- સમાણ હાઇવે પર મોટી વેરાવળ નજીક આવેલ શ્રીજી સ્કૂલનું ધો-12નું 94.05% જ્યારે ધો-10નું 88.78% પરિણામ
શિક્ષણ વગર આજના સમાજનો ઉધાર જ નથી. કોઈપણ કપરી પરિસ્થિતિ હોય ત્યારે શિક્ષણ હંમેશા ઢાલ બનીને માનવીને કપરી પરિસ્થિતિમાંથી રસ્તો બતાવતું હોય છે. ત્યારે શિક્ષણની સાંપ્રત સમયમાં ખૂબ માંગ વધી છે. બીજી બાજુ શિક્ષણના સ્ત્રોત પણ વધ્યા છે. ત્યારે આવો જ એક અમૂલ્ય સ્ત્રોત જામનગર જિલ્લામાં પણ આવેલો છે.જામનગરમાં આવેલી શ્રીજી સ્કૂલ શિક્ષણ, સંસ્કાર અને સમજણ સાથે સંસ્કૃતિના પાઠ પણ ભણાવે છે. બાળકોનું ભવિષ્ય અને ઉજળું બનાવવા માટે કુશળ માર્ગદર્શકોની ટીમ દ્વારા દિવસ રાત મહેનત કરી અને શ્રેષ્ઠ પરિણામ અપાવવા માટે હંમેશાં જહેમતશિલ રહે છે. આ ઉપરાંત સુવિધામાં પણ શ્રીજી સ્કૂલ હંમેશા અન્ય સ્કૂલને ટક્કર મારે તેવી સાબિત થઈ છે. વિદ્યાર્થીઓને કઈ દિશામાં વધુ મહેનતની જરૂર છે તે માટે શાળાના શિક્ષકો દ્વારા દર અઠવાડિયે અને મહિનામાં ટેસ્ટ લેવામાં આવે છે અને ત્યારબાદ જરૂર મુજબનો પાયો પાકો કરાવવામાં મહેનત કરવામાં આવે છે.
શિક્ષણના પાઠ ભણાવતી શ્રીજી સ્કૂલમાં એલકેજીથી ધોરણ 12 સામાન્ય પ્રવાહ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. અન્ય શાળાઓની સરખામણીએ શ્રીજી સ્કૂલની ફી પણ ખૂબ મામુલી હોવાથી સામાન્ય પરિવારના બાળકો ખાસ ભણવા આવે છે અને તેમાં પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખેતીવાડી તેમજ મજૂરી કામ કરતા પરિવારમાંથી આવતા હોવાથી તેમનો શિક્ષણનો ભાઈઓ નબળો પણ હોય છે. છતાં પણ શાળાના શિક્ષકો દ્વારા ખૂબ મહેનત કરી અને છેલ્લા પાંચ વર્ષથી રેકોર્ડ બ્રેક પરિણામ લાવવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે આ શાળાની ફી સરકાર દ્વારા નિર્ધારિત કરેલી ફ્રી ના માળખાથી પણ ઓછી હોય છે. ઉપરાંત રમતગમત ક્ષેત્રે બાળકો આગળ વધે તે માટે અલગ શિક્ષકોની વ્યવસ્થા તથા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. જેને લઇને આ શાળાના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે સ્ટેટ લેવલ સુધી ભાગ લીધો છે અને સફળતા પણ મેળવી છે. વિશાળ ગ્રાઉન્ડ ઉપરાંત પરિવહનની સુવિધા સાથે હોસ્ટેલમાંની સુવિધા પણ આવેલ છે. જેમાં 30 રૂમની વ્યવસ્થા છે. તથા પાંચ વિઘાની હવા-ઉજાશ વાળી જગ્યાના સીસીટીવીથી સજ્જ વિશાળ શાળા કેમ્પસ આવેલ છે.
સ્કૂલની સાથે હોસ્ટેલની પણ વિશેષ સુવિધા
30 રૂમની વ્યવસ્થા વાળી હોસ્ટેલમાં બેડ, ગાદલા ઉપરાંત યુનિફોર્મ જેવી વસ્તુઓ તથા કેન્ટીનની પણ સુવિધા છે અને ત્રણ સમયના અઠવાડિયામાં અલગ અલગ મેનુ મુજબનું ભોજન તૈયાર કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ મેમ્બર ટ્રસ્ટીઓ એક જ સરખું ભોજન કરે છે. આમ સુવિધાથી ભરપૂર આ શાળા લગભગ 40 કિલોમીટર આજુબાજુના વિસ્તારમાં ગર્લ્સ બોયઝ માટે પરિવહનની પણ સુવિધા વ્યવસ્થા આપે છે. બાળકો માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સોળે કળામાં પારંગત નિવડે તે માટે શાળામાં મલ્ટીમીડિયા રૂમ ઉપરાંત એલ કેજી યુકેજી માટે રમતગમતનું પટાંગણ તથા સપોર્ટ એક્ટિવિટી માટે વિશાળ મેદાન પણ આવેલું છે. બાળકોના ભવિષ્યને જ સૌથી સર્વોપરી માની અને સ્નાતક કક્ષાના અનુભવી શિક્ષકો વિદ્યાર્થીઓની એક એક સમસ્યામાથે ઉભી અને સોલ્વ કરાવે છે. બીજી ખાસ વાત એ છે કે ટ્રસ્ટ દ્વારા સંચાલિત ચાર શાળામાંથી થતી આવક ટ્રસ્ટ દ્વારા શાળામાં જ વાપરવામાં આવે છે અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકો હંમેશા જહેમતશિલ રહે છે.
શહેર કરતા ગ્રામ્યની શાળામાં ભણવાનો આનંદ અનેરો: ગાગીયા મેહુલ
‘અબતક’ સાથેની વાતચિતમાં ગગીયા મેહુલએ જણાવ્યું હતું કે હું નાની વેરાવળ ગામથી આવું છું. શ્રીજી સ્કૂલ મધ્યમ વર્ગ માટે છે એવું કહી શકાય શાળાની ફી મધ્યમ વર્ગને પોસાય તેવી છે. શાળામાં ભણતર સાથે અનેક ઇત્તર પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. મને ધો-10માં 91.11 પીઆર આવેલ છે. શરૂઆતથી જ મહેનત કરી હતી. જેના કારણે સારા ગુણ મેળવી શક્યો. સીટીની શાળા કરતા ગ્રામ્યની શાળામાં વધુ અભ્યાસ કરવાની મજા આવે. શાંત વાતાવરણમાં ભણવાનો આનંદ અનેરો છે.
હોસ્ટેલમાં રહીને શ્રેષ્ઠ પરિણામ લાવી શક્યો: દિક્ષાંત ડોબરીયા
‘અબતક’ સાથેની વાતચિતમાં ડોબરીયા દિક્ષાંતએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી શાળામાં અભ્યાસ કરૂં છું. શાળાનું વાતાવરણ ખૂબ જ સારૂં છે. હું નજીકના ગામડાંમાંથી અભ્યાસ અર્થે આવ્યો છું અને હોસ્ટેલમાં રહીને ધો-10માં 92.92 પીઆર આવ્યા છે. મારા વાલીઓ અને શાળા-પરિવારની મહેનત રંગ લાવી છે. એસ.પી.માં 97 માર્ક્સ આવેલ છે. શાળામાં બીજો નંબર આવ્યો છે.
ધો-10ની શરૂઆતથી જ શાળામાં રિવિઝન, પરીક્ષા લેવાતી: સ્મિત
‘અબતક’ સાથેની વાતચિતમાં સ્મિતએ જણાવ્યું હતું કે શ્રીજી સ્કૂલમાં 7 વર્ષથી અભ્યાસ કરૂં છું. મારો ધો-10માં શાળામાં બીજો નંબર આવ્યો છે. મને 93 પીઆર આવ્યા છે. શાળામાં તમામ સુવિધા વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવે છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવા સહિતની તમામ સુવિધા આપવામાં આવે છે. શાળામાં ધો-10માં શરૂઆતથી પરીક્ષા લેવાતી હતી. રિવિઝન કરાવવામાં આવતું હતું. જેના કારણે સારૂં પરિણામ આવ્યું છે.
દેવગઢ ગામથી અપડાઉન કરૂં છું, શાળા તરફથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અપાય છે: કાલાવડીયા સંજય
‘અબતક’ સાથેની વાતચિતમાં કાલાવડીયા સંજયએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી દેવગઢ ગામથી અપડાઉન કરૂં છું. શાળા તરફથી જ બસની સુવિધા આપવામાં આવે છે. ધો-10માં 90.90 પીઆર આવ્યા છે અને શાળામાં પાંચમો ક્રમાંક આવ્યો છે. મારા પિતા ખેતીકામ કરે છે. અમારી શ્રીજી સ્કૂલ મધ્યમ વર્ગના લોકોને પોસાય તેવી ફી લે છે અને તમામ સુવિધા આપે છે.
શ્રીજી શાળા-હોસ્ટેલમાં તમામ સુવિધા ઉપલબ્ધ: ગાગીયા કિશોર
‘અબતક’ સાથેની વાતચિતમાં ગાગીયા કિશોરએ જણાવ્યું હતું કે હું નાની વેરાવળ ગામથી આવું છું. હું શાળાની હોસ્ટેલમાં રહીને બે વર્ષથી અભ્યાસ કરૂં છું. શાળા અને હોસ્ટેલની સુવિધા ખૂબ જ સારી છે. મને શિક્ષકો, ટ્રસ્ટીઓ, પ્રિન્સીપાલનો સારો સહકાર મળ્યો છે. મને ધો-10માં 94 પીઆર આવ્યા છે. સ્કૂલમાં વિકલી ટેસ્ટ, રાઉન્ડ ટેસ્ટ લેવાતી હતી.