ર૪મીથી કથાનો પ્રારંભ: મહા મંડલેશ્ર્વર માઁ કનકેશ્ર્વરી દેવીજીકથાનું રસપાન કરાવશે; સંતવાણી, રાસગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે; આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
વિસાવદર તાલુકાના રામપરા (ગીર) ખાતે માઁ રૂપલધામ મંદિરે આગામી તા.ર૪/૩ થી તા.૧/૪ સુધી ર૦માં પાટોત્સવ નીમિત્તે શ્રીમદ્ દેવી ભાગવત માહત્મ્ય-કથા સ્મરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહામંડલેશ્ર્વર ૧૦૦૮ પ.પૂ. માઁ કનકેશ્ર્વરી દેવીજી કથાનું રસપાન કરાવશે. પાવનકારી મહોત્સવમાં ભક્તિનો માનવ મહેરામણ ઉમટશે તો સંતો-મહંતો
તથા માતાજીઓના દર્શન-આર્શીવાદનો લાભ સર્વે ભક્તોને મળશે. મંગલ અવસરોમાં તા.ર૪ના રોજ દિપ પ્રાગટ્ય, સવારે ૭:૦૦ કલાકે ઘ્વજા રોહણ, ૮:૩૦ કલાકે પોથીયાત્રા, બપોરે ૧૧:૦૦ કલાકે અન્નપૂર્ણા ખંડનું ઉદ્ઘાટન તેમજ કથા દરમિયાન દરરોજ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયુ છે. જેનો આશરે ૭ થી ૮ હજાર લોકો લ્હાવો લેશે. મંગલ મહોત્સવમાં ચારણ જગદંબાઓ પ.પૂ. આઇશ્રી બનુમાઁ, પ.પૂ. આઇશ્રી લક્ષ્મી માઁ, પ.પૂ. આઇ શ્રી વાલબાઇ માઁ, પૂ.પૂ. આઇ શ્રી મનુ માઁ, પ.પૂ. આઇ શ્રી દેવ માઁ, પ.પૂ. વક્તા પરમા માઁ, સોનલ માઁ, માલીઆઇ, મીણલઆઇ તેમજ વંદનીય સંતો પ.પૂ. મુક્તાનંદબાપુ, પ.પૂ. વિશ્ર્વંભર ભારતીબાપુ, પ.પૂ. શેરનાથબાપુ, પ.પૂ. વલકુબાપુ, પ.પૂ. વિજયબાપુ ગુરૂ જીવરાજબાપુ, કરશનદાસબાપુ સહિતના અનેક સંતો-મહંતો પધારી શુભાશિષ પાઠવશે. આ ઉપરાંત સાંસદો, ધારાસભ્યો, પવિત્રધામોના ટ્રસ્ટીઓ, વિશેષ પ્રતિષ્ઠિત મહેમાનો, રાજકીય-સામાજિક આગેવાનો, અધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં માઇભક્તો મહોત્સવમાં હાજરી આપશે.