તોફાની વરસાદથી માંગરોળનાં દરિયામાં કરંટ જોવા મળ્યો: ૬ થી ૭ ફૂટ જેટલા મોજા ઉછળ્યા: કોડીનાર અને તળાજામાં ૧-૧ ઈંચ વરસાદ નોંધાયો
શ્રાવણ માસ અડધો વીતિ ગયો છે ત્યારે હવે ફરી વરસાદનો માહોલ જામતો જાય છે અને શ્રાવણ સરવડાનાં બદલે ધોધમાર વરસાદ વરસે તેવું વાતાવરણ ઉભુ થયું છે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં હવામાન વિભાગ દ્વારા આગામી ૪ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ફરી અષાઢી જેવો માહોલ સર્જાય રહ્યો છે. ચોમાસાનાં ૪ માસમાં પ્રથમ બે માસનો વરસાદ મહત્વનો હોય છે. પ્રથમ અષાઢ માસમાં ધોધમાર અને સાર્વત્રિક વરસાદ વરસતો હોય છે. એકય વિસ્તાર બાકી રહેતો નથી જયારે શ્રાવણ માસમાં સરવડા એટલે કે છુટો છવાયો વરસાદ પડતો હોય છે. શ્રાવણમાં જે વિસ્તારમાં વરસાદ પડે ત્યાં નદી-નાળા સરોવર ભરી દે તેવો વરસાદ હોય છે તેને શ્રાવણનાં સરવડા કહેવાય છે. જયારે ભાદરવામાં પડતો વરસાદ ઘરડો કહેવાય છે એટલે જે દિવસમાં વરસાદ પડે ત્યાં ઢગલો કરી દે છે અને જળબંબાકાર સર્જાય છે જયારે આસો માસમાં વરસાદ બહુ ઓછો હોય છે જોકે ગત વર્ષે આસો માસમાં સારો વરસાદ પડયો હતો. આજે શ્રાવણનાં સરવડાની જેમ વહેલી સવારથી સુત્રાપાડામાં ૧૧ વાગ્યા સુધીમાં ૮ ઈંચ વરસાદ ખાબકયો હતો જયારે માંગરોળમાં ૪ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. સુત્રાપાડામાં વરસાદથી જળબંબાકાર જેથી સ્થિતિ સર્જાય હતી. બંગાળની ખાડીમાં આજથી લો-પ્રેશર સક્રિય થશે તેની સાથે હાલમાં મોનસુન ટ્રફ પણ નોર્મલ સ્થિતિમાં છે જે આગામી બે દિવસોમાં દક્ષિણ બાજુ સરકીને મજબુત બનશે તેમજ હાલમાં વાતાવરણમાં મધ્ય લેવલ પર પૂર્વ-પશ્ર્ચિમ પવનોનું ક્ધર્વઝન્સ ઝોન ૧૭ ડિગ્રી નોર્થ પાસે રહેલો છે જે ઉતર તરફ થશે જેની અસરોથી દક્ષિણ-પશ્ર્ચિમ પવનોનો પ્રવાહ મજબુત બનશે. બંગાળની ખાડીમાં આજથી લો-પ્રેશર સક્રિય થવાથી ૮ ઓગસ્ટ દરમિયાન રાજયભરમાં સાર્વત્રિક વરસાદની સાથે તા.૩ થી ૬ ઓગસ્ટ દરમિયાન મુંબઈથી દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિભાગે કરી છે જેની અસરતળે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.
આજે વહેલી સવારથી ગીર પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. માત્ર ત્રણ કલાકનાં સમયગાળામાં જુનાગઢનાં માંગરોળમાં ૪ ઈંચ અને ગીર સોમનાથનાં સુત્રાપાડામાં પણ ૮ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાત કરીએ તો ગીર સોમનાથનાં વેરાવળમાં ૮૫ મીમી, કોડીનારમાં ૨૬ મીમી, તળાજામાં ૨૦ મીમી, તાલાલામાં ૧૦ મીમી, મહુવામાં ૪ મીમી, ખાંભામાં ૩ મીમી વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રભરનાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ગઈકાલથી આજ સવાર સુધી રાજયનાં ૨૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજથી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
મુંબઈમાં ભારે વરસાદની આગાહીનાં પગલે રેડએલર્ટ
મુંબઈમાં ગતરાત્રીથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલું જોવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે એમ બે દિવસ ભારે વરસાદનાં પગલે રેડએલર્ટ જાહેર કરાયું છે. મુંબઈ મહાનગરપાલિકાની સાથે ફાયર બ્રિગેડ અને એનડીઆરએફને સતર્ક રહેવા પણ સુચના અપાઈ છે. કોરોનાના સંકટ વચ્ચે વરસાદે દેશની આર્થિક નગરી મુંબઈનાં ફરી એકવાર બેહાલ કરી નાખ્યા છે. મોડીરાત્રે થયેલા વરસાદથી મુંબઈનગરી પાણી-પાણી થઈ ગયું છે. મુંબઈનાં હિંદમાતા, દાદર, ચેમ્બુ, અંધેરી, શાંતાક્રુઝ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેનાં કારણે વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો હતો. મુંબઈનાં કોલાબામાં ૧૧ ઈંચ જેટલો વરસાદ તો શાંતાક્રુઝમાં ૪ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો.