- શહેરોમાં અર્બન ફોરેસ્ટ ઉભા કરીને ગ્રીન કવર વધારીને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા સરકાર સજ્જ : મુખ્યમંત્રીએ નવા નિયમોના આપ્યા સંકેત
- શહેરી વિસ્તારની ટાઉન પ્લાનીંગમાં હવે 1 ટકા જમીન અબર્ન ફોરેસ્ટ માટે રિઝર્વ રાખવા સરકાર તૈયારી કરી રહી છે. શહેરોમાં અર્બન ફોરેસ્ટ ઉભા કરીને ગ્રીન કવર વધારીને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા સરકાર સજ્જ બની છે. મુખ્યમંત્રીએ નવા નિયમોના સંકેત આપ્યા છે.
ઈન્ડિયન ટાઉન પ્લાનિંગ ઈન્સ્ટીટ્યુટ દ્વારા આયોજિત કોન્ફરસમાં શહેરોમાં પ્લાનિંગ સાથે વિકાસ કરવામાં આવે તેના પર ભાર મુકાયો છે. કોઈ પણ શહેરનો વિકાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈકોનોમી, જીવનશૈલી સહિતના મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવે તો સદૃઢ઼ આયોજન કરી શકાય. પબ્લીક ટ્રાન્સપોર્ટ સાથે સામાન્ય લોકો કઈ રીતે જોડાય તેના પર વધારે ભાર મૂકવામાં આવે તો લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવા પ્રેરાય.
વધૂમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા લોકોની ઈકોનોમિક સ્થિતિ સુધરે તે દિશામાં કામ કરવાથી લોકોની પ્રતિ વ્યક્તિ આવક પણ વધશે જેનાથી તેમની જીવનશૈલીમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે. કાર્યક્રમનાં ઉદ્ધાટન સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણની સાથે ચાલવું અગત્યનું બન્યું છે. શહેરોમાં અર્બન ફોરેસ્ટ ઉભા કરીને ગ્રીન કવર વધારીને ગ્લોબલ વોર્મિંગ સામે લડવું પડશે. રિડ્યુઝ, રિયુઝ અને રિસાયકલીંગ દ્વારા સર્ક્યુલર ઈકોનોમીનીનું નિર્માણ કરી લોકોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડી વધુ લિવેબલ અને લવેબલ બનાવવા અંગે આયોજન કરવું આવશ્યક છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અર્થ માત્ર પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે બિલ્ડીંગ બનાવવું નથી. એની સાથે કોઈપણ અડચણ વગર લોકો ચાલતા પબ્લિક ટ્રાન્સપોર્ટ સુધી પહોંચી શકે તે પ્રકારની સુવિધા વિકસાવવાની જરૂર છે. આ પ્રસંગે હાઈ લેવલ કમિટીના ચેરમેન કેશવ વર્માએ જણાવ્યું કે પર્યાવરણની જાણવણી સાથે કેવી રીતે ઔધોગિક વિકાસ કરી શકાય તે માટેનું આયોજન કરાશે.
આપણા દેશમાં એક પણ શહેરની જીડીપી 2.50 લાખ કરોડથી વધારે નથી. જ્યારે અમેરિકાના 15 શહેરો, ચીનના 7 શહેરો અને કેનેડાના 1 શહેરની જીડીપી 2.50 લાખ કરોડથી વધારે છે.
દેશમાં શહેરોની જીડીપીમાં વધારો થાય તે રીતનું આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ગુજરાતમાં ઓટોમોબાઈલ સેક્ટરમાં વિકાસની સંભાવનાઓ અમદાવાદમાં, હાઈડ્રોજન સંબંધીત ક્ષેત્રને લઈને જામનગરમાં, મેટલ સહિતની વસ્તુઓ માટે રાજકોટ, મોરબી અને ઈલેક્ટ્રીકસના ક્ષેત્રમાં વિકાસની સંભાવનાઓ ગિફ્ટ સીટી ગાંધીનગરમાં વધારે જોવા મળી રહી છે.
શહેરીકરણનો દર 45થી વધી 63 ટકા થયો
હાલ ભારતમાં શહેરીકરણ 45 ટકાથી વધીને 63 ટકા થયું છે, જ્યારે આ સમયગાળામાં વિદેશોમાં શહેરીકરણ વધવાનો દર ધીમો થયો છે. વધતા શહેરીકરણના લીધે શહેરોના ઈન્ફ્રાસ્ટ્રકચર પર દબાણ વધતો જાય છે. જેનાથી ઈન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ ખુબ જ પ્લાનિંગ સાથે કરવામાં આવે તો વધતી વસ્તીનો ભાર શહેરનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહન કરી શકે.