છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ ઉત્સવપ્રેમીઓને મુંઝવી દીધા છે. બે વર્ષ દરમ્યાન તમામ ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધો હતા. ત્યારે હવે કોરોના સંક્રમણ ઘટતા અને કેસો નહિવત થતા સરકારે ગણેશોત્સવને મંજૂરી આપતા લોકોના ચહેરા પર ખુશી આવી છે. સરકારે સાર્વજનિક ગણેશોત્સવને મંજૂરી આપતા પંડાલના આયોજકો, ભકતો આયોજનની તૈયારીમાં લાગી ગયા છે.
ગણેશોત્સવને મંજૂરી મળતા સૌ પ્રથમ તો મૂર્તિકારોને ધંધો નીકળ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી બેકાર રહેલા મૂર્તિકારોએ આ નિર્ણયથી હાશકારો અનુભવ્યો છે. શહેરનાં બાલભવનના પટાંગણમાં આજથી કારીગરોએ ગણપતિદાદાની મૂર્તિ બનાવવાના શ્રી ગણેશ કર્યા છે.
અન્ય રાજયમાંથી પાંચ જેટલા કારીગરો આવી પહોચ્યા છે. કારીગરોએ ઘાસ અને માટીમાંથી મૂર્તિ બનાવવાનો પ્રારંભ કર્યો છે. આ પટાંગણમાં તંબુ બાંધી મૂર્તિ બનાવવાની કામગીરી શરૂ કરી છે.
આ વર્ષે ટુંકી જગ્યા હોય જેથી સવા દોઢ ફૂટની મૂર્તિ બનશે મોટી મૂર્તિઓ બનાવવા માટે જગ્યા વધુ જોઈતી હોય છે. ગણેશોત્સવ બાદ દિવાળીએ દુર્ગાપૂજા માટેની મૂર્તિઓ પણ અહીં તૈયાર થાય છે.
મૂર્તિકારે જણાવ્યું હતુ કે આ વખતે માટીનો ભાવ વધતા મૂર્તિના ભાવ વધશે દર વર્ષે જૂન મહિનાથી મૂર્તિ બનાવવાનું શરૂ થતું હોય છે. પરંતુ આ વર્ષે તાજેતરમાં નિર્ણય આવતા આજથી મૂર્તિમાં પ્રાણ પૂરવાના શ્રી ગણેશ થયા છે.