હવે મેડિકલમાં ઓબીસીને 27 ટકા અને ઇડબ્લ્યુએસને 10 ટકા અનામત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેડિકલમાં અનામતના મુદ્દાનું સર્વેલન્સ હાથ ધર્યા બાદ લીધો મહત્વપૂર્ણ નિર્ણય
અબતક, નવી દિલ્હી : દેશને જ્ઞાતિ જાતિના વાડામાંથી બહાર કાઢવા માટે મોદી સરકારે શ્રી ચરણ કર્યા છે. પ્રથમ તબક્કામાં મોદી સરકારે મેડિકલમાં ઓબીસીને 27 ટકા અને ઇડબ્લ્યુએસને 10 ટકા અનામત આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારબાદ હજુ આગામી દિવસોમાં જરૂર ન હોવા છતાં અનામતનો લાભ લેનારાઓને બાકાત કરવા પગલાં લેવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ જણાઈ રહી છે.
મોદી સરકારે મેડિકલ કોલેજોમાં એડમિશનમાં ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગના છાત્રો માટે અનામત મંજૂર કરી લીધી છે. હવે બંને ગ્રેજ્યુએટ જેમકે એમબીબીએસ, બીડીએસ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા સ્તરના મેડિકલ કોર્સીઝમાં પ્રેવશ માટે અન્ય પછાત વર્ગ -ઓબીસીના વિદ્યાર્થીઓને 27 ટકા અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને 10 ટકા અનામત મળશે
બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઈન્ડિયા મેડિકલ એજ્યુકેશન કોટામાં અન્ય પછાત વર્ગ-ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગો- ઈડબલ્યુએસ માટે અનામતના મુદ્દાની સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત મંત્રાલયોને તેને પ્રાથમિકતાના આધાર પર ઉકેલવા નિર્દેશ આપ્યો હતો. સોમવારે બેઠકમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવીયા, શિક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કાયદા તેમજ ન્યાય અને સમાજ કલ્યાણ સચિવોની સાથે-સાથે અન્ય સીનિયર અધિકારી પણ સામેલ થયા અને કોટાના મુદ્દે ચર્ચા કરવામાં આવી.
5550 વિદ્યાર્થીઓને મળશે અનામતનો લાભ
આ નિર્ણયથી લગભગ 5550 વિદ્યાર્થીઓને લાભ થશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું છે કે, સરકાર પછાત અને ઈડબલ્યુએસ વર્ગ બંને માટે યોગ્ય અનામત આપવા પ્રતિબદ્ધ છે. દર વર્ષે એમબીબીએસમાં લગભગ 1500 ઓબીસી સ્ટૂડન્ટ્સ અને પોસ્ટગ્રેજ્યુએટ્સમાં 2500 ઓબીસી વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે છે. એ જ રીતે એમબીબીએસમાં લગભગ 550 ઈડબલ્યુએસ વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 1000 ઈડબલ્યુએસ વિદ્યાર્થીઓને લાભ થઈ શકે છે.
ચાલુ સત્રથી જ વ્યવસ્થા લાગુ કરાશે
આ વ્યવસ્થા ઓલ ઈન્ડિયા કોટા અંતર્ગત યુજી અને પીજી મેડિકલ/ડેન્ટલ કોર્સીઝ (એમબીબીએસ/એમડી/એમએસ/ડિપ્લોમા/બીડીએસ/એમડીએસ) માટે હાલના એકેડેમિક સત્ર 2020-21થી લાગુ થશે.
મેડીકલમાં ઓબીસી અને ઈડબલ્યુએસ અનામત માટે ઘણા સમયથી ઉઠી હતી માંગ
ઘણા સમયથી તેને લઈને માગ થઈ રહી હતી. એક દિવસ પહેલા જ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નેતૃત્વમાં ઓબીસી સાંસદોના એક પ્રતિનિધિમંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી નીટ યુજી અને પીજીમાં અખિલ ભારતીય કોટામાં ઓબીસી અને ઈડબલ્યુએસ ઉમેદવારો માટે યોગ્ય અનામતની માગ કરી હતી. મેડિકલ શિક્ષણમાં ઓલ ઈન્ડિયા કોટામાં ઓબીસી અનામત આપવાની લાંબા સમયથી માગ કરવામાં આવી રહી છે. દેશની જુદી-જુદી કોર્ટોમાં ઘણા કેસ પણ થયા છે અને પરંતુ આ મામલો લાંબા સમયથી પડતર છે.