એલસીબીએ દરોડો પાડી રાજકોટ પડધરી, લાલપુર અને જામનગર પંથકના મહિલા સહિત 21 શકુનીઓને દબોચ્યા
સાત કાર, ત્રણ બાઇક અને મોબાઇલ મળી રૂ.33.79 લાખનો મુદ્ામાલ જપ્ત
જામનગર જિલ્લાના કાલાવડમાં બાલંભડી રોડ પર એક મકાનમાં હાઈ પ્રોફાઈલ જુગાર ધામ ચાલી રહ્યું છે, અને રાજકોટ- પડધરી- ધ્રોલ- જામનગર- લાલપુર પંથકના અનેક જુગરિયા તત્વો જુગાર રમવા માટે એકત્ર થયા છે તેવી બાતમીના આધારે ગઈ રાત્રે એલસીબી ની ટુકડી એ દરોડો પાડી ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા મકાનમાલિક અને એક મહિલા સહિત 21 આરોપીની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ વાહનો મોબાઇલ ફોન અને 22 જોડી ગંજીપાના સહિત 33.79 લાખની માલમતા કબજે કરી છે.
આ દરોડાની વિગત એવી છે કે, જામનગર જિલ્લાના કાલાવડમાં ભગવતી પરા વિસ્તારમાં પૂલના છેડે રહેતા મનીષ રમણીકલાલ સખીયા નામના શખ્સના મકાનમાં મોટુ જુગારધામ ચાલી રહ્યું છે અને અનેક શખ્સો સૌરાષ્ટ્રભરમાંથી એકત્ર થયા છે તેવી બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી એક મહિલા સહિત 21 સ્ત્રી પુરુષ જુગાર રમતાં મળી આવ્યા હતા.
આથી પોલીસે મકાન માલિક મનિષ રમણિકભાઈ સખિયા, કેતન વાલજીભાઈ વૈષ્ણવ, જમન માવજીભાઈ ચાંગાણી, જગદિશ બાબુભાઈ દોંગા, પંકજ મનસુખભાઈ કાછડિયા, સુરેશ હંસરાજભાઈ વેકરિયા, જનક વાસુદેવભાઈ માટકા, ખીમા રામાભાઈ ભાટુ, રાજુ બચુભાઈ કરંગિયા, બાબુ મચ્છાભાઈ બાંભવા, હિતેષ ઓઘડભા ભુવા, શાંતિભાઈ પરસોત્તમભાઈ કમાણી, રમેશ ભગવાનજીભાઈ સરધારા, દીપક રમણિકભાઈ પાંભર, પીયૂષ રવજીભાઈ હિંગરાજિયા, અશોકસિંહ ગુમાનસિંહ જાડેજા, સુદિરસિંહ નાલુભા ચુડાસમા, અમિત લખમણભાઈ મલિક, મનોજ ગોરધનભાઈ ફળદુ, રાજેશ મોહનભાઈ અકબરી અને લક્ષ્મીબેન બટૂકભાઈ ઝાપડા સહિત તમામ એકવીસ જુગારિયાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કાલાવડ જેવા તાલુકામાં કલબ જેવો મસમોટો જુગાર ચાલતો હોય જે અંગે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી જિલ્લાની એલસીબીએ દરોડો પાડતાં હવે જોવાનું તે રહયું કે, જિલ્લા પોલીસવડા સ્થાનિક પોલીસ પર શું પગલાં લેશે? તેના પર સૌ કોઈની મીટ મંડાઈ રહી છે.
જામનગરમાં પાંચ મહિલા સહિત સાત જુગાર રમતા પકડાયા: રૂ.2.31 લાખની મત્તા કબ્જે
જામનગરમાં ડિફેન્સ કોલોની નજીક આવેલી એક સોસાયટીમાં ચાલી રહેલા એક જુગારધામ પર ગઈકાલે એલસીબી ત્રાટકી હતી, અને ગંજી પાના વડે જુગાર રમી રહેલી પાંચ મહિલા અને બે પુરુષો સહિતની અટકાયત કરી લઇ રૂપિયા 2. 31લાખ ની માલમતા કબજે કરી છે. આ ઉપરાંત બીજો દરોડો જામજોધપુરમાં પાડવામાં આવ્યો હતો, જ્યાંથી છ પત્તાપ્રેમી ઝડપાયા છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરમાં ડિફેન્સ કોલોની નજીક બાલાજી સોસાયટી શેરી નંબર ત્રણ માં રહેતા ખેરાજભાઈ રમણભાઈ ગઢવી ના મકાનમાં જુગારધામ ચાલી રહ્યું છે તેવી ચોક્કસ બાતમી ના આધારે ગઈકાલે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ઉપરોક્ત મકાનમાં પાંચ મહિલા સહિત સાત પત્તાપ્રેમીઓ ગંજી પાના વડે જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.
જેથી એલસીબી ની ટીમે મકાન માલિક ખેરાજભાઈ રણમલભાઈ ગઢવી ઉપરાંત અંકિત વલીદાસ સોલંકી, વર્ષાબેન જીતેન્દ્રભાઈ ચંદ્રપાલ, ફરજાનાબેન સબીરભાઈ ભાયા, ખુશીબેન રાજેશભાઈ બોરીચા, સકરબેન મોહમ્મદભાઈ પંજવાણી અને મીનાબેન વલીદાસ સોલંકી ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 15,410 ની રોકડ રકમ, પાંચ નંગ મોબાઈલ ફોન’ અને એક ઇકો કાર સહિત 2,31,410 ની માલમતા કબજે કરી છે. જુગાર અંગે નો બીજો દરોડો જામજોધપુર ના સતાપર રોડ પર પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમીલા રહેલા નિકુભા વિનુભા પરમાર, ઉકાભાઇ કરસનભાઈ બેરા સહિત છ આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 24,150 ની માલમતા કબજે કરી છે. જામજોધપુર પોલીસે આ દરોડો પાડ્યો હતો.