પ્રથમ દિવસે ૧૦ હજારથી વધુ શ્રોતાઓએ કથા શ્રવણ કરી ભોજન મહાપ્રસાદનો લાભ લીધો: ભીમનાથ મહાદેવ મંદિરેથી ડી.જે.ના તાલે ભવ્યાતી ભવ્ય પોથીયાત્રા રાજકોટનાં રાજમાર્ગો પર ફરી કથા સ્થળે પહોંચી
પોતાની ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓથી ભારતભરમાં વિખ્યાત બનેલ શ્રી આપાગીગાના ઓટલા દ્વારા રાજકોટ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો આજના શુભ દિને ગુ‚પુષ્ય નક્ષત્રના શુભ યોગમાં દબદબાભેર સંતો-મહંતોની હાજરીમાં પ્રારંભ થયો હતો. શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી પૂજય નરેન્દ્રબાપુ ગુ‚શ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઈ સોલંકી) દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો સંકલ્પ લેવામાં આવ્યો હતો જે હેતુથી આ કથાનો શુભારંભ થયેલ છે.ગુરુવારે બપોરના ૨:૩૦ કલાકે શ્રી ભીમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાંથી ભવ્યાતી ભવ્ય કહી શકાય તેવી પોથી યાત્રાએ પ્રસ્થાન કરેલ. આ પોથી યાત્રામાં ૧૦૮ શ્રીમદ્ ભાગવત પોથીઓ પોતાના મસ્તક પર રાખી હજારો બહેનોએ તથા તેમના પરિવારજનોએ ભાગ લીધો હતો. પોથી યાત્રાના અગ્ર ક્રમે બગીમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનાં પરમવિદુષી બાલયોગીની કથાકાર પૂજયશ્રી ગીતાદીદી શોભાયમાન હતા. ડી.જે.ના તાલે પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકજનોએ નાચતા-ગાતા આ ધર્મ કાર્યમાં જોડાઈને લાભ લીધો હતો. ત્યારબાદ શુભ કથા સ્થળ શ્રી દ્વારકાધામ, પારડી રોડ, જલજીત હોલ સામે, આનંદનગર ખાતે પોથીયાત્રા પહોંચતા ઉપસ્થિત સંતો-મહંતો દ્વારા પોથીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે બાવનવીર હનુમાનની જગ્યા મોલડીનાં મહંતશ્રી દાદબાપુ તથા કથાના આયોજક મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુ‚શ્રી જીવરાજબાપુએ ભાવિકજનોને આર્શીવચન પાઠવ્યા હતા. વિશાળ સભા મંડપમાં ધર્મ સભાને છાજે તેવું સુશોભન કરવામાં આવેલ છે.ત્યારબાદ બપોરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું કાર્ય આગળ વધારતા ૪ના ટકોરે સર્વે પિતૃઓના મોક્ષાર્થે કથાનું આયોજન કરનાર પૂજય નરેન્દ્રબાપુ (નરેન્દ્રભાઈ સોલંકી) તથા પોથી પાટલો નોંધાવનાર અન્ય ૧૦૮ જેટલા પરીવારજનોને વિદ્ધાન બ્રાહ્મણ કૌશિકભાઈ શાસ્ત્રીએ પૂજનવિધી કરાવી હતી. ત્યારબાદ વ્યાસપીઠ પરથી પૂજય શ્રી ગીતાદીદીએ પોતાની આગવી અને સંગીતમય શૈલીમાં મંગલાચરણ કરી ત્યારે સભા મંડપ શ્રોતાઓથી ખરાખચ ભરાઈ ગયો હતો. પૂજય ગીતાદીદીએ કથાના પ્રારંભમાં જણાવ્યું હતું કે રંગીલા રાજકોટ શહેરમાં આ મારી પ્રથમ કથા છે મને રાજકોટ શહેરને ધર્મ અને ભકિતના રંગમાં રંગવાનો પ્રથમવાર તક મળી તે બદલ હું શ્રી આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુનો ખુબ-ખુબ આભાર માનું છું. આજે આ મારી ૩૪૨મી કથા છે. આસ્થા ચેનલ અને સંસ્કાર ચેનલનાં માધ્યમથી શ્રોતાજનોને મારો પરોક્ષ પરીચય હતો. આજે રાજકોટનાં ભાવિકજનો સમક્ષ પ્રત્યક્ષ થવાનો મને મોકો મળ્યો છે ત્યારે આગામી ૭ દિવસ આપણે સહું સાથે મળીને ભકિતમય વાતાવરણમાં સત્સંગ કરીશું. પૂજય શ્રી ગીતાદીદીએ જણાવ્યું હતું કે, ભકિત, જ્ઞાન અને વૈરાગ્યની કથા એટલે શ્રીમદ્ ભાગવત કથા. ભાગવતમાં જીવનને ભકિતના રંગમાં રંગવાની વાત મુખ્ય છે. આપણને દેવોને પણ દુર્લભ એવો મુનષ્ય અવતાર મળ્યો છે ત્યારે આ મનુષ્ય અવતારને દિપાવવો એ આપણા હાથની વાત છે. એવું કહેવાય છે કે રામાયણ એ જીવન જીવતા શીખવે છે અને ભાગવત એ આપણને મૃત્યુનો કેમ સ્વીકાર કરવો તે શીખવે છે પરંતુ હું માનું છુ કે શ્રીમદ્ ભાગવત આપણને જીવતા અને મરતા બંને શીખવે છે. તેમણે સુકદેવજી મહારાજના જન્મની વાતથી ભાગવત કથાનો પ્રારંભ કરેલ. કથાને આગળ વધારતા તેમણે ભારતભૂમીનાં પોતાની આગવી અને ભકિતમય શૈલીમાં વખાણ કરતા કહ્યું કે ભારતભૂમી સ્વર્ગથી પણ મહાન છે. દુનિયાના કોઈ દેશોને માતા કહેવામાં આવતા નથી જયારે આપણા દેશને માતા કહેવાય છે તેની પાસે ભાગવત તત્વ રહેલું છે. ભારત એ ભગવાનની હેડ ઓફીસ છે. ભારતભૂમીમાં દેવ ઋષી નારદજી જયારે પરીભ્રમણ કરવા નીકળે છે ત્યારે તેઓ ભારતભરમાં વ્યાપેલો કળીયુગનો પ્રભાવ નજરોનજર નીહાળે છે.તેઓ જયારે વૃંદાવનમાં આવે છે ત્યારે ભકિત તેમને પોકારે છે અને કહે છે કે હે ઋષી નારદજી તમે ભારતભૂમીમાં જ્ઞાન અને વૈરાગ્યને લોકોનાં હૃદયમાં સ્થાપિત કરો. આ વાત સાંભળી જયારે ઋષી નારદજી ચિંતન કરવા બેસે છે ત્યારે આકાશવાણી થાય છે કે જો તમે ભારતભૂમીનું ઉધાર કરવા માંગતા હોય તો શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું જ્ઞાન લોકો સુધી પહોંચાડો. ત્યારબાદ સંતો-ઋષીમુનીઓની હાજરીમાં ગંગા તટે આનંદઘાટ પર સનદ કુમાર વ્યાસપીઠ પર બીરાજમાન થઈ ભાગવત કથાનું રસપાન કરાવે છે. આ કથાનું ફળ આત્મદેવ નામનાં બ્રાહ્મણને આપવામાં આવે છે. સંયોગ વશ આત્મદેવની પત્ની તે ફળ પોતે ન ખાતા પોતાની ગાયને ખવડાવી દે છે પરીણામે ગાયને પુત્ર સ્વરૂપે ગોકર્ણ મહારાજનો જન્મ થાય છે એ જ સમયે ધુંધકારી નામનો બાળક પણ તેમના ઘરે આવે છે. ધુંધકારી પાપાચારને કારણે મૃત્યુ પામે છે ત્યારે તેનો જીવ દુર્ગતીને વશ પ્રેતાત્મા બને છે અને ત્યારબાદ ૭ ગાંઠવાળા વાંસમાં આ પ્રેતનો વાસ થાય છે. જેનો ભાગવત કથા કરી મોક્ષ કરવામાં આવે છે આવું ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું મહા મહાત્મય છે.ત્યારબાદ સાંજના ૭ વાગ્યાથી કથા સ્થળે મહાપ્રસાદનો પ્રારંભ કરવામાં આવેલ. જેમાં ઉપસ્થિત ૧૦૮ પોથી પાટલાના તમામ પરિવારજનોના લોકો તથા તમામ શ્રોતાગણોએ લાભ લીધેલ હતો. જેમાં રાત્રીના ૧૧ વાગ્યા સુધી ભાવિકોની લાંબી લાઈનો જોવા મળી હતી. આયોજકોના જણાવ્યા અનુસાર આશરે ૧૦ હજારથી પણ વધુ લોકોએ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનાં પ્રથમ દિવસે ભોજન મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ તકે પૂજય નરેન્દ્રબાપુએ ઉપસ્થિત માનવ મહેરામણને જણાવ્યું હતું કે, આ જ્ઞાનયજ્ઞમાં વધુમાં વધુ લોકો કથા શ્રવણ કરી લાભ લઈ શકે તથા ભોજન મહાપ્રસાદનો પણ વધુમાં વધુ લોકોને લાભ મળે તે માટે દરરોજ ખાસ પધારે તેવું આહવાન કર્યું હતું.