પૂ.માં સ્વામીને ભાવાંજલી અર્પવા ૨૫૦ પ્રત્યાખ્યાન ધાર્મિક કાર્યક્રમ યોજાશે
સ્થા.જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળામાં ચાતુર્માસ હેલી આગળ ધપી રહેલ છે અને ભાવિકો પૂ.સંતોના મુખેથી વ્યાખ્યાનવાણી અને આરાધનાનો લાભ લઈ રહ્યા છે. ચાતુર્માસ એટલે માં સ્વામી સ્મૃતિ ચાતુર્માસ અને પૂ.માં સ્વામીના સુશિષ્યા ૨૩ મ.સ.ચાતુર્માસ અર્થે બિરાજમાન છે. દરરોજ સવારે ૯:૧૫ થી ૧૦:૧૫ વ્યાખ્યાન, ત્રિરંગી સામાયિક, ધાર્મિક શિબિરો, જાપ, ધાર્મિક ગમ્મત, પ્રતિક્રમણ, આયંબીલ તપ, ઉપવાસ વિગેરે પૂ.મ.સ.ઓની નિશ્રામાં ચાલી રહેલ છે અને ભાવિકો ઉત્સાહભેર હિસ્સો લઈ રહ્યા છે.
પૂ.બેન સ્વામી હીનાજીની પ્રેરણાથી સમગ્ર ચાતુર્માસ દાતા બીનાબેન અજયભાઈ શેઠ મુંબઈ તરફથી દરેક આરાધનાઓમાં લાભ લેનાર ભાવિકોને વ્યાખ્યાન પ્રભાવના તેમજ ધાર્મિક ઉતેજનારૂપે રૂ.૨૦૦૦-૧૦૦૦ના દશ-રોકડ ડ્રો રાખવામાં આવે છે. દરરોજ બાળ દર્શન, યુવા દર્શન, કપલ દર્શન, ફેમીલી દર્શન, યુવા શીબીર અને ભાઈઓ માટેની શીબીરના સાપ્તાહિક આયોજન હોય છે.
પૂ.માં સ્વામીની સ્મૃતિરૂપે ગુણાંજલી, ભાવાંજલી અર્પણ કરવા વિરાણી પૌષધશાળામાં આગામી બુધવારે તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ અનુસંધાને અનેક ધાર્મિક અનુષ્ઠાનો આરાધનાના કાર્યક્રમોનું આયોજન રાખેલ છે. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોનો આરાધનાના કાર્યક્રમોનું આયોજન રાખેલ છે. આ દિવસે મહા તપસ્યા માસ માસખમણનું ઘર છે અને આઝાદી પર્વ અને જાહેર રજાનો દિવસ હોવાથી બાળકો પણ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે.
પૂ.માં સ્વામીને ભાવસભર ભાવાંજલી અર્પણ કરવા તપ આરાધના માટે ૨૫૦ પ્રત્યાખ્યાન ધાર્મિક કાર્યક્રમનું આયોજન રાખેલ છે. જેમાં ૨૫ બાળકો નવકારશી, ૨૫ બાળકો પોરશી, ૨૫ બાળકો દોઢ પોરશી, ૨૫ યુવાન એકાસણા, ૨૫ યુવાતીઓ નિવી આયંબિલ મોટા વ્યકિત માટે ૨૫ વ્યકિત ઉપવાસ, ૨૫ વ્યકિત એકલઠાણું ૧૩ કપલ આયંબિલ, ૨૫ વ્યકિત બે પોરસી, ૨૫ વ્યકિત પોરસી સાથે અભિગ્રહ આ ૨૫૦ પ્રત્યાખ્યાનમાં બહોળી સંખ્યામાં ભાગ લેવા સર્વે ભાવિકોને બિરાજીત ૨૩ સંતો તેમજ સ્થા.જૈન મોટા સંઘની સમિતિનો અનુરોધ છે.
આ સર્વે અનુષ્ઠાનોમાં દાતા તરફથી તપસ્વીઓને પ્રભાવના તથા વ્યાખ્યાન દરમ્યાન આ દિવસે સવિશેષ પ્રમાણમાં રોકડ ડ્રો રાખવામાં આવેલ છે. ઉપરોકત ૨૫૦ પ્રત્યાખ્યાનમાં જે ભાવિકોને લાભ લેવાનો હોય તેમને તેમના નામ સ્થા.જૈન મોટા સંઘ, પેલેસ રોડ, શ્રાવિકા ઉપાશ્રયે પૂ.મ.સ.પાસે મોડામાં મોડા સોમવાર સુધીમાં નામ નોંધાવી લેવાના છે. તેમ સંકલન માનદ મંત્રી હિતેષ બાટવીયાએ જણાવ્યું છે.