રાજકોટમાં મધરાત વરસ્યો મચ્છરિયો વરસાદ: મુશળધાર વરસાદની જરૂરિયાત વચ્ચે માત્ર હળવા ઝાપટાથી એક ઈંચ સુધી વરસાદથી જગતાત ચિંતીત: બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
મુરજાતી મોલાત અને તળીયા ઝાટક જળાશયો વચ્ચે સૌરાષ્ટ્રવાસીઓ અનરાધાર મેઘકૃપાની વાટ જોઈ રહ્યા છે. ત્યારે મેઘરાજા માત્ર હાઉકલી કરી અંત:ધ્યાન થઈ જાય છે. ગઈકાલે આખો દિવસ મેઘાડંબર વચ્ચે હળવા ઝાપટાથી એક ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં પણ મધરાતે મચ્છરિયો વરસાદ પડયો હતો. આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.
આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના 85 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ અઢી ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 63 મીમી વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રમા મેઘાવી માહોલ વચ્ચે માત્ર ઝાપટાથી લઈ એક ઈંચ સુધી વરસાદ પડયો હતો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં એક ઈંચ, જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં એક ઈચ, વરસાદ પડયો હતો. જયારે અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાનાં અમૂક વિસ્તારોમાં ઝાપટા પડયા હતા.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર ઉતર-પૂર્વ મધ્યપ્રદેશમાં હાલ એક સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે. જેનો એક રૂફ ગુજરાત સુધી લંબાયો છે. જેનો સૌથી વધુ લાભ દક્ષિણ અને મધ્યમ ગુજરાતને મળશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે. જયારે સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. ઓફશોર રૂફ હાલ દક્ષિણ મહારાષ્ટ્રથી કેરેલા સુધી અને મોનસુન રૂફ નોર્મલ પોઝિશનમાં છે.
સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદની વાટ વચ્ચે માત્ર ઝાપટા વરસી રહ્યા છે. જો હવે મેઘરાજા કૃપા નહી વરસાવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે અને પાણીની પણ કટોકટી સર્જાશે રાજયમાં સિઝનનો 40.64 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. હવે મોનસુન રૂફ ફરી નોર્મલ પોઝિશનમાં આવતા રાજયમાં મેઘકૃપા વરશે તેવી આશા બંધાય છે. રાજકોટમાં ગત મધરાતે મેઘરાજાએ હળવુ હેત વરસાવવાનું શરૂ કર્યું હતુ. પરંતુ વરૂણદેવ મનમૂકીને વરસયા ન હતા માત્ર બેથી ત્રણ મીમી વરસાદ પડયો હતો. આજે સવારથક્ષ શહેરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ છવાયું છે.
ગોંડલ શહેર માં માત્ર હળવાં ઝાપટાં વરસ્યા હતા.પણ દેરડી, કમઢીયા, મોટીખિલોરી, ધરાળા, રાવણા, કેશવાળા,પાટખિલોરી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડયો છે. પાટખિલોરીમાં સાંબેલાધારે પાંચ ઇંચ વરસાદ પડ્યો હોય ગામમાં પાણી ઘુસતા લોકોનાં જીવ પડીકે બંધાયા હતાં.
પાટખિલોરીથી અમરેલી પટ્ટીમાં ભારે તોફાની વરસાદ વરસ્યો હોય નદી નાળા માં ઘોડાપુર આવ્યા હતા. દેરડીની કોલપરી નદીમાં પુર આવ્યા હતા. ભારે વરસાદને કારણે વાંસાવડ, દેરડી અમરેલી માગઁ પર વાહન વ્યવહારને અસર પંહોચી હતી. બામણીનદી નાં પાણી ઉપરાંત લુણીધાર ફાટક તરફથી ધસમસતા પાણી પાટખિલોરીની સડક પર ફરી વળી ગામ માં ઘુસ્યા હતાં. ભારે વરસાદ અને પાણીનો ધસમસતો પ્રવાહ ગામ માં ઘુસ્યો હોય લોકો ભયભીત બન્યાં હતાં. પાટખિલોરીનાં સરપંચ જગદીશભાઇ પટેલનાં જણાવ્યાં મુજબ અમરેલી રોડનો પુલ ખુબ નાનો હોય પાણી ગામ તરફ વળતાં હોય ખતરો સર્જાય છે. અમરેલી જિલ્લા પ્રશાસનમાં અનેક રજુઆતનાં અંતે રુ.સવા કરોડનાં ખર્ચે મોટો પુલ મંજુર કરાયો છે. પણ તંત્રની ઢીલીનિતીને કારણે પુલનું કામ શરુ કરાયુ નથી.
આજે સવારે બે કલાકમાં 29 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. નવસારીના ચિખલીમાં 29 મીમી, વલસાડમાં 18 મીમી, વલસાડમાં ધરમપૂર 14 મીમી, જૂનાગઢના માળીયામાં 9 મીમી અને માંગરોળમાં 7 મીમી વરસાદ પડયો હતો.
રાજકોટમાં ગઇકાલે રાત્રે ધીમીધારે વરસાદ પડયા બાદ આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. વાતાવરણ વાદળછાયુ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં સવારે હળવો વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.