પુષ્ટિમાર્ગીય પાઠશાળાના ભુપેન્દ્રભાઇ ધાબલીયા અને કિર્તન વૃંદ ધમાર રસીયાની રમઝટ બોલાવશે: ગૌ પ્રેમીઓ અબતકના આંગણે
શહેરની ઉત્તર ભાગોળે જામનગર હાઇવે પર સાકાર ગૌતિર્થ શ્રીજી ગૌશાળા એની શ્રેષ્ઠ ગૌસેવા અને ગૌમૂત્ર ચિકિત્સાની આહલેકના કારણે માત્ર ગુજરાત જ નહિ સમગ્ર ભારતમાં પ્રસિઘ્ધ છે. એમાં વિહરતી ૧૮૭૫ ગૌ માતાઓના ધીંગા અને તંદુરસ્ત ગૌસમુહને કારણે ગૌપ્રેમી સમાજનું માનીતું સ્થાન બની રહી છે.
પુષ્ટી માર્ગીય સંપ્રદાયની રીતી પ્રમાણે માગ સુધી પંચમી એટલે કે વસંતપંચમી વસંતના આગમન સાથે શ્રી રાધા-કૃષ્ણના વિશુઘ્ધ સ્નેહથી છલકતો ૪૦ દિવસનો મદન ઉત્સવ જેને ખેલના દિવસો કહેવામાં આવે છે. વસંત પંચમીથી હોરી પડવા સુધી પ્રભુ નિત્ય હોરીખેલ મનાવે છે. વળી આ સંપ્રદાયમાં વ્રજની હોરીનું વિશેષ મહાત્મય સ્વીકારાયું છે. વ્રજની હોરીની વાત આવે એટલે વ્રજના લોકમુખે ગવાતા હોરી ધમાર રસીયા કિર્તનોનું અચુક સ્મરણ આવે.
બસ આજ શ્રેણીમાં આગામી તા. ૨૧-૩ ને ગુરુવારને ધુળેટીની સાંજે ૬ વાગ્યાથી શ્રીજી ગૌશાળા ખાતે ફુલ-ફાગ હોરી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુેં છે. આ હોરી ઉત્સવમાં રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં જેમની ચાહના અને સન્માન છે એવી પુષ્ટિમાર્ગીય પાઠશાળાના પ.ભ. ભુપેન્દ્રભાઇ ધાબલીયા અને એમના ર્કિતન વૃંદ દ્વારા વ્રજના અષ્ટછાપ ર્કિતનકારોના ભાવપૂર્ણ ધમાર-હોરી પદો સાથે ભકતજનોને હોરીના દિવસોમાં વ્રજની યાવ અપાવતા બ્રજવાસી ભરત કવિઓના રસીયા ગાન સાથે વ્રજની હોરીના વિવિધ પ્રકારના નૃત્યોની અભિવ્યકિત સાથે ભાવુકોને હોરીરસમાં સરાબોર કરશે આ હોરી રસનો લાવો પ્રાપ્ત કરવા ગૌ પ્રેમીઓને સંસ્થા દ્વારા જાહેર અનુરોધ કરાયો છે. શ્રીજી ગૌશાળામાં આજે ૧૮૭૫ ગૌ માતાઓ સન્માનભેર નિવાસ કરતી હોય ને અહીં પ્રત્યેક ગૌ માતાનું લાલન, પાલન, પોષણ ચિવટથી કરવામાં આવે છે.
ગૌશાળાઓ ગૌમાતાના નિભાવ માટે તાણ અનુભવી રહી છે ત્યારે સર્વસાધારણ કોઇપણ ગૌ પ્રેમી ગૌમાતાની રોજીંદી ગૌગ્રાસ સેવા ટહેલ સાથે જોડાય શકે એ હેતુ અને ભાવના સાથે સંસ્થા દ્વારા આ વર્ષે એક વિશેષ રોજીંદી ગૌગ્રાસ યોજના શરુ કરવામાં આવી છે એ અનુસાર એક ગૌમાતાના ચારાનું રોજીદું ખર્ચ રૂ ૧૦૦/- ગણી કોઇપણ ગૌપ્રેમી પરિવાર પાંચ દસ કે ત્રીસ દિવસના ગૌગ્રાસના સહભાગી બની શકે છે. એ જ રીતે પ્રતિમાસ એક ગૌમાતાનું નિભાવ ખર્ચ રૂ ૩૦૦૦/- ગણી ત્રણ છ કે બાર માસના ગૌગ્રાસના મનોરથી બની શકાય છે.
ફુલ-ફાગ ઉત્સવની સાથે સંસ્થાની આ રોજીંદી ગૌગ્રાસ સેવાનો વધુને વધુ ગૌપ્રેમીઓ લાભ લ્યે તે માટે સંસ્થાના પ્રભુદાસભાઇ તન્ના, જયંતિભાઇ નગદીયા, વિનુભાઇ ડેલાવાળા, રમેશભાઇ ઠકકર, ચંદુભાઇ રાયચુરા અને ભુપેન્દ્રભાઇ છાંટબારે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.