અંદાજે ૫ હજારથી વધુ ઉદ્યોગો ધમધમતા થયા : વિવિધ ૧૧ એસો.ની ઓફિસોમાં નોડેલ ઓફિસર મુકાયા : બાંહેધરી પત્રક સ્વીકારીને તરત પાસ કાઢી આપવાની ગોઠવાઈ વ્યવસ્થા
રાજકોટ શહેરમાં આજથી ઉદ્યોગોના શ્રી ગણેશ થયા છે. શહેરી વિસ્તારમાં આજથી ૫૦૦૦થી વંધ્ય ઉદ્યોગો ધમધમતા થઈ ગયા છે. ઉદ્યોગકારોને કનડગત ન થાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા ૧૧ એસોસિએશનની ઓફિસોમાં નોડેલ ઓફિસરો મુકવામાં આવ્યા છે. જે બાહેંધરી પત્ર સ્વીકારીને તુરંત જ પાસની વ્યવસ્થા ગોઠવી દેશે. આમ જિલ્લામાં ઉદ્યોગકારોને જે સમસ્યાઓ ઉદભવી હતી તેને ધ્યાને લઈને શહેરી વિસ્તારમાં આ સમસ્યાઓ ફરી ન ઉદભવે તેવા આશય સાથે કલેકટર તંત્રએ પ્રક્રિયા ખૂબ સરળ કરી આપી છે.
રાજ્ય સરકાર તરફથી લીલીઝંડી મળ્યા બાદ રાજકોટ શહેરમાં આજથી ઉદ્યોગો શરૂ થઈ ગયા છે. ઉદ્યોગ ચાલુ કરવા માટે ઉદ્યોગકારોને કલેકટર કચેરીએ ધક્કા ખાવા ન પડે તે માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ચેમ્બર, મવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયા, અટીકા મશીન ટુલ્સ, સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરિયા, રાજકોટ એન્જીનીયરીંગ એસો., આજી જીઆઇડીસી, સંસ્કાર અને ભાગ્ય લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ, મીરા ઇન્ડસ્ટ્રીઝ એરિયા, કોઠારીયા-વાવડી- યોગી ઇન્ડસ્ટ્રીઝ, ગ્રેટર ચેમ્બર્સ અને મશીન ટુલ્સ મેન્યુ. એસો આમ ૧૧ એસોસિએશનની ઓફિસોમાં નોડેલ ઓફિસરોની નિમણૂક કરી છે. આ ઓફિસોમાં ગઈકાલથી જ ઉદ્યોગોને મંજૂરી આપવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
ઉદ્યોગોને મંજૂરી આપવાની પ્રક્રિયા ખુબ સરળ રાખવામાં આવી છે. જેમાં ઉદ્યોગોએ માત્ર બાહેંધરી પત્રક એસોસિએશનની ઓફિસે જમા કરાવવું પડશે. અને પોતાના કર્મચારીના પાસ મેળવવા માટે ફોર્મ ભરવુ પડશે. ઉદ્યોગ શરૂ કરવાની પરમિશન અને પાસ તુરંત જ અથવા તો બીજા દિવસે આપી દેવામાં આવશે.રાજકોટમાં અંદાજે ૫ હજારથી વધુ ઉદ્યોગો આજથી શરૂ થઈ ગયા છે. છેલ્લા દોઢ મહિનાથી ઉદ્યોગો બંધ હોય આજથી ઉદ્યોગો ધમધમતા થતા ઉદ્યોગકારોએ રાહત અનુભવી છે.
એસો.ના મેમ્બર ન હોય તેવા ઉદ્યોગોને પણ એસો.ની ઓફિસેથી જ મંજૂરી મળશે
જે ઉદ્યોગ કોઈ એસોસિએશનના મેમ્બર ન હોય તેવા ઉદ્યોગને પણ એસોસિએશનની ઓફીસેથી જ મંજૂરી મળશે. અને તેઓએ એક પણ રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહી. જો કોઈ એસોસિએશન મેમ્બર બનવાનું દબાણ કરે તો તુરંત જ કલેકટર તંત્ર અથવા રાજકોટ ચેમ્બરના નૌતમ બારસિયા મો.નં. ૯૮૭૯૫૪૯૫૫૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.