કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરી દીધાં છે. આજે બપોરે તેઓએ સુરતના મહુવામાં જંગી ચૂંટણી સભા સંબોધ્યા બાદ સાંજે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં જંગી ચૂંટણી સભા સંબોધી હતી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.
ભાજપના ગઢમાં રાહુલ ગાંધીની આ સભામાં ઇન્દ્રનીલ રાજગુરુએ સભામાં કહ્યુ હતું કે રાહુલજી બધા વચ્ચે માફી માંગુ છું કે હું ભટકીને આમ આદમી પાર્ટીમાં ગયો હતો. આમ આદમી પાર્ટી કટ્ટર રાષ્ટ્રવાદી નહીં કટ્ટર રાષ્ટ્ર્ર વિરોધી પાર્ટી છે ભાજપની બી ટીમ છે.
ત્યારબાદ અશોક ગેહલોતે સભામાં જણાવ્યું હતું કે હાઇકોર્ટ ના સિટિંગ જજ દ્વારા મોરબી દુર્ઘટનાની તપાસ થાય તે જરૂરી છે. વિવાદોને કારણે મુખ્યમંત્રી સહિત આખી સરકાર બદલવી પડી છે. ખોટા વાયદાઓ કરી આમ આદમી પાર્ટી ચૂંટણી બાદ ગાયબ થઈ જશે.
રાજકોટમાં રાહુલગાંધીએ સભા સંબોધતા કહ્યું હતું કે ભારત જોડો યાત્રા ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. કોંગ્રેસને યુવાનો, મજૂરો ,ખેડૂતો નો ગુજરાતમાં પ્રચંડ પ્રતિસાદ છે. ભારત જોડો યાત્રા ગુજરાતથી ન નીકળી તે બાબતનું દુઃખ છે. ગુજરાતમાં યુવાનો બેરોજગાર છે , ખેડૂતો પરેશાન છે. અમીરોનું દેણું માફ થાય છે જ્યારે ખેડૂતોને દેણું ભરવું પડે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોરબીની દુર્ઘટનામાં 150 જેટલાં લોકોના મૃત્યુ થયા પણ આ રાજકારણ રમવાની બાબત નથી પણ જે લોકો આ ઘટના પાછળ જવાબદાર છે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઇ નથી.