમજ પુસ્તકોની દુનિયામાં રહેલું વૈવિઘ્ય, વિવિધ પ્રકારના સામાયિકોના પ્રકાર, મહાન વ્યકિતના ઘડતરમાં પુસ્તકોનો ફાળો વગેરેની માહિતી આપવામાં આવેલી હતી. બે દિવસની વાચનશિબિર દરમ્યાન શિબિરાર્થીઓ દ્વારા કુલ ૧૪૨ પુસ્તકોનું ઘનિષ્ઠ વાચન થયું.
વાંચન શિબિરમાં ભાગ લેનાર દરેક શિબિરાર્થીઓને શાળાના આચાર્ય તથા શિક્ષકગણના હસ્તે સમન્વય ગોષ્ઠિ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગાંધી સાહિત્યમાંથી વીણેલા શાળોપયોગી પાવન પ્રસંગોનું નાટય ‚પાંતર થયેલ ગાંધીજીની ગરિમા પુસ્તિકા તથા પ્રમાણપત્ર ભેટ આપવામાં આવ્યું હતું. આ વાચન શિબિરમાં બક્ષીપંચ આશ્રમ શાળા, નાવાના આચાર્ય ધી‚ભાઈ સરિયા તથા શિક્ષકગણે સતત બે દિવસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.