પુષ્ટી માર્ગીય વૈષ્ણવ પ્રણાલીમાં ૪૦ દિવસ સુધી ફૂલડોલ ઉત્સવ મનાવવામાં આવે છે
‘હોરી ખેલુગી, શ્યામ સંગ જાય સખીરી… ભાગ્યન તે ફાગુન આયો’ એટલે કે, પુષ્ટી માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના દ્વારા ૪૦ દિવસીય ધુળેટી પર્વનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો રાધા-કૃષ્ણના પ્રેમને વર્ણવતું કૃતિ ૪૦ દિવસ સુધી નૃત્ય તરીકે રજૂ કરતા હોય છે અને ભગવાન કૃષ્ણની રાસલીલા અને પ્રેમલીલાને નૃત્ય સ્વ‚પે વૈષ્ણવો સમક્ષ મુકતા હોય છે. ત્યારે શ્રીજી ગૌશાળા ખાતે ૧૦૦૦થી વધુ ગૌમાતાના સાનિધ્યમાં ફૂલફાગ હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ શહેરના લોકો ઉત્સવમાં ભાગ લઈ પોતાની જાતને ધન્યતા અનુભવી હતી.
પુષ્ટી માર્ગીય વૈષ્ણવ પ્રણાલીમાં વસંત પંચમીથી ધુળેટી એટલે કે ડોલ ઉત્સવ સુધીના ૪૦ દિવસોને ખેલના દિવસો કહેવામાં આવે છે. રસ મસ્તીના આ દિવસોમાં પુષ્ટી પ્રભુરસેસ શ્રી કૃષ્ણ, શ્રી રાધીકાજી અને વૃજ ભક્તોને પોતાના સહયોગ રસનું દાન કરીને એમના બધા મનોરથો પૂર્ણ કરે છે. રસ રંગની એ જ લીલાઓને અસ્ટછાપ કિર્તનકારો અને વ્રજના ભક્ત કવીઓએ હોળી ધમાલ રસીયા દ્વારા અવગાહીત કરી છે જેનો લાભ લેવા રાજકોટની રંગીલી જનતાએ કિર્તનોની રસ મસ્તીનો લાભ લીધો હતો.
ત્યારે શ્રીજી ગૌશાળાના પ્રભુદાસભાઈ તન્નાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ ખૂબજ ઐતિહાસિક દિવસ છે. કારણ કે, ફૂલફાગ મહોત્સવનું આયોજન હરહંમેશ થતું હોય છે પરંતુ ગૌમાતામાં આ આયોજન થવાથી શ્રીજી ગૌશાળાની જમીન ખૂબજ પવિત્રસભર બની ગઈ છે. કારણ કે, ભગવાન કૃષ્ણને ગૌમાતા પ્રત્યે અનેરો પ્રેમ હતો ત્યારે પુષ્ટી માર્ગીય સંપ્રદાયના દ્વારા જે ભગવાન કૃષ્ણની રાસ લીલાઓનું જ્ઞાન અને જે દ્રશ્યો પ્રસ્થાપિત કર્યા છે તેનાથી રાજકોટની જનતા ખૂબજ તરબોળ બની ગઈ છે.
એવી જ રીતે શ્રીજી ગૌશાળાના રમેશભાઈ ઠકકરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજનો દિવસ ખૂબજ મહત્વપૂર્ણ છે કારણ કે, ફૂલ ડોલ ઉત્સવ અને ભગવાન કૃષ્ણનો ખૂબજ પ્રિય તહેવાર રહ્યો છે. તેમાં પણ જયારે ફૂલડોલ ઉત્સવ શ્રીજી ગૌશાળાના આંગણે યોજાયો છે ત્યારે સોને પે સુહાગા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. રાજકોટની રસપ્રેમી જનતા જયારે પુષ્ટીમાર્ગીય સંપ્રદાયના પરિવારો દ્વારા જે કૃષ્ણલીલાનું રસપાન કરાવવા માટે શ્રીજી ગૌશાળાના આંગણે આવ્યા છે ત્યારે જે રીતે રાજકોટની જનતાએ આ ઐતિહાસિક દિવસમાં સહભાગી બન્યા તે પણ મહત્વપૂર્ણ બાબત કહી શકાય.
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડલના પરાગભાઈ તેજુરાએ પણ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અનેકવખત ફૂલડોલ મહોત્સવમાં તેઓ સહભાગી થયા છે પરંતુ શ્રીજી ગૌશાળા ખાતે જયારે આ ત્યૌહાર અને ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે તે જોઈને એક અનેરો આનંદ પ્રસ્થાપિત થયો છે. વધુમાં તેઓએ ગૌમાતાના મહત્વને સમજાવતા કહ્યું હતું કે, જો ગૌમાતાને સાચવવામાં અને તેની સાર સંભાળ લેવામાં આવશે તો રાજકોટ કે પછી સમગ્ર દેશને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે કારણ કે, ગૌમાતા એ એક જ એવું પશુ છે જે લોકોને નાણાકીય વળતર ચૂકવે છે. ત્યારે રાજકોટની જનતાએ ગૌમાતાની પણ સેવા કરવી જોઈએ અને જે પુષ્ટીમાર્ગીય સમાજ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે તે ખરા અર્થમાં કાબીલે તારીફ છે.
પુષ્ટીમાર્ગીય સંપ્રદાયના હેમાક્ષીબેન રાજા કે જેઓએ ભગવાન કૃષ્ણનો ભાગ રાસલીલામાં ભજવ્યો હતો તેઓએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પુષ્ટી સંપ્રદાય છેલ્લા ૪૦ દિવસથી ડોલ ઉત્સવ મનાવવામાં આવ્યો હોય છે ત્યારે અમે ભાગ્યશાળી છીએ કે, ગૌશાળામાં તેમના સંપ્રદાય અને તેમના સમુદાયને ભગવાન કૃષ્ણ અને રાધાના રાસલીલાના પ્રસંગો વાગોળવાનો મોકો મળ્યો છે. અંતમાં તેઓએ રાજકોટની જનતાનો આભાર માન્યો હતો કે તેઓને જે સાથ સહકાર મળ્યો છે તે પણ સરાહનીય છે.
પુષ્ટીમાર્ગીય પાઠશાળાના પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધામેલીયાની અધ્યક્ષતામાં ફૂલફાગ હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેઓએ પુષ્ટીમાર્ગીય સંપ્રદાય વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સંપ્રદાય વિશેષ કરીને ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાના પ્રેમપ્રસંગો અને રાસલીલા સહિત અનેક પ્રસંગોને પ્રજા સમક્ષ પહોંચાડતા હોય છે જેનો પ્રતિસાદ પણ તેમને ખૂબજ સારો મળે છે ત્યારે શ્રીજી ગૌશાળાના આંગણે જે વિશેષ ફૂલફાગ હોળીનું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી તેઓને ખૂબજ ખુશીની લાગણીની અનુભૂતિ થાય છે અને આવનારા દિવસોમાં પણ શ્રીજી ગૌશાળામાં અનેકવિધ પ્રસંગો કરવાનો તેઓએ નિર્ધાર કર્યો હતો.